સિહોર : ભાવનગર-રાજકોટ હાઈવે પર રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા ?
- કમરના મણકા ભાંગી જાય એટલા મોટા ખાડા પડી ગયા
- એસ.ટી. બસ સ્ટેન્ડ-પોલીસ મથક પાસેથી પસાર થવું મોતના મુખમાંથી બહાર આવવા જેવું બની ગયું : ખખડધજ રસ્તા મામલે અગાઉ ચેમ્બરે પણ રજૂઆત કરી છતાં જવાબદાર તંત્ર ગણકારતું નથી
ઔદ્યોગિક દ્રષ્ટીએ જિલ્લામાં અગ્રસ્થાન ધરાવતા સિહોરને નબળી નેતાગીરી અને સરકારી તંત્રની અદેખાઈનો ભોગ બનવો પડી રહ્યો છે. જીઆઈડીસીમાં આવેલી સ્ટીલ રી-રોલીંગ મીલો અને નાના-મોટા અન્ય ઉદ્યોગોના કારણે સિહોરના હાઈવે માર્ગો ૨૪ કલાક વાહનોથી ધમધમતા રહે છે. આ ઉપરાંત રાજકોટ આવવા-જવા માટે પણ આ જ રૂટ હોવાથી એસ.ટી. ઉપરાંત ખાનગી વાહનોની સતત અવર-જવર રહે છે. પરંતુ છેલ્લા ઘણાં મહિનાઓથી વળાવડથી રાજપરા ખોડિયાર મંદિર સુધીના રસ્તામાં નબળી કામગીરીના કારણે મોટા-મોટા ખાડા પડી ગયા છે. સિહોર શહેરમાં પોલીસ સ્ટેશનના ઢાળથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધીના રસ્તા પર કમરના મણકા ભાંગી જાય એટલા મોટા ખાડા પડી ગયા છે. વળી, રસ્તાની પહોંળાઈ ઓછી હોય અને મોટા વાહનોની અવર-જવરના કારણે નાના વાહનચાલકોને તો આ રસ્તા પરથી પસાર થવું મોતના મુખમાંથી બહાર આવવા જેવો અહેસાસ થાય છે. હાઈવે પરના રસ્તાની પણ ઠેક-ઠેકાણે આવી જ દુર્દશા છે, આ પ્રશ્ન ઘણાં સમયથી હોય, ખખડધજ રસ્તા મામલે અગાઉ ચેમ્બરે પણ રજૂઆત કરી હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટીનું જવાબદાર તંત્ર ગણકારતું નથી. તો નગરપાલિકાએ પ્રજાને પડતી મુશ્કેલી બાબતે હાથ ખંખેરી લીધા છે.
વરસાદમાં રસ્તા પરના ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ડર રહે છે. ત્યારે નવા માર્ગો બનાવી માથાના દુઃખાવા સમાન ખખડધજ રસ્તાની સમસ્યાનો નિકાલ લાવવાની સિહોર પંથકની જનતા અને વાહનચાલકોની માંગણી છે.