સિહોરઃ ગેરકાયદે દબાણ કરનાર 15 થી વધુ કોમ્પ્લેક્ષ માલિકોને નોટિસ, અમલવારીમાં વિલંબ
- સિહોર પાલિકાએ નોટિસ આપ્યાના 25 દિવસ બાદ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં કચવાટ
- જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નર સમક્ષ લેખિત ફરીયાદ કરાશે તેવી ખાનગી રાહે ચર્ચા
સિહોર શહેરમાં ચર્ચાની એરણે ચડેલાં બનાવની વિગત એવી છે કે, સિહોર નગરપાલિકાને સ્થાનિક જાગૃત નાગરિકો તરફથી શહેરના વિવિધ વિસ્તારોમાં ખડકાયેલાં કોમ્પલેક્ષના બિલ્ડરો દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાની લેખિત ફરિયાદ મળી હતી. જેના આધારે પાલિકાની તપાસમાં એવી વિગત ખુલી હતી કે, સિહોર શહેરમાં રેલવે સ્ટેશન રોડ, અમદાવાદ રોડ, સ્વામિનારાયણ ગુરૂકુળની પાછળ, સુરકાના દરવાજા પાસે, પેવનથી ગરીબશા રોડ સુધી, કંસારા બજાર, વડલાવાળી ખોડિયાર મંદિરથી ફૂવારા સુધી, ડેલાની અંદર મોટા ચોક સુધીમાં આવેલાં ૧૫થી વધુ કોમર્શિયલ કોમ્પ્લેક્ષના બિલ્ડરોએ ઓેનલાઈન બિલ્ડીંગ મંજૂરી પ્લાન રજૂ કર્યા હતા. જેની સામે તપાસ કરતાં મંજૂરીના પ્લાન મુજબ બનાવેલ ન હોય અને પ્લાનમાં પાર્કિંગ, યુરીનલ ટોઈલેટ, માર્જીન જેવી જગ્યાઓ છોડવા દર્શાવાયું હોવા છતાં સ્થળ પર બાંધકામમાં તેનું અસ્તિત્વ જોવા મળ્યુંં ન હતું. જ્યારે,આ સ્થળે બિલ્ડરોએ ગેરકાયદે દબાણો કરી દુકાનો તથા ઓફિસો બનાવી લાખ્ખોની કમાણી કરી નાંખી હોવાનું ખુલ્યું હતું.
જેના પગલે સિહોર પાલિકાના તત્કાલિન ચીફ ઓફિસર ભટ્ટે સ્થાનિક જાગૃત નાગરિકો તરફથી મળેલી લેખિત ફરિયાદના આધારે ગત તા.૨૨ જુલાઈના રોજ સિહોર શહેરમાં અલગ-અલગ જગ્યાએ આવેલાં ૧૫થી વધુ ગેરકાયદે કોમ્પલેક્ષોના માલિકોને નોટિસ ફટકારી સાત દિવસમાં દબાણ દૂર કરવા તાકિદ કરી હતી. જો કે, નોટિસ ફટકાર્યા બાદ તત્કાલિન ચીફ ઓફિસર ભટ્ટના સ્થાને નવા ચીફ ઓફિસર મકવાણા ફરજરત થયા હોય,નોટિસના ૨૫ દિવસ બાદ પણ હજુ જવાબદારો સામે કાર્યવાહી કરી ન હોવાનું જાણવા મળેલ છે. આ મામલે કડક કાર્યવાહીની માંગ સાથે જાગૃત નાગરિકો દ્વારા કલેકટર અને નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશ્નર સમક્ષ લેખિત ફરીયાદ કરાશે તેવી ખાનગી રાહે ચર્ચા શરૂ થઈ છે. જો કે, આ બનાવ હાલ સિહોર શહેરમાં ટૉક ઓફ ધ ટાઉન બન્યો છે.