સિહોર : નધણિયાત ન.પા. કચેરીમાં નાગરિકોએ કચરો ફેંકી રોષ ઠાલવ્યો
- સફાઈ ચાર્જના ઉઘરાણા કરતા તંત્રને ઉકરડા ઉલેચવામાં આળસ
- સિહોરમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય, ધીરજ ખૂંટતા પરમાર શેરીના રહિશોએ પાણી દેખાડયું : પોલીસ દોડી ગઈ
સિહોરના વોર્ડ નં.૭માં આવેલી પરમાર શેરી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી કચરો-ઉકરડો ઉલેચવામાં આવી રહ્યો નથી. જેના કારણે આ વિસ્તારના લોકોને અસહ્ય ગંધ અને ગંદકીની સમસ્યાથી કાયમ ઝઝૂમવું પડી રહ્યું હોય, અનેક વખત રજૂઆત-ફરિયાદો કરવા છતાં પણ પ્રશ્નનો નિકાલ ન આવતા સ્થાનિક રહિશોની ધીરજ ખૂંટી હતી અને આજે શુક્રવારે નગરપાલિકા ખાતે દોડી આવી ન.પા.ની બિલ્ડીંગ અને ચીફ ઓફિસરની ઓફિસમાં કચરો ઠાલવી બહેરા તંત્રના કાને અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. એક સમયે વાતાવરણ તંગ બની જતાં પોલીસે દોડી જવું પડયું હતું અને રોષે ભરાયેલા લોકોને સમજાવટથી શાંત પાડયા હતા.
ઉલ્લેખનિય છે કે, સિહોર નગરપાલિકાની બોડીની મુદ્દત પૂરી થતાં બે વર્ષથી વહીવટદારની શાસન છે. હાલ ચીફ ઓફિસરની જગ્યામાં પણ ઈન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. જેના કારણે નગરપાલિકામાં કર્મચારી રાજ ચાલતું હોય તેમ નાગરિકોના પ્રાણ પ્રશ્નોનો કોઈ હલ લાવતું નથી. રજૂઆત કરવા આવે તો કોઈ સાંભળતું નથી અને મનફાવે તેવા જવાબ આપી હાંકી મુકવામાં આવતા હોવાનો રોષ છેલ્લા ઘણાં સમયથી સાંભળવા મળી રહ્યો છે. સિહોર ન.પા. અન્ય વેરાની સાથે સફાઈ ચાર્જ પણ ઉઘરાવે છે. પરંતુ મેવા ખાવામાં મસ્ત રહેતા કર્મચારીઓને કામ કરવામાં કોઈ રસ ન હોય, જ્યાં-ત્યાં ગંદકીના થર જામ્યા છે. ગંદકીના કારણે લોકોના આરોગ્ય ઉપર વિપરીત અસર પડી રહી હોવાથી ઘેર-ઘેર માંદગીના ખાટલા પથરાયા છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેથી લોકોએ બારી-બારણાં બંધ રાખવા પડે તેવી નોબત આવી છે.