સિહોર : આંદોલનનો દ્વેષ રાખી 3 જ વિસ્તારમાં વેરા માટે સરવે કર્યાની રાવ
- બદલાની ભાવના સાથે વેરો વસૂલવાની કામગીરી હાથ ધરાતા કોળી સમાજના આગેવાનો લાલઘૂમ
- નગરપાલિકા તંત્ર દૂધનું ધોયેલું હોય તો તમામ વોર્ડમાં બાકીદારો સામે કાર્યવાહી કેમ નહીં ? રાગદ્વેષ રાખનાર કર્મચારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન છેડવા ચિમકી
સિહોર શહેર કોળી સેવા સમાજ સંગઠનના યુવા પ્રમુખ જયદીપ વાઘેલાએ ગત તા.૬-૧૧ના રોજ પોતાના વિસ્તાર વોર્ડ નં.૭ના વિવિધ પ્રશ્નોને લઈ નગરપાલિકા કચેરીએ પ્રતિક ઉપવાસ આંદોલન કર્યું હતું. જે આંદોલનની અંગત દાઝ અને રાગદ્વેષ રાખી ચીફ ઓફિસર અને ટેક્સ વિભાગ દ્વારા ફક્ત વોર્ડ નં.૭ના ત્રણ જ વિસ્તારના કોળી સમાજ અને પછાત વર્ગના લોકોને ટાર્ગેટ કરી વિવિધ વેરા અંગે કડક પગલા ભરવા અને વેરો વસૂલવા સરવે અને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે સિહોર શહેર/તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા ચીફ ઓફિસર, કલેક્ટર, પ્રાદેશિક કમિશનર, નાયબ કલેક્ટર અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી એવી માંગણી કરવામાં આવી છે કે, જો નગરપાલિકા તંત્ર દૂધનું ધોયેલું જ હોય તો વોર્ડ નં.૧થી વોર્ડ નં.૯ના તમામ બાકીદારો સામે નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવે. માત્ર આંદોલનની અંગત દાઝ રાખી વોર્ડ નં.૭ના ચોક્કસ સમાજના લોકો સામે જ કાર્યવાહી કરનારા કર્મચારીઓ સામે ઘટતી કાર્યવાહી કરવામાં આવે અને જો યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો કોળી સમાજના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે તેવી સિહોર સમસ્ત કોળી સમાજના જુદા-જુદા સંગઠનના પ્રમુખોએ ચિમકી ઉચ્ચારી હતી.
કોઈ ચોક્કસ જ્ઞાતિના લોકોને ટાર્ગેટ નથી કર્યા : ચીફ ઓફિસર
આંદોલનનો દ્વેષ રાખી નોટિસ ફટકારવામાં આવ્યાના આક્ષેપ અંગે સિહોર ન.પા.ના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કોઈ ચોક્કસ જ્ઞાાતિના લોકોનો જ વેરા માટે સરવે કરવામાં આવ્યો નથી. બાકી વેરો હોય તેવા ૪૫૦ કરદાતાની અલગ-અલગ વોર્ડમાં અને દરેક જ્ઞાતિના લોકોને નોટિસ આપવામાં આવી છે. મોટા બાકીદારોને પણ નોટિસો આપવામાં આવશે. પાણીના નળના ભૂતિયા કનેક્શનધારકોને પાણી વેરો અને અન્ય વેરો ભરી રેગ્યુલાઈઝ કરવા તાકીદ કરાઈ છે. કોઈ એક જ સમાજને ટાર્ગેટ કરવા માંગતા નથી. આગામી દિવસોમાં કોઈપણ વોર્ડ કે વિસ્તારમાં સરવે કરી બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.