Get The App

સોમવારે કાતકી પૂનમથી પાલિતાણામાં સિધ્ધાચલની યાત્રાનો પ્રારંભ થશે

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
સોમવારે કાતકી પૂનમથી પાલિતાણામાં સિધ્ધાચલની યાત્રાનો પ્રારંભ થશે 1 - image


- ભારતભરના જૈન સંઘોમાં રવિવારે ચાતુર્માસની પૂર્ણાહુતિ

- ગુરૂ ભગવંતોની પાવનકારી નિશ્રામાં ૯૯ યાત્રા, છરિપાલિત સંઘ  તેમજ ભાતાઘર શરૂ થશે

પાલિતાણા : આવતીકાલે રવિવારે ચોમાસી ચૌદશના પર્વે જૈન શ્વેતામ્બર મૂતપૂજક સમાજનાં ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે. આગામી તા.૨૭ નવેમ્બરને સોમવારે જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તન થઇ શકશે. એટલે કે, ચાર મહિના સુધી એક સ્થળે સ્થિરતા કરી ચોમાસી ચૌદશ બાદ તેઓના વિહાર શરૂ થશે અને ચાતુર્માસની પૂર્ણાહુતિ મંગળવારે થશે. 

અષાઢ સુદ ચૌદશથી પ્રારંભ થયેલા જૈન ચાતુર્માસની પૂર્ણાહુતિ આવતીકાલે રવિવારે કારતક સુદ ચૌદશના સામૂહિક દેવવંદન અને ચૌમાસી ચૌદશના વિશેષ પ્રતિક્રમણ સાથે થશે.  કાતકી પૂણમાની સવારથી વિહારનો પ્રારંભ થશે. જેને જૈન ધર્મ અનુસાર ચાતુર્માસ પરિવર્તન કહેવાય છે. આગામી તા.૨૭ ને સોમવારે કારતક સુદ પૂણમાનો દિવસ જૈન સમાજ માટે મહત્ત્વનો બની રહેશે.કેમ કે, ચાતુર્માસ દરમિયાન બંધ રહેલી શેત્રુંજય તીર્થની યાત્રાનો કાતકી પૂણમાથી પ્રારંભ થશે. એક સ્થાને બિરાજમાન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થશે અને કલિકાલસર્વજ્ઞા જૈનાચાર્ય હેમચંદ્રાચાર્યજીનો જન્મ દિવસ.આ રીતે એક સાથે ત્રણ પ્રસંગો સર્જાશે. ચાર માસ દરમિયાન વરસાદ આદિને કારણે શત્રુંજય પર્વત ઉપર સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે તીર્થયાત્રા બંધ રહેશે. જેનો પ્રારંભ પૂનમથી શરૂ થશે. જે શ્રાવક-શ્રાવિકાઓ પૂનમનાં દિવસે પાલિતાણા ન જઈ શકે તેઓ પોત-પોતાના જૈન સંઘમાં શત્રુંજય તીર્થનો પટ બાંધી તેની સમક્ષ ભાવથી તીર્થયાત્રા કરશે.જેને તીર્થની ભાવયાત્રા પણ કહેવાય છે. આ દિવસે શાશ્વત તીર્થ એવા શત્રુંજય તીર્થનું મહિમા ગાન પણ થશે. કાર્તિકી પૂર્ણિમાની યાત્રામાં માત્ર ગુજરાત જ નહીં,દેશભરમાંથી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. પાલિતાણામાં આવેલી ૧૨૫ ધર્મશાળાઓ મુસાફરોની અવર-જવરથી ધમધમી રહેલ છે. કાતકી પૂનમથી ગુરૂ ભગવંતોની નિશ્રામાં ૯૯ યાત્રાની શરૂઆત થશે અને છરિપાલિત સંઘનો પ્રારંભ થશે. જય તળેટી પાસે આવેલ  ભાતાઘરમાં યાત્રિકોને ભાતું આપવાની શરૂઆત થશે.

જૈન સાધુ, સાધ્વીજીઓના ઠાના-ઉઠાણા થશે

હાલ ચાતુર્માસ પુર્ણ થતા ૧ ગચ્છાધિપતિ, ૨૩ આચાર્ય ભગવંત, ૪ પન્યાસ, ૪ ગણિવર્ય, ૨ પ્રવર્તક, ૧૫૮ મુનિ ભગવંતો, ૯૪૯ સાધ્વીજી ભગવંતો મળી કુલ ૧૧૪૧  સવંત ૨૦૭૯ ના કાર્તિકી પૂનમના પર્વે ઠાના-ઉઠાણા કરશે અને તેઓ જય તળેટી અને સિધ્ધાચલની યાત્રા કરશે. 


Google NewsGoogle News