શ્રી રામ મંદિર શિલાન્યાસની રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવણી, મંદિરોમાં મહાઆરતી થઈ
રાજકોટ, તા.5 ઓગષ્ટ 2020, બુધવાર
અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ ઉપર 500 વર્ષ પછી શ્રી રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો તે પ્રસંગની આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આસ્થા અને ઉલ્લાસ સાથે લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટના વર્ષો જુના રામ મંદિરમાં સુશોભન કરવામાં આવ્યું હતું તથા શંખનાદ કરીને મહા આરતી સહિત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રના અનેક મંદિરોમાં ભાવિકોએ શ્રદ્ધાપૂર્વક આરતી કરી હતી. તો રાજકોટમાં શહેર ભાજપ દ્વારા રંગોળી કરી આતશબાજી કરવામાં આવી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ કાર્યક્રમ યોજાયા હતા. શહેરમાં અનેક સ્થળે બજારોમાં વેપારીઓ દ્વારા મીઠાઈ વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. તો કોંગ્રેસ દ્વારા પણ રામ મંદિરનો શિલાન્યાસ આવકાર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 1992માં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી અનેક કાર્યકરો મંદિર વહી બનાયેંગેના નારા સાથે કાર સેવા માટે ઉમટયા હતા. લાખો-કરોડો લોકોની આસ્થા અને પ્રાર્થના તથા અનેક નામી અનામી કાર્યકરોની મહેનતના કારણે રામ મંદિરનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે, તે મુદ્દે કોરોના કાળમાં પણ લોકોમાં હર્ષોલ્લાસ છવાયો હતો.