ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 90 ટકા ભરાયો
- ઉપરવાસમાંથી શેત્રુંજી ડેમમાં 18,360 કયુસેક પાણીની આવક શરૂ
- પાલિતાણા અને તળાજાના 17 જેટલા ગામને સાવચેત કરાયા : શેત્રુંજી ડેમની સપાટી 33 ફૂટે પહોંચવા આવી : સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 34 ફૂટે છલકાશે
ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાંથી પાણીની ધીમી આવક શરૂ હતી પરંતુ આજે મંગળવારે પાણીની ધસમસતી આવક શરૂ હતી. શેત્રુંજી ડેમમાં આજે મંગળવારે રાત્રીના ૮ કલાકે ૧૮,૩૬૦ કયુસેક પાણીની આવક શરૂ હતી તેથી ડેમની સપાટી વધીને પોણા ૩૩ ફૂટે પહોંચી છે. શેત્રુંજી ડેમ આજે બપોરના ર કલાકે ૯૦ ટકા ભરાય ગયો છે. પાણીની સારી આવક શરૂ હોવાથી હજુ ડેમની સપાટી વધવાની શકયતા છે. અમરેલી જિલ્લાનો ધારી ખોડીયાર ડેમ ભરાય ગયો છે તેથી તેનુ પાણી શેત્રુંજી ડેમમાં આવતુ હોય છે, જેના કારણે શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક શરૂ હોવાનુ જાણવા મળેલ છે. શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. શેત્રુંજી ડેમની સપાટી ૩૩ ફૂટે પહોંચવા આવી છે અને શેત્રુંજી ડેમ ૩૪ ફૂટે ઓવરફલો થશે તેથી ડેમ ગમે ત્યારે છલકાવાની શકયતા છે.
શેત્રુંજી ડેમ ૯૦ ટકા ભરાય જતા પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર વગેરે ગામને સાવચેત કરવામાં આવ્યા છે. ડેમ ભરાય ત્યારે રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર જવર કરવી નહી તેમ ભાવનગર સિંચાઈ યોજનાના ફલડ સેલના અધિકારીએ માહિતી આપતા જણાવેલ છે. શેત્રુંજી ડેમમાંથી ભાવનગર શહેરના ઘણા વિસ્તારનુ પીવાનુ પાણી આપવામાં આવે છે અને તળાજા તાલુકાના ઘણા ગામોને સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવે છે તેથી આ ડેમ ભરાય તેની ભાવનગરના લોકો આતૂરતા પૂર્વક રાહ જોતા હોય છે. શેત્રુંજી ડેમ ૯૦ ટકા ભરાતા ભાવનગરના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે.
ભાવનગર અને બોટાદ જિલ્લાના 5 ડેમમાં વરસાદ, 13 ડેમમાં પાણીની આવક
ભાવનગર અને બોટાદ જિલ્લાના પ ડેમમાં આજે મંગળવારે ઝરમરથી લઈ આશરે એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે, જેમાં રજાવળ ડેમમાં ૧૦ મીલીમીટર, લાખણકા ડેમમાં ૧૩ મીમી, હમીરપરા ડેમમાં ર૦ મીમી, પીંગળી ડેમમાં ૧૧ મીમી, કાનીયાડ ડેમમાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો. રપ મીમીએ એક ઇંચ વરસાદ ગણવામાં આવે છે. ૧૩ ડેમમાં પાણીની આવક શરૂ હતી, જેમાં શેત્રુંજી ડેમમાં ૧૮,૩૬૦ કયુસેક, રજાવળ ડેમમાં ૩ર૯ કયુસેક, રંઘોળા ડેમમાં ૩૩૦ કયુસેક, હમીરપરા ડેમમાં ૧૧૪ કયુસેક, હણોલ ડેમમાં ૮૮ કયુસેક, લીંબાળી ડેમમાં ૧૦૦ કયુસેક, ગોમા ડેમમાં ૮૬ કયુસેક, ભીમડાદ ડેમમાં ૧૬૦ કયુસેક અને ખારો ડેમમાં સવારે ૧૭ર કયુસેક પાણીની આવક શરૂ હતી. કેટલાક ડેમ અગાઉ છલકાય ગયા હોવાથી પાણીની આવક-જાવક શરૂ હતી, જેમાં બગડ ડેમમાં પ૩ કયુસેક, રોજકી ડેમમાં ૧૧ કયુસેક, ખાંભડા ડેમમાં ૧પ૦ કયુસેક, કાળુભાર ડેમમાં ૬૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. કાળુભાર ડેમના ત્રણ દરવાજા ખોલાતા ભાલ પંથકના કેટલાક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતાં.
પાલિતાણાનો ખારો ડેમ 100 ટકા ભરાયો
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો ખારો ડેમ આજે મંગળવારે રાત્રીના ૮.રપ કલાકે ૧૦૦ ટકા ભરાય ગયો છે અને હજુ ડેમમાં પાણીની આવક શરૂ છે. ખારો ડેમમાં સવારે ૯ર૭ કયુસેક પાણીની સારી આવક શરૂ હતી પરંતુ ત્યારબાદ સાંજના સમયે પાણીની આવક ઘટીને ૧૭ર થઈ ગઈ હતી. આ ડેમમાં પાણીની ધીમી આવક હાલ શરૂ છે અને રાત્રીના સમયે ડેમના કેટલાક દરવાજા ખોલવામાં આવે તેવી શકયતા છે. ખારો ડેમ હાલ ર૧.૭૧ ફૂટ ભરાય ગયો છે. આ ડેમ ભરાતા પાલિતાણાના ભુતીયા, મોટી પાણીયાળી, નાની પાણીયાળી વગેરે ગામના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે તેમ ફલડ સેલ ભાવનગર સિંચાઈ યોજના વિભાગના અધિકારીએ જણાવેલ છે.