ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70 ટકા ભરાયો
- શેત્રુંજી ડેમની સપાટી 28.10 ફૂટે પહોંચી, પાણીની આવક શરૂ
- શેત્રુંજી ડેમ હેઠળના 17 ગામને સાવચેત કરાયા : હમીરપરા ડેમમાં પોણા 3 ઇંચ, ખારો અને લાખણકા ડેમમાં 1 ઇંચ વરસાદ વરસ્યો
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ આજે મંગળવારે ૭૦ ટકા ભરાય ગયો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ ર૮.૧૦ ફુટે પહોંચી ગઈ છે અને હજુ શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી ર૦૩૦ કયુસેક પાણીની આવક શરૂ છે તેથી ડેમની સપાટી હજુ વધશે. શેત્રુંજી ડેમ ૭૦ ટકા ભરાતા ૧૭ ગામને સાવચેત કરવામાં આવ્યા છે, જેમાં પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માયધાર, મેઢા અને તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા, સરતાનપર વગેરે ગામનો સમાવેશ થાય છે. શેત્રુંજી ડેમમાં રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં કોઈએ અવર-જવર કરવી નહી તેમ સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવેલ છે. શેત્રુંજી ડેમ ૩૪ ફૂટે છલકાશે તેથી હજુ ડેમ આશરે પ ફૂટથી વધુ ખાલી છે.
ભાવનગર જિલ્લાના ૯ ડેમમાં આજે વરસાદ નોંધાયો હતો, જેમાં હમીરપરા ડેમમાં ૭૦ મીલીમીટર, ખારો ડેમમાં ર૮ મીમી, લાખણકા ડેમમાં રપ મીમી, શેત્રુંજી ડેમમાં ૧પ મીમી, રજાવળ ડેમમાં ૧૦ મીમી, માલણ ડેમમાં ર૦ મીમી, પીંગળી ડેમમાં ૧૯ મીમી, બગડ ડેમમાં ૧૦ મીમી, જસપરા ડેમમાં ર૦ મીમી અને બોટાદ જિલ્લાના કાળુભાર ડેમમાં ૧૦ મીમી, કાનીયાડ ડેમમાં ર૦ મીમી વરસાદ નોંધાયો હતો. રપ મીલીમીટરે એક ઇંચ વરસાદ ગણવામાં આવે છે. આ ઉપરાંત શેત્રુંજી સહિત ૬ ડેમમાં પાણીની આવક શરૂ હતી, જેમાં રંઘોળા ડેમમાં ૪૪૬ કયુસેક, બગડ ડેમમાં ર૬૦ કયુસેક, રોજકી ડેમમાં ૩૦ કયુસેક પાણીની આવક શરૂ હતી. બોટાદ જિલ્લાના બે ડેમમાં પાણીની આવક-જાવક શરૂ હતી, જેમાં ખાંભડા ડેમમાં ૧૪ર કયુસેક અને કાળુભાર ડેમમાં ૩૦૦ કયુસેક પાણીની આવક-જાવક શરૂ હતી. વરસાદની આગાહી છે ત્યારે હજુ વધુ વરસાદ પડવાની શકયતા છે.