સિહોરના ગૌતમેશ્વર તળાવમાં ગટરના પાણીનો થતો નિકાલ
- સાગવાડી ગામની ગટર લાઈનનું ગંદુ પાણી નાળા વાટે તળાવમાં ઠલવાઈ રહ્યું છે
- દૂષિત પાણીના ઉપયોગથી લોકોના આરોગ્ય ઉપર જોખમ, 10 વર્ષ પૂર્વે તત્કાલિન કલેક્ટરે તળાવમાં આવતું ગટરનું પાણી બંધ કરવા આદેશ કર્યો છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી નહીં
સિહોર તલાકાના સાગવાડી ગામનીગટર લાઈન હાઈવે રોડના નાળા આગળ કાઢવામાં આવી છે. જે નાળા વાટે ગટરનું પાણી સિહોરના ગૌતમેશ્વર તળાવમાં આવતું હોય, જેથી પીવા લાયક શુદ્ધ પાણી દૂષિત થઈ રહ્યું છે. સિહોર શહેરની ૮૦ હજારની જનતાને ફિલ્ટર પ્લાન બંધ હોવાથી દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે દૂષિત પાણીનો લોકો પીવા અને વપરાશમાં ઉપયોગ કરતા હોવાથી લોકોનું આરોગ્ય પણ જોખમમાં મુકાઈ રહ્યું છે. ગત તા.૭-૫-૨૦૧૪ના રોજ તત્કાલિન સભાસદ મહેશભાઈ લાલાણીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી સાગવાડી ગામના નાળામાંથી ગૌતમેશ્વર તળાવમાં આવતા ગટરના ગંદા પાણીનો અન્ય જગ્યાએ નિકાલ કરવાની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. જે મામલે ગત તા.૧૩-૫-૨૦૧૪ના રોજ સિહોર પ્રાંત કચેરી અને સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સાગવાડી ગામના તત્કાલિન મંત્રીને લેખિત સુચના આપી યોગ્ય તપાસ કરી ગૌતમેશ્વર તળાવમાં આવતું પાણી બંધ કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. પરંતુ જિલ્લા કલેક્ટરના આદેશને પણ અધિકારી-પદાધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ આજદિન સુધી આ ગંભીર પ્રશ્નનો નિરાકરણ આવ્યું નથી. આ અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી ગૌતમેશ્વર તળાવમાં ભળતું ગટરનું પાણી બંધ કરાવવા સિહોરની જનતાની માંગણી ઉઠી છે.