Get The App

વાંકાનેરના કોઠી ગામે હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં સાતને 10 વર્ષની સખ્ત કેદ

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
વાંકાનેરના કોઠી ગામે હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં સાતને 10 વર્ષની સખ્ત કેદ 1 - image


છેડતી બાબતે ઠપકો આપ્યાનો ખાર રાખી હુમલો કર્યો હતો

દરેક આરોપીને કેદની સજા અને કુલ રૂ ૧.૨૦ લાખનો દંડે તેમજ ઈજા પામનારને રૂ ૨ લાખ વળતર અને દંડની રકમ સહીત કુલ રૂ ૩.૨૦ લાખનું વળતર ચુકવવા આદેશ

મોરબી : વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં  ૨૦૦૪ની સાલમાં છેડતી બાબતે ઠપકો આપ્યાનો ખાર રાખી સાત ઇસમોએ જીવલેણ હુમલો કરી હત્યા કરવાનો પ્રયાસ કરવા બાબતનો કેસ કોર્ટમાં ચાલી જતા સાત આરોપીઓને કસુરવાન ઠેરવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૧૧-૦૯-૨૦૦૪ ના રોજ કોઠી ગામે કથા અને ભજન કાર્યક્રમ મોડી રાત્રીના પૂર્ણ થતા મહિલા તેના બાળકોને લઈને અગાસી પર સુવા ગયેલ અને સુતા હતા ત્યારે આરોપીએ અગાસી પર જઈને છેડતી કરી હતી જે બાબતે ફરિયાદી સહિતનાને જાણ થતા આરોપીને ઠપકો આપી સમજાવવા જતા સમાધાન થઇ ગયું હતું અને બાદમાં આરોપીઓએ ઘરે આવી ગાળો આપી મોત નીપજાવે તેવા જીવલેણ ઘા કરી માથામાં ગંભીર ઈજા કરી હતી જે બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી 

જે કેસ એડીશનલ સેશન્સ જજ, મોરબીની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ કોર્ટમાં ૨૩ મૌખિક પુરાવા અને ૬૨ દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા જેને પગલે કોર્ટે આરોપીઓ ભગા રાઘવ સરૈયા, નાજા ગાંડું સરૈયા, કરશન નવઘણ સરૈયા, રૈયા જગમાલ સરૈયા, ભગુ નવઘણ સરૈયા, મૈયા નાગજી સરૈયા અને નાગજી દેવા સરૈયા રહે બધા કોઠી તા. વાંકાનેર વાળાને ગુનામાં દોષિત ઠેરવી સજા સંભળાવી છે .જેમાં કોર્ટે દરેક આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને કુલ રૂ ૧.૨૦ લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ ઈજા પામનાર હઠાભાઈ ખેંગારભાઈને રૂ ૨ લાખ વળતર અને આરોપીઓ દંડની રકમ ભરે તે રૂ ૧.૨૦ લાખ સહીત કુલ રૂ ૩.૨૦ લાખનું વળતર ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. 


Google NewsGoogle News