ખુન કેસમાં પાંચ મહિલા સહિત સાત શખ્સો દોષિત ઠર્યા, 10 વર્ષની કેદ

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
ખુન કેસમાં પાંચ મહિલા સહિત સાત શખ્સો દોષિત ઠર્યા, 10 વર્ષની કેદ 1 - image


રાજકોટનાં રૂખડિયાપરા વિસ્તારની 11 વર્ષ પૂર્વેની ઘટના

હુમલાના બનાવના ૧૦ આરોપીની ધરપકડ થઈ હતી જે પૈકી ત્રણ આરોપી મૃત્યુ પામ્યા; એક આરોપી સગીર હોવાથી તેની સામેનો કેસ બાળ અદાલતમાં ચાલ્યો હતો

રાજકોટ: આજથી 11 વર્ષ પહેલાં રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાં બે પરીવારો વચ્ચે ઝઘડામાં હુશૈન નુરમહમદ શેખને છરીઓ ઝીંકી મોતને ઘાટ ઉતારવાના કિસ્સામાં અદાલતે સાપરાધ મનુષ્ય વદના ગુના હેઠળ તકસીરવાન ઠરાવી પાંચ મહિલા સહિત સાત આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી આવી હતી. સાત પૈકી ત્રણ આરોપીઓ મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક સગીર હોવાથી તેની સામેનો કેસ બાળ અદાલતમાં ચાલ્યો હતો.

આ કેસની હકીકત  એવા પ્રકારની છે કે તા.૧૧/૧૨/૨૦૧૨ના રોજ બે મુસ્લિમ કુટુંબો વચ્ચે બપોરના સમયે નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. જેના પરીણામ સ્વરૂપે એક જ કુટુંબના પાંચ મહિલા સહિત ૧૦ વ્યક્તિઓ હુશેનભાઈ નુરમહમદભાઈ શેખ ઉપર છરી, ધોકા, લાકડી વડે હુમલો કરતા હુશેનભાઈનું મૃત્યુ થયું હતું. આ સંબંધે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ અયુબ સતાર શેખ, સતાર જુમા શેખ, હનીફ સતાર શેખ, ઈમરાનભાઈ ઈકબાલભાઈ બેલીમ (ઉં.વ.૩૦), ફિરોઝભાઈ સતારભાઈ શેખ (ઉં.વ.૩૩), નુરજહાબેન હનીફભાઈ શેખ (ઉં.વ.૪૨) ખતુબેન સતારભાઈ શેખ (ઉં.વ.૬૦), રસીદાબેન અયુબભાઈ શેખ (ઉં.વ.૩૪) ખતુબેન અબ્દુલભાઈ શેખ (ઉં.વ.૫૮) અને ફરીદાબેન ફીરોઝભાઈ શેખ (ઉ.વ.૩૦) તેમ ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બનાવ સમયે તમામ આરોપીઓના પહેરેલ કપડાં કબજે લેવામાં આવેલ હતા. બે છરીઓ તથા લાકડી, ધોકા પણ કબજે કરવામાં આવ્યા હતા. પ્રોસીક્યુશનના કેસ મુજબ અયુબ શેખ, હનીફ શેખ અને રમઝાન શેખે મરણજનારને છરી વતી ઈજાઓ પહોંચાડી હતી. બાકીના આરોપીઓ પોતાના હાથમાં લાકડી, ધોકા વગેરે હથિયાર લાવેલ હતા.

વર્ષ ર૦૧૩નો આ કેસ ૨૦૨૨ સુધી ચાલતા દરમિયાન સતાર જુમા શેખ, અયુબ સતાર શેખ અને હનીફ સુલેમાન શેખ ત્રણેય મૃત્યુ પામેલ હતા. તેમજ એક આરોપી સગીર હોવાથી તેની સામે કેસ બાળ અદાલતમાં ચાલ્યો હતો. આરોપી પક્ષે બચાવ લેવામાં આવેલ ૧૦માંથી કોઈપણ આરોપીના કપડાં ઉપર ગુજરનારના લોહીના ડાઘ નથી. તેથી તેઓ સામેનો ખૂનનો ગુન્હો સાબિત માની શકાય નહીં. તેમજ મરણજનારના શરીરના જે ભાગો ઉપર છરીની ઈજાઓ છે તે મુજબના કાપા બુશર્ટના ભાગે નથી. આ કારણે આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા જોઈએ.

અલબત્ત અદાલતે આ પ્રકારની દલીલો ફગાવી દઈ સરકાર પક્ષે રોકાયેલા એડવોકેટ એસ. કે. વોરાએ મરણજનાર શખ્સના હોસ્પિટલ સારવાર માટે પહોંચ્યા ત્યારે બુશર્ટના બટન ખુલ્લા હોવાથી શર્ટ ઉપર છરીના ઘાને લીધે કાપા ન પડે તે સ્વભાવિક છે તેમ જણાવ્યું હતું. આ પ્રકારની દલીલો ગ્રાહ્ય રાખી અધિક સેશન્સ જજ શ્રી જાદવે ઈમરાનભાઈ ઈકબાલભાઈ બેલીમ (ઉં.વ.૩૦) ફિરોઝભાઈ સતારભાઈ શેખ (ઉં.વ.૩૩) નુરજહાબેન હનીફભાઈ શેખ (ઉં.વ.૪૨) ખતુબેન સતારભાઈ શેખ (ઉં.વ.૬૦) રસીદાબેન અયુબભાઈ શેખ (ઉં.વ.૩૪) ખતુબેન અબ્દુલભાઈ શેખ (ઉં.વ.૫૮) અને ફરીદાબેન ફીરોઝભાઈ શેખ (ઉં.વ.૩૦)ને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.



Google NewsGoogle News