'સેવા પરમો ધર્મ...'ને સાર્થક કરતા સૌરાષ્ટ્રના સેવાભાવીઓ
- ક્યાંક રેશનની કીટ તો ક્યાંક ભોજનનું વિતરણ
- શ્રમિકો, જરૂરતમંદો, નિરાધાર, ગરીબો, વૃદ્ધો માટે ધમધમતા રસોડા
(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા. 29 માર્ચ 2020, રવિવાર
લોકડાઉનની સ્થિતિમાં સર્વ૬ માનવતાની મહેક અનુભવાઈ રહી છે. ક્યાંય માનવતા લોકડાઉન થઈ નથી. બંધ વચ્ચે કોઈ શ્રમિકો, જરૂરતમંદો, નિરાધારો, ગરીબો, વૃદ્ધો ભોજન વગરના રહી ન જાય તે માટે તંત્ર, સેવાભાવીઓ, સંસ્થાઓ મેદાને પડયા છે અને રસોડા ધમધમાવી બધાને બન્ને સમય ભોજન પહોંચાડાઈ રહ્યું છે. આ ઉપરાંત ઠેકઠેકાણે જરૂરતમંદોને રેશનની કીટનું પણ વિતરણ કરાઈ રહ્યું છે.
* પોરબંદરથી પરપ્રાંતીય મજૂરોને જિલ્લા પ્રશાસન દ્વારા તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ હતી. ૧૫૦૦ જેટલા મજૂરોને વતન પહોંચતા ૨૪ કલાક લાગે તેમ હોઈ તમામ માટે ભોજન બનાવી ભુરા મુંજા જાડેજા ચેરી. ટ્રસ્ટ દ્વારા પહોંચાડાયું હતું. ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ દ્વારા ચલાવાતી નિઃશુલ્ક ટિફિન સેવાનો લાભ હાલ ત્રણથી સાડા ત્રણ હજાર લોકો લઈ રહ્યા છે.
* મહુવાના કારપડા ગામના આશરે ૩૨ મહિલા અને પુરૂષો તેમજ નાના બાળકો રસ્તે ચાલીને જતા હોય, જેમને રાણાવાવ પંથકમાં રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ ખિસ્તરીયાએ તેમની વાડીએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
* મોટી પાનેલીના સ્વ. માતુશ્રી ભીનીબેન અરજણભાઈ ઓડેદરા- શ્રીરામ અન્નક્ષેત્ર દ્વારા રોજ સાંજે ૧૫૦થી ૨૦૦ જરૂરીયાતમંદોને ભોજન અપાઈ રહ્યું છે.
* મોરબીમાં આરોગ્ય તંત્ર અને પોલીસ જવાનો સતત ખડેપગે ડયુટી નિભાવી રહ્યા છે ત્યારે તેમના આરોગ્યની રક્ષા માટે આજે ભાજપ પરિવાર દ્વારા પોલીસ વિભાગને ૨૦૦૦ માસ્ક અર્પણ કર્યા છે.
* જામકંડોરણામાં ખોડલધામ સમિતિ દ્વારા ઝુંપડપટ્ટીમાં વસતા ગરીબ લોકો માટે દાતાઓના સહયોગથી દરરોજ બપોર તથા સાંજે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
* ઉપલેટા તાલુકાના ખારચીયાના બાપા સીતારામ આશ્રમ દ્વારા ખારચીયા, રબારીકા, રાજપરા, ચરેલીયા, ઢાંક તેમજ આજુબાજુના ગામના મજુરો, ભુખ્યાએ તેમજ ગરીબોને ટીફીન સેવા પુરી પાડવામાં આવી રહી છે.
* મુળી તાલુકાના સરાગામે હોમગાર્ડ યુનિટ દ્વારા દિવસ દરમ્યાન નિઃશુલ્ક બંદોબસ્ત સેવા બજાવી રાષ્ટ્રભાવના દાખવી હતી.
* મોરબી સબજેલના અધિક્ષક એલ.વી. પરમાર અને તેના સ્ટાફ દ્વારા ગરીબોને પુલાવ, બુંદી, ગાંઠિયા, બિસ્કીટ અને પાણીની બોટલોનું ૫૦૦ જેટલા લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું. માળીયા પોલીસ સ્ટેશનના સ્ટાફે દેવ સોલ્ટના સહયોગથી રાશન કીટનું વિતરણ કર્યું હતું. માળીયા પંથકમાં રહેતા અપંગ વ્યક્તિઓ, વૃદ્ધ વ્યક્તિઓ, સફાઈ કામદારો તેમજ અંધ વ્યક્તિઓ અને એકલવાયું જીવન જીવતા ૫૦ જેટલા લોકોને ૧૦ દિવસ ચાલે તેટલી રાશન કીટ અર્પણ કરવામાં આવી હતી.