Get The App

પીપાવાવમાં રેલવે ટ્રક પર સિંહનું ટોળુ જોઈને લોકો પાઈલોટે બ્રેક મારી 10 સિંહને બચાવ્યા

Updated: Jun 18th, 2024

GS TEAM


Google News
Google News
પીપાવાવમાં રેલવે ટ્રક પર સિંહનું ટોળુ જોઈને લોકો પાઈલોટે બ્રેક મારી 10 સિંહને બચાવ્યા 1 - image


- ભાવનગર રેલવે ડિવિઝનમાં વહેલી સવારે માલગાડી જતી હતી ત્યારે 

- સિંહ ધીમેધીમે પાટા પરથી ખસી ગયા પછી માલગાડી ચાલી : લોકો પાયલોટે ડિવિઝનલ કંટ્રોલ ઓફિસને જાણ કરી

ભાવનગર :  ભાવનગર રેલ્વે ડિવિઝનમાં પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડી જતી હતી ત્યારે ટ્રેક પર ૧૦ સિંહને જોતા જ લોકો પાઈલોટે ઈમર્જન્સી બ્રેક લગાવી હતી. જેના પરિણામે ૧૦ સિંહનો બચાવ થયો હતો.  

 ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહો-વન્ય જીવોના રક્ષણ માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. મંડળના નિર્દેશ મુજબ ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઈલોટ નિર્ધારિત ગતિનું પાલન કરે છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે ત્યારે આજે સવારે લોકો પાઇલટ મુકેશકુમાર મીના પીપાવાવ પોર્ટ સ્ટેશનથી પીપાવાવ પોર્ટ સાઈડિંગ તરફ માલગાડી સંખ્યા એલએલયુ-પીપીએસપી, લોકો નંબર ૨૪૬૯૦ ને જ્યારે લઈ જતા હતા ત્યારે સિંહોને ટ્રેક પર બેઠેલા જોયા અને તાત્કાલિક ઇમરજેન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી દીધી. સિંહોની કુલ સંખ્યા ૧૦ હતી. થોડીવાર રાહ જોયા પછી તેણે જોયું કે બધા સિંહો ધીમે ધીમે પાટા પરથી ખસી ગયા છે ત્યારે  લોકો પાયલોટ દ્વારા ટ્રેનને પીપાવાવ પોર્ટ સાઇડિંગ તરફ લઈ જવામાં આવી હતી. લોકો પાયલોટે આ અંગે ડિવિઝનલ ઓફિસ કંટ્રોલને જાણ કરી હતી.

  આ માહિતી મળતાં જ લોકો પાયલોટ મુકેશકુમાર મીણાના આ સરાહનીય કાર્યની ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર હિમાંશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. 

Tags :