સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમે 59 વર્ષમાં 26 વર્ષ છલક સપાટી વટાવી
- 714.92 લાખના ખર્ચે માત્ર 10 વર્ષમાં જ ડેમનું બાંધકામ કરાયેલું
- નિર્માણના પ્રથમ વર્ષે જ મેઘરાજાએ જળાશય છલોછલ ભરી વધામણાં કરેલા, વર્ષ 2016 થી 2019 માં એકપણ વખત ડેમ છલકાયો ન હતો
ભાવનગર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય અને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે જળસંગ્રહ કરવા આઝાદીના એક દાયકાની અંદર જ સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમનું નિર્માણ કરવાનું વિચારવામાં આવ્યું હતું. અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લાના ઉપરવાસનું પાણી દરિયામાં વહેવાના બદલે ડેમમાં સંગ્રહિત થાય અને લોકોને પીવા તેમજ ખેતી માટે સિંચાઈનું પાણી મળી રહે તેવા આશય સાથે વર્ષ ૧૯૫૫-૫૬માં પાલિતાણાના રાજસ્થળી પાસે શેત્રુંજી ડેમનું નિર્માણકાર્ય હાથ ધરાયું હતું. ૫૯ દરવાજા સાથે એ સમયમાં ૭૧૪.૯૨ લાખના ખર્ચે માત્ર ૧૦ વર્ષમાં જ ડેમનું બાંધકામ પુરૂં કરી દેવાયું હતું.
વર્ષ ૧૯૬૫માં શેત્રુંજી જળાશય પરિયોજના બનીને તૈયાર થઈ ગઈ તે પ્રથમ વર્ષમાં જ મેઘરાજાએ પણ જાણે ઓવરણાં લીધા હોય તેમ હરખનો વરસાદ વરસાવી પ્રથમ વર્ષે જ જળાશયને ઓવરફ્લો કરી દીધો હતો. ત્યારબાદના ચાર વર્ષ નબળા રહેતા શેત્રુંજી ડેમ છલક સપાટીથી છેટો રહેતો હતો. જો કે, વર્ષ ૧૯૭૦ અને ૧૯૭૧માં સતત બે વર્ષ શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો હતો.
આમ, નિર્માણના છ વર્ષમાં જ ત્રણ વર્ષ ડેમ ઓવરફ્લો થયાનો આનંદ ભાવનગર જિલ્લાના લોકોને મળ્યો હતો. ત્યારબાદ ડેમ ઓવરફ્લો થયાના વર્ષ ઉપર નજર કરીએ તો વર્ષ ૧૯૭૬, ૧૯૭૭, ૧૯૭૯, ૧૯૮૦, ૧૯૮૨, ૧૯૮૩, ૧૯૮૮, ૧૯૯૦, ૧૯૯૪, ૨૦૦૨, ૨૦૦૫, ૨૦૦૬, ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૫ તેમજ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ સતત પાંચ વર્ષ સુધી જળાશય છલોછલ ભરાઈ ગયો હતો. જેના કારણે છેલ્લા પાંચ વર્ષથી તો જિલ્લાવાસીઓને પાણીની સમસ્યામાંથી છૂટકારો મળ્યો છે.
5 વર્ષથી ડેમ ઓવરફ્લો થવાની પરંપરા જળવાઈ
સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમના બાંધકામ-નિર્માણને ૫૯ વર્ષ પૂરા થઈ ચુક્યા છે. આ ૫૯ વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, છેલ્લા પાંચ ચોમાસાથી શેત્રુંજી જળાશય ઓવરફ્લો થયો છે. વર્ષ ૨૦૨૦થી ડેમ છલક સપાટી વટાવવાની પરંપરા પાંચ વર્ષથી જળવાઈ રહી છે. આ વર્ષે તો હજુ પાણીની ધીમીગતિએ આવક પણ શરૂ હોવાથી લગાતાર ૧૨ દિવસથી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે.
5 તાલુકાના 122 ગામને સિંચાઈનું પાણી મળે છે
પાલિતાણાનો શેત્રુંજી ડેમ માત્ર પીવાના પાણીની જ નહીં પરંતુ ખેતી માટે સિંચાઈના પાણીની પણ જરૂરિયાત પુરૂં પાડે છે. શેત્રુંજીના જ સિંચાઈના પાણીથી હજારો ખેડૂતો આજે ઉજળા છે. શેત્રુંજી ડેમ હેઠળ પાંચ તાલુકાના ૧૨૨ ગામો આવે છે. જેમાં તળાજાના સૌથી વધુ ૭૮, પાલિતાણા, મહુવા અને ભાવનગરના ૧૩-૧૩ તેમજ ઘોઘા તાલુકાના પાંચ ગામને શેત્રુંજીમાંથી આવતા સિંચાઈના પાણીનો લાભ મળે છે.