સૌરાષ્ટ્ર-કચ્છમાં અંદાજે 54.94 ટકા મતદાન,ગત ચૂંટણી કરતા 4 ટકા ઘટાડો

Updated: May 8th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્ર-કચ્છમાં અંદાજે 54.94 ટકા મતદાન,ગત ચૂંટણી કરતા 4 ટકા ઘટાડો 1 - image


- રામમંદિર,ક.370,દેશની સુરક્ષા,મોંઘવારી,કરબોજ,બેરોજગારી સહિત મુદ્દા વચ્ચે નિરસ મતદાન 

- ક્ષત્રિય આંદોલન વધુ તીવ્ર હતું તે સુરેન્દ્રનગરમાં 52.22 અને રાજ્યમાં સૌથી ઓછું પક્ષપલ્ટાવાળા અમરેલીમાં 50.07 ટકા મતદાન,જુનાગઢ,જામનગરમાં વડાપ્રધાનની સભા થઈ ત્યાં 58 ટકાથી વધુ

- સુરેન્દ્રનગર,ભાવનગર, અમરેલીમાં ગત ચૂંટણીથી પાંચ ટકા મતદાન ઘટયું 

- સૌરાષ્ટ્રના દોઢ કરોડ મતદારોમાં 67.50 લાખે મતદાન ન કર્યું 

- ધારાસભા-2022થી વિપરીત આ ચૂંટણીમાં દ્વિપાંખિયો જંગ રહ્યો 

રાજકોટ : રાષ્ટ્રની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની ૮ બેઠકોનું મતદાન આજે એકંદરે નિરસ રહ્યું હતું અને મતોના ગાજ્યા મેહ વરસ્યા ન્હોતા. કૂલ ૧૨ જિલ્લાઓની રાજકોટ,જામનગર, અમરેલી, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ અને ભાવનગર એ ૮ બેઠકો પર આજે સાંજે છ વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ અને અંદાજિત ૫૪.૯૪ ટકા મતદાન થયું છે જે ઈ.સ.૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૫૮.૯૪ ટકા કરતા ૪ ટકા ઓછુ મતદાન છે. સૌરાષ્ટ્રમાં કૂલ ૧.૫૦ કરોડ મતદારોમાં ૮૨.૫૦ લાખ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે જ્યારે ૬૭.૫૦ લાખ મતદારોએ ગરમી કે નિરાશા કે અન્ય કોઈ પણ કારણોસર મતદાન કરવાનું ટાળ્યું છે. ઓછા મતદાનના કારણે હવે હારજીતનો નિર્ણય ઓછી લીડથી થઈ શકે છે. 

વડાપ્રધાનની જ્યાં સભા થઈ હતી અને ક્ષત્રિય આંદોલનની અસર ઓછી હતી તે જુનાગઢમાં સૌથી વધારે ૫૮.૮૭ ટકા અને બીજા નંબરે જામનગર કે જ્યાં ક્ષત્રિય આંદોલનની અસર હતી ત્યાં ૫૭.૬૭ ટકા મતદાન થયું છે જે સરેરાશ કરતા ૪ ટકા જેટલું વધારે છે. પરંતુ, સુરેન્દ્રનગર કે જ્યાં પહેલેથી જ ક્ષત્રિય આંદોલન વધુ તેજ બન્યું હતું ત્યાં માત્ર ૫૨.૨૨ ટકા મતદાન થયું છે. 

અમરેલી કે જ્યાં અંબરીશ ડેર સહિત અનેક કોંગી નેતાઓએ પક્ષપલ્ટો કર્યો છે અને ભાજપ-કોંગ્રેસના બે નેતાઓ રાજકોટ ચૂંટણી લડવા આવ્યા છે ત્યાં રાજ્યનું સૌથી ઓછું મતદાન માત્ર ૫૦.૦૭ ટકા થયું છે. પક્ષપલ્ટાને કારણે જ્યાં ચૂંટણી આવી પડી તે માણાવદરમાં પણ ૫૩.૯૩ ટકા જેવું પાંખુ મતદાન રહ્યું છે. 

સૌરાષ્ટ્રમાં ગત ધારાસભા-૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો ત્યારે આ વખતે ભાવનગરમાં ભાજપ અને આપ વચ્ચે તથા અન્ય તમામ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો. આમ, શાસનવિરોધી મતોમાં ભાગલા ઓછા પડવાનો અંદાજ છે. કૂલ ૯૨ ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે ઈ.વી.એમ.માં સીલ થયું છે. 

સૌરાષ્ટ્રની જનતામાં સ્થાનિક ભંગાર રસ્તા જેવા અનેક પ્રશ્નોથી માંડીને ટોલટેક્સ સહિત વધુ કરબોજ, વેપાર ઉદ્યોગ અને ખેડૂતોથી માંડીને ગૃહિણીઓને સ્પર્શતા મોંઘવારી,શિક્ષિત બેરોજગારી અને સામાન્ય નોકરી માટે લાંબી કતારો, સરકારી સેવાઓનું ખાનગીકરણ અને લોકોને હાલાકીથી માંડીને ગામેગામ,ઘરે ઘરે જેનો મહોત્સવ ઉજવાયો તે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, કાશ્મીરને ભારત સાથે જોડતી ક.૩૭૦ રદ કરવાનું ઐતહાસિક પગલુ, નરેન્દ્ર મોદીની અડીખમ લોકચાહના,સોમનાથ,દ્વારકા સહિત ધર્મસ્થાનો અને સાંસ્કૃતિક સ્થળોનો વિકાસ, એઈમ્સથી એરપોર્ટ સહિતની સુવિધા વગેરે મુદ્દાઓ હતા. પરંતુ, ચૂંટણી પૂર્વે વધુ ગાજેલો મુદ્દો પરસોતમ રૂપાલાનો રાજા-મહારાજાઓ વિષે ખોટો અને અનુચીત બફાટ કે જેના કારણે રાજ્યભરમાં ક્ષત્રિય આંદોલન સળગ્યું તે રહ્યો હતો. ઉપરાંત ભાજપ-કોંગ્રેસના નેતાઓના વાણીવિલાસ પણ મુદ્દા બન્યા હતા. 

સૌરાષ્ટ્રની 8 બેઠકો પર 2019 અને 2024માં થયેલું મતદાન 

બેઠક

૨૦૨૪ (અંદાજિત)

૨૦૧૯ ટકા

ઘટાડો

૧.રાજકોટ

૫૯.૬૦

૬૩.૧૪

-૩.૫૪

૨.જામનગર

૫૭.૬૭

૬૦.૭૦

-૩.૦૩

૩.અમરેલી

૫૦.૦૭

૫૫.૭૫

-૫.૬૮

૪.પોરબંદર

૫૧.૭૬

૫૬.૮૦

-૫.૦૪

૫.જુનાગઢ

૫૮.૮૭

૬૦.૭૩

-૨.૧૪

૬.સુરેન્દ્રનગર

૫૨.૨૨

૫૭.૭૯

-૫.૫૭

૭.ભાવનગર

૫૩.૭૩

૫૮.૪૧

-૪.૬૮

૮.કચ્છ

૫૫.૩૩

૫૮.૨૩

-૨.૯૦

સરેરાશ

૫૪.૬૧

૫૮.૯૪

-૪.૩૩


Google NewsGoogle News