Get The App

અખંડ ભારતનું સ્વપ્ન સેવનાર સરદાર પટેલને એકતાના પ્રતિક તરીકે પણ ઓળખવામાં આવે છે

- સરદાર પટેલએ કરેલા વિશિષ્ઠ કાર્યો અવિસ્મરણીય રહેશે

- સરદાર પટેલની જન્મજયંતિ નિમીત્તે શહેરમાં વિવિધ કાર્યક્રમોનું કરાયેલ આયોજન

Updated: Oct 30th, 2020


Google NewsGoogle News
અખંડ ભારતનું સ્વપ્ન સેવનાર સરદાર પટેલને એકતાના પ્રતિક તરીકે પણ ઓળખવામાં આવે છે 1 - image


ભાવનગર, તા. 30 ઓક્ટોબર 2020, શુક્રવાર

લોખંડી પુરૂષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલએ રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું સ્વપ્ન સેવ્યુ હતુ તેથી તેઓને એકતાના પ્રતિક તરીકે પણ ઓળખવામાં આવે છે.

સરદાર તરીકે બિરૂદ પામેલા વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની તા.૩૧ ઓકટોબરે ગોહિલવાડમાં ચોમેર ઉજવણી કરવામાં આવશે.ભારતના પ્રથમ ગૃહ પ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે પ્રેરક સેવા આપનાર સરદાર વલ્લભભાઈ પટેલએ કરેલા વિશિષ્ઠ કાર્યોને લઈને દેશ તથા દુનિયા હંમેશા પોતાના સ્મૃતિપટમાં કંડારી રાખશે. ભારતના લોખંડી પુરુષ તરીકે  ઓળખાતા સરદારને ઓલ ઈન્ડિયા સર્વિસ (સર્વ ભારતીય સેવા રાજય કારભારની બધી બિન લશ્કરી શાખાઓ)ના રચયિતા હોવાથી પેટ્રન સૈન્ટ તરીકે પણ ભારતીય સનદી સેવામાં ઓળખવામાં આવે છે.

આ પ્રસંગે ગોહિલવાડમાં સ્થાનિક સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર,ભાવ. દ્વારા કોરોનાના સમયમાં વર્ચ્યુઅલ માધ્યમથી એક ભારત શ્રેષ્ઠ ભારત વિષયક વિડીયો વકતૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા યોજાશે. બંને કાર્યક્રમની નીયમો સાથેની વિશેષ માહિતી કેન્દ્રની વેબસાઈટ પર મુકાઈ છે. ઈચ્છુકોએ તા.૧૦.૧૧ સુધીમાં તેમના ચિત્રો,વિડીયો નીયત લીંક પર મોકલવાના રહેશે.

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાનો અને હોદેદારોની ઉપસ્થિતીમાં આજે સવારે ૧૦ કલાકે સરદારબાગ(પીલગાર્ડન)માં પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાશે. 

લેઉવા પટેલ કેળવણી મંડળ,ભાવ. દ્વારા આજે સવારે ૯.૧૫ કલાકે નીરૂ પટેલ બોર્ડિંગ ખાતે સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. બાદ વકતૃત્વ સ્પર્ધા યોજાશે. અને નીબંધ સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરાશે.

સરદાર પટેલ સ્નાતક મિત્રમંડળ દ્વારા આજે સવારે ૮.૩૦ કલાકે સરદારના બાવલાને પુષ્પાંજલિ અર્પણ કરાશે. જયારે સરદાર યુવા મંડળ દ્વારા આજે સવારે ૯ કલાકે પીલગાર્ડનમાં સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાશે બાદ સવારે ૧૦ થી ૧ સર ટી. હોસ્પિટલની બ્લડ બેન્કમાં રકતદાન કેમ્પ યોજાશે.


Google NewsGoogle News