જન્મ અને મરણના દાખલા હવે ઘરે બેઠા ઓનલાઇન કાઢી શકાશે
- ઓનલાઈન સાઈડમાં કોઈ સમસ્યા ન થાય તે સરકારી તંત્રએ જોવુ જરૂરી
- https://eolakh.gujarat.gov.in/ સાઈડ પરથી પ્રમાણપત્ર ડાઉનલોર્ડ કરી શકાશે
ભાવનગર : મહાનગરો અને નગરપાલિકાઓમાં લોકોને જન્મ અને મરણના પ્રમાણપત્રો મેળવાવા માટે આ અગાઉ લાઇનમાં ઉભું રહેવું પડતું હતું. વર્તમાનમાં કોરોનાના ફેલાયેલા સંક્રમણને ટાળવા હવે આ પ્રમાણપત્ર મેળવવાની તમામ પ્રક્રિયા ઓનલાઇન સિસ્ટમ મારફતે કરવામાં આવી છે.
વર્તમાનમાં બારી પર ઉભા રહી પ્રમાણપત્ર લેવામાં ભિડને કારણે કોરોનાનું સંક્રમણ ફેલાવાનું જોખમ ટળી જશે. ઓનલાઇન સિસ્ટમ મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોર્ડ કરી શકાય તે માટે ઓનલાઇન સિસ્ટમ મારફતે મોબાઇલ ફોન પર એસ.એમ.એસ.થી આ અંગેની લીંક મોકલવામાં આવશે. આ લીંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોર્ડ કરી શકાશે. હવેથી ઇ-ઓળખ પોર્ટલ https://eolakh.gujarat.gov.in/ પર જઇ નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર દાખલ કરવાથી કોમ્પ્યુટરાઇઝ્ડ બારકોડ અને ઊઇ કોડ સાથેનું જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોર્ડ કરી શકશે તેમજ આ સર્ટીફીકેટ કોઇપણ સરકારી કચેરી તથા બેન્કોમાં માન્ય રહેશે. રાજ્ય સરકારનો બીજો હુકમ ન આવે ત્યા સુધી ઉપર મુજબ અમલ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાના પગલે સરકારી કચેરીમાં જન્મ-મરણના દાખલાની કામગીરી બંધ હોવાથી લોકોને હાલાકી પડી રહી હતી પરંતુ ઓનલાઈન કામગીરી કરાતા લોકોને સરળતા રહેશે તેમ જણાય રહ્યુ છે. ઓનલાઈન સાઈડમાં કોઈ સમસ્યા ન થાય તે જોવુ સરકારી તંત્રએ જોવુ જરૂરી છે.