ભાવનગર જિલ્લાના નવ સ્થળને આરટીઓએ બ્લેકસ્પોટ જાહેર કર્યા
- 5 અકસ્માત અથવા 10 વ્યક્તિના મૃત્યુ થયા હોય તેવા સ્થળોના સર્વેના આધારે
- આરટીઓ, પોલીસ અને આર એન્ડ બીની સંયુક્ત કામગીરી : રોડ સેફ્ટી માટે લાંબા અને ટૂંકા ગાળાની કાર્યવાહી શરૂ કરાશે
આ અંગે ભાવનગર આરટીઓ ટાંકે માહિતી આપતા જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતોની ઘટના હાલ ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે પોલીસ પાસેથી અકસ્માતના ડેટા મેળવી આરટીઓ, પોલીસ અને આર એન્ડ બીની સંયુક્ત કામગીરીથી અકસ્માતવાળા કુલ નવ સ્થળને શોધી કાઢી બ્લેકસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એન.એચ.ની દેખરેખ હેઠળના (૧) વરતેજ રિલાયન્સ પેટ્રોલપંપથી ભારત પેટ્રોલપંપ (ઝાલા પંપ), (ર) આર.કે. ગોડાઉન, વરતેજ પોલીસ સ્ટેશન, સિદસર ચોકડી, (૩) સર્વોત્તમ ડેરી, સિહોર (પ્રિત મરિન પ્રા.લિ.થી ગુંદાળા વસાહત) તેમજ આર એન્ડ બીના (૧) માનવ આશ્રમ, નાની ખોડિયારથી સવગુણનગરનું પાટિયું, (ર) નારી ચોકડી રાજકોટ રોડ તરફ મારૂતિ કટારિયા શો-રૂમ, નારી ચોકડીથી કોમલ હોટેલ સુધી અને એનએચએઆઈ હેઠળના (૧) નારી તરફ બ્રીજ ઉતરતા રિલાયન્સ પંપથી નારી ગામ, ચામુંડા મરચાની દુકાન સુધી, (ર) નારીગામ રામાપીર મંદિરથી બાપા સીતારામ મઢુલી સુધી, (૩) રામાપીર મંદિર, બુધેલ ગામથી ગંગામૈયા આશ્રમ અને (૪) વેળાવદર પાટિયું મળી કુલ નવ બ્લેકસ્પોટ શોધવામાં આવ્યા છે.
ઉપરોક્ત તમામ સ્થળોના ૫૦૦ મીટરની લેન્થના રોડમાં પાંચ અકસ્માત કે ૧૦ વ્યક્તિના મોત થયા હતા. તેના ડેટાના આધારે બ્લેકસ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ પાસેથી ડેટા એકત્રિત કરી આરટીઓ, પોલીસ અને આર એન્ડ બી વિભાગ સંયુક્ત કામગીરી કરે છે. બ્લેકસ્પોટ નક્કી કરી સુધારાની કાર્યવાહી કરવામાં આવે છે. વધુમાં અકસ્માત થાય ત્યારે આરટીઓ અને આર એન્ડ બી વિભાગને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ સ્થળ પર એકઠા થઈ કયાં કારણથી અકસ્માત સર્જાયો ? તે જાણી તેના આધારે નક્કી કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને રોડમાં ખામી હોય તો તેની કાર્યવાહી કરવામાં આવે છે. રોડ સેફ્ટી માટે લાંબો અને ટૂંકો ગાળો નક્કી કરાયો છે. જેમાં શોર્ટ ટર્મ માટે અકસ્માતવાળી સ્થળ પર સાઈન બોર્ડ, ધોળા પટ્ટા મારવા, સ્પીડબ્રેકર મુકવા, માર્કિંગ તેમજ લોંગ ટર્મ માટે બ્રીજ કે રોડ બનાવવાની જરૂરિયાત ઉભી થતી છે.
વધુમાં ત્રણ વર્ષ પૂરા થયા બાદ ફરી સર્વે કરાશે અને તેમાં પાંચ અકસ્માત કે ૧૦ વ્યક્તિના મોતની વ્યાખ્યામાં ન આવતા સ્થળોને બ્લેકસ્પોટમાંથી હટાવવા તેમજ નવા ઉમેરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. ત્યારે નવા સર્વેમાં બ્લેકસ્પોટનો વધારો થશે કે ઘટાડો ? તેના ઉપર નજર રહેશે. અકસ્માતો રોકવા લોકોએ પણ જાગૃતતા દાખવવી જરૂરી છે.
વધુમાં નેશનલ હાઈવે (એનએચ)ને તેમના બ્લેકસ્પોટના સ્થળોએ ધોળપટ્ટા, સાઈન બોર્ડ લગાવવા માટેની મંજૂરી મળી ગઈ છે. જેનું કામ આગામી દિવસોમાં શરૂ કરાશે. જ્યારે લોંગ ટર્મ માટે રજૂઆત કરી દેવામાં આવી છે, ત્યારબાદ સર્વે કરાશે તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
ત્રણ વર્ષ પૂરા થયા બાદ ફરી સર્વે થશે, નવા સર્વેમાં બ્લેકસ્પોટનો વધારો થશે કે ઘટાડો ?
3 માસમાં 43 જેટલા અકસ્માતની ઘટના
તહેવારોના સમયમાં રોડ અકસ્માતની ઘટના ખૂબ જ વધી જાય છે. શ્રાવણ માસથી દિવાળીના તહેવાર ઉપર તો જાણે અકસ્માતોની વણજાર થઈ ગઈ હોય તેમ પાછલા ત્રણ મહિનામાં ભાવનગર શહેર-જિલ્લામાં ૪૩ જેટલા અકસ્માતની ઘટના બની હતી. જેમાં ઘણાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.