આરટીઓએ 2114 ટ્રાફિક નિયમન ભંગના કેસોમાં 63.48 લાખ દંડ વસૂલ્યો
છેલ્લા બે માસમાં વિવિધ પોઇન્ટ પર સઘન ચેકીંગ
લાયસન્સ ન હોવા બદલ ૫૪૮ કેસ નોંધાયા ઃ વધુ ઝડપ, ચાલુ વાહને મોબાઇલ ઉપયોગ વધ્યો છતાં કેસની સંખ્યા નહિવત
ભાવનગર : ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસની સાથો સાથ આરટીઓ ઇન્સપેક્ટરોને પણ ઓનરોડ ડયુટી ફાળવાતી હોય છે. જે વિવિધ ૧૯ ગુનાના કામે બે માસ દરમિયાન કુલ ૨૧૧૪ કેસ નોંધાવા પામ્યા હતાં જેના કેસની માંડવાળ ફી પેટે આરટીઓએ ૬૩.૪૮ લાખની માંડવાળ ફી વસૂલ કરવામાં આવી હતી.
વધતી જતી જન સંખ્યા અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સતત વધી રહ્યું છે જેના કારણે અકસ્માતોની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ટ્રાફિકની સુગમતા અને લોકોની સુરક્ષા માટે ટ્રાફિક નિયમો અમલી બનાવાયા છે જેની અમલવારી કરાવવા ટ્રાફિક પોલીસની સાથે આરટીઓ પણ ફરજ બજાવે છે. ડયુટી લીસ્ટ પ્રમાણે આરટીઓ ઇન્સપેક્ટરોને વાહન ચેકીંગની ડયુટી ફાળવાય છે અને વિવિધ પોઇન્ટ પર ચેકીંગ કરાતું હોય છે. છેલ્લા બે માસ દરમિયાન સૌથી વધુ વગર લાયસન્સએ ગાડી ચલાવવાના ૫૪૮ કેસ નોંધાયા સાથે પીયુસીના ૪૮૫ કેસ દર્જ થયા છે. તો હેડ લાઇટના માત્ર ૨ કેસ નોંધાયા છે. વિગતવાર જોઇએ તો ઓવરલોડના ૯૭ કેસ, ઓવર ડાઇમેન્શનના ૯૫ કેસ, પે-બસના ૧૩, કેલેન્ડેસ્ટાઇનના ૧૯, સીટ બેલ્ટના ૫૧ કેસ, હેલ્મેટના ૨૧, રેડીયમ પટ્ટીના ૮૨, રીફલેક્ટરના ૫૪, એરહોર્નના ૨, ફિટનેસ પુરૂ થયેલ હોય તેવા ૮૫, નંબર પ્લેટ વિનાના ૧૫૫, વિમા વગરના ૩૦૫, નો પાર્કીંગના ૧૩, નિયમ કરતા વધુ ગતિએ વાહન ચલાવવા બાબતના ૬૨ કેસ, મોબાઇલ ફોનના ઉપયોગના ૨૨ મળી કુલ ૨૧૧૪ કેસ બે માસમાં નોધાયા છે. જે કેસની માંડવાળ ફી પેટે ૬૩.૪૮ લાખની વસૂલાત કરી હતી. જો કે, હાલ જાહેરમાં દેખાતા ટ્રાફિક નિયમના ભંગમાં મોબાઇલ ફોન પર વાત કરનારાની સંખ્યા વધુ છે ત્યારે તેના કેસોમાં માત્ર ૨૨ તેવી જ રીતે વધુ ગતિએ વાહન ચલાવનારના કેસો પણ ૬૨ કરતા વધુ થવાને સંભવ છે. જો કે, આરટીઓ દ્વારા વાહન અટકાવતાની સાથે લાયસન્સની ઉઘરાણી કરતા લાયસન્સ વગર વાહન ચલાવવાના કેસો હાઇએસ્ટ થવા પામ્યા હોવાનું સુત્રોમાંથી જણાયું હતું.