આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ રૂ. 176 કરોડનુ બજેટ મનપાની સ્ટેન્ડીંગમાં મંજુર કરાશે
- મહાપાલિકાના હોલ ખાતે શિક્ષણ સમિતિનુ બજેટ પાસ કરવા સમીક્ષા કરાશે
- શાસનાધિકારીએ મંજુર કરી બજેટ સ્ટેન્ડીંગ કમિટિમાં મોકલ્યુ, સ્ટેન્ડીંગ સભ્યો સુધારા-વધારા કરી બજેટ મંજુર કરશે
શાસનાધિકારી દ્વારા તાજેતરમાં રજુ થયેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગરનુ સને ર૦ર૪-રપનુ સુચિત અંદાજપત્ર અંગે આવતીકાલે ગુરૂવારે ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. શાસનાધિકારીએ અંદાજીત રૂ. ૧૭૬ કરોડનુ મંજુર કરી સ્ટેન્ડીંગ કમિટિમાં મોકલ્યુ છે. ભાવનગર મહાપાલિકાના હોલ ખાતે ગુરૂવારે ચેરમેનના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડીંગ કમિટિની બેઠક મળશે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનુ બજેટ મંજુર કરવામાં આવશે. સ્ટેન્ડીંગ કમિટિના સભ્યો દ્વારા શિક્ષણ સમિતિના બજેટ અંગે સમીક્ષા કરવામાં આવશે અને કેટલાક સુધારા-વધારા કર્યા બાદ બજેટને સર્વાનુમતે મંજુરી આપવામાં આવશે.
સ્ટેન્ડીંગ કમિટિ શિક્ષણ સમિતિનુ બજેટ મંજુર કરી મહાપાલિકાની સાધારણ સભામાં મોકલશે અને ત્યારબાદ સાધારણ સભામાં સમીક્ષા તેમજ ફેરફાર કરી બજેટ મંજુર કરવામાં આવશે. સાધારણ સભા પૂર્વે લોકસભાની સામાન્ય ચૂંટણી કદાચ જાહેર થઈ જશે તેથી આચારસંહિતાના પગલે સમીક્ષા કર્યા વગર જ બજેટ મંજુર કરી દેવામાં આવશે તેમ ચર્ચાય રહ્યુ છે. શિક્ષણ સમિતિના બજેટમાં વિદ્યાર્થીઓના હિતમાં સારા નિર્ણયો કરવા જરૂરી છે.