Get The App

ટ્રાન્સપોર્ટ પેઢીમાંથી કર્મચારી દ્વારા જ રૂા.8.40 લાખ રોકડની ચોરી

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
ટ્રાન્સપોર્ટ પેઢીમાંથી કર્મચારી દ્વારા જ રૂા.8.40 લાખ રોકડની ચોરી 1 - image


માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી સામે આવેલી 

સીસીટીવીના આધારે આરોપીનો ભાંડો ફૂટયો, પગાર ઓછો પડતો હોવાથી અને પૈસાની જરૂર હોવાથી ચોરી કરી હતી

રાજકોટ: માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી સામે આવેલા પેટ્રોલ પમ્પ નજીક ટ્રાન્સપોર્ટરની ઓફિસમાંથી રૂા.૮.૩૯ લાખની ચોરી થઈ હતી. જોકે ગાંધીગ્રામ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી ઓફિસમાં જ કામ કરતાં કમલેશ ઓમપ્રકાશ પ્રજાપતિ (રહે. નવી કોર્ટ બિલ્ડીંગ સામે)ને ઝડપી લીધો હતો. 

માધાપર ચોકડી પાસે શેઠનગરની બાજુમાં વર્ધમાન કોમ્પલેક્ષમાં રહેતાં પ્રકાશ ચંદુભાઈ જોગીયા (ઉ.વ.૩૮)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે જય મુરલીધર નામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં છેલ્લા છ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે. તેની પેઢીમાં એમેઝોનના તમામ પાર્સલ આવે છે. જેની ડિલીવરીનું કામ કરવામાં આવે છે. 

ગઈકાલે રાત્રે ૮ વાગ્યે તે ઓફિસેથી ઘરે જવા રવાના થયો હતો. રાત્રે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ઓફિસમાં કામ કરતાં સુપરવાઈઝર દિપભાઈએ મેઈન શટરને એક બાજુ લોક કરી તેનો ફોટો વોટસએપ ગુ્રપમાં શેર કર્યો હતો. આજે સવારે દસેક વાગ્યે તે ઘરેથી ઓફિસે જવા માટે નીકળી ગયા હતા ત્યારે રસ્તામાં ઓફિસના કર્મચારી જીતુભાઈએ કોલ કરી જણાવ્યું કે બેન્ક વાળા રૂપિયા લેવા આવ્યા છે પરંતુ તિજોરીમાં રૂપિયા નથી. 

આ વાત સાંભળી તત્કાળ ઓફિસે જઈ જોતાં તિજોરીમાં રાખેલા રૂા.૮.૩૯ લાખ  ગાયબ હતા. તિજોરીની ચાવી કાઉન્ટરના ખાનામાં રાખે છે. ચાવી અને પાસવર્ડની મદદથી તિજોરી ખુલે છે. 

આ સ્થિતિમાં જાણભેદુની સંડોવણીની શંકાએ ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી હતી. પેઢીમાં લાગેલા સીસીટીવી કેમેરા જોતા પેઢીમાં જ કામ કરતાં કમલેશે ચોરી કર્યાનું સ્પષ્ટ બનતાં તેને સકંજામાં લીધો હતો. તે મોઢું ઢાંકી ચોરી કરવા આવ્યો હતો. પગાર ઓછો પડતો હોવાથી અને પૈસાની જરૂર હોવાથી ચોરી કર્યાનું બહાર આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસે તપાસ આગળ ધપાવી છે. 


Google NewsGoogle News