બેંકમાંથી પાક ધિરાણ મેળવીને ઘરે જતા માનપરના વૃધ્ધ પાસેથી દોઢ લાખની લૂંટ
ભાણવડથી ૩ કિ.મી. દૂર ફતેપુર રોડ પરનો બનાવ
વિવિધ વિસ્તારોની સીસી ટીવી ફુટેજ ચેક કરી લૂંટ ચલાવનાર ભાણવડના શખ્સને ઝડપી લેવાયોઃ મુદ્દામાલ કબજે કરતી પોલીસ
આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ તાબેના માનપર ગામના વાડી
વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા કેશવભાઈ દેવશીભાઈ પીપરોતર નામના
૭૨ વર્ષના વૃદ્ધ ગઇકાલે બપોરે આશરે બે વાગ્યાના સમયે ભાણવડની સૌરાષ્ટ્ર ગ્રામીણ
બેંકમાંથી પાક ધીરાણના રૃપિયા અઢી લાખ લઈ,
અને તેમના મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા.
ત્યારે ફતેપુર ગામ તરફ જતા માર્ગે રેલવે ફાટક નજીક પહોંચતા
અહીં એકાએક એક મોટરસાયકલનો ચાલક લૂંટ કરવાના ઇરાદાથી ધસી આવ્યો હતો અને તેણે
કેશવભાઈ પીપરોતરના મોટર સાયકલ આડે પોતાની મોટરસાયકલ વડે ધક્કો મારી અને તેમને
પછાડી દીધા હતા.
ત્યારબાદ આરોપીએ કેશુભાઈને ધક્કો મારીને તેમની પાસે રહેલી
રૃા. અઢી લાખની રોકડ રકમ ભરેલી થેલીમાંથી રૃપિયા દોઢ લાખની લૂંટ કરીને નાસી છૂટયો
હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ભાણવડ પોલીસે કેશુભાઈ દેવશીભાઈ સગરની
ફરિયાદ પરથી મોટરસાયકલ સામે ગુનો નોંઘ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા
નિતેશ પાંડેયની સૂચના મુજબ ભાણવડ પોલીસ દ્વારા એલસીબી પોલીસની ટીમને સાથે રાખીને
સધન ચેકિંગ તેમજ વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં એલસીબીના પીઆઈ કે.કે.
ગોહિલ તેમજ ભાણવડના પીએસઆઈ એમ.આર. સવસેટાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોના
સી.સી. ટી.વી. ચેક કરવામાં આવતા આ પ્રકરણમાં એક મોટરસાયકલ ચાલક દ્વારા ફરિયાદીનો
પીછો કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું.
આથી પોલીસની ટેકનીકલ અને હ્યુમન રીસોર્સિસની ટીમ દ્વારા આ
પ્રકરણમાં મોટરસાયકલનો ચાલક યુનુસ હનીફમિયાં રફાઈ (રહે. રામેશ્વર પ્લોટ, મેન બજાર, ભાણવડ) હોવાનું
ધ્યાને આવ્યું હતું. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા આરોપી ફકીર યુનુસ હનીફ મિયાં
રફાઇ (ઉ.વ. ૩૩)ની અટકાયત કરી,
આગવી ઢબે પૂછપરછ કરતા તેણે લૂંટ અંગેના ગુનાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી
પાસેથી લૂંટના મુદ્દામાલની રૃપિયા દોઢ લાખની રકમ પણ કબજે લીધી છે.