Get The App

ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોના વિરોધના મામલે અધેવાડા ટી.પી.સ્કીમના રોડની એલાઇમેન્ટમાં ફેરફાર કરવાનો ઠરાવ પેન્ડીંગ

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોના વિરોધના મામલે અધેવાડા ટી.પી.સ્કીમના રોડની એલાઇમેન્ટમાં ફેરફાર કરવાનો ઠરાવ પેન્ડીંગ 1 - image


- ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા અને ભાજપની સંકલનની બેઠકમાં રોડની એલાઇમેન્ટના મામલે ઉગ્ર વિરોધ 

- રોડની એલાઇમેન્ટમાં ફેરફારનો ઠરાવ સાધારણ સભામાં લવાશે વિરોધ કરશુ તેવી ચીમકી સંકલનની બેઠકમાં ભાજપના નગરસેવકોએ આપી હતી 

ભાવનગર : ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા અને ભાજપની સંકલનની બેઠકમાં રોડની એલાઇમેન્ટમાં ફેરફારના મામલે ભાજપ-કોંગ્રેસના નગરસેવકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોના વિરોધના મામલે અધેવાડા ટી.પી.સ્કીમના રોડની એલાઇમેન્ટમાં ફેરફાર કરવાનો ઠરાવ આજે મંગળવારે મહાપાલિકાની સાધારણ સભામાં પેન્ડીંગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રોડની એલાઇમેન્ટમાં ફેરફારનો ઠરાવ સાધારણ સભામાં લવાશે વિરોધ કરશુ તેવી ચીમકી સંકલનની બેઠકમાં ભાજપના નગરસેવકોએ આપી હતી, જયારે મહાપાલિકાની સાધારણ સભામાં રોડનો ઠરાવ પેન્ડીંગ રખાતા કોંગ્રેસના નગરસેવકોએ સવાલો ઉઠાવ્યા હતાં. ઠરાવ શું કામ પેન્ડીંગ રખાયો ? તેની હકીકત જાહેર કરવા કોંગ્રેસના નગસેવકોએ માંગણી કરી હતી પરંતુ આ મામલે મેયરે વાત નહીં સાંભળતા કોંગ્રેસના નગરસેવકે ઠરાવની ફાઈલ ફાડી નાખી ઘા કર્યો હતો અને કોંગ્રેસના નગરસેવકોએ સભા છોડી દીધી હતી, ત્યારબાદ કોંગ્રેસના ત્રણ નગરસેવકે મેયરની ચેમ્બર સામે ધરણા કરી સુત્રોચ્ચાર કર્યા હતાં. એક ઉદ્યોગપતીની જગ્યાના કારણે સીધાના બદલે આડો રોડ કાઢયો હોવાનો કોંગ્રેસના નગરસેવકોએ આક્ષેણ કર્યો હતો. 

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા આજે મંગળવારે મળી હતી, જેમાં ૪ ઠરાવને બહાલી આપવામાં આવી હતી અને એક ઠરાવ અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. ભાજપ-કોંગ્રેસના વિરોધના પગલે રોડનો એક ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્ટેન્ડીંગ કમિટિની ગત તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪થી આવેલ દરખાસ્ત મુજબ અગાઉ મોજે અધેવાડા ટી.પી. સ્કીમ નં.૧૬ (અધેવાડા)ના સર્વે નં.૮૭/૧ માંથી પસાર થતો ૧૮.૦૦ મી. ના ડી.પી.રોડની એલાઈમેન્ટ ફેરવવા માટે અરજદારનું કેમ્પસ તથા ૪૫.૦૦ મી. ડી.પી. રોડ પર આવેલ કલવર્ટને ધ્યાને લઈ ૧૮.૦૦મી. ડી.પી. રોડની એલાઈમેન્ટ ફેરવવા માટે સરકારના ટાઉન પ્લાનિંગ એકટ-૧૯૭૬ની કલમ-૧૯(૧) મુજબ વેરીયેશન દરખાસ્ત કરવાની ટી.પી.જા.નં.૧૬૫ તા.૨૪/૦૪/૨૦૨૪થી મંજુરી અર્થે દરખાસ્ત અને ટા.પ્લા.જા.નં.૮૦૨ તા.૦૨/૦૮/૨૦૨૪થી (૧) થી (૩) મુદ્દાની સ્પષ્ટતા થઈ આવેલ છે, જે ધ્યાને લઈ ટી.પી. સ્કીમ નં.૧૬ (અધેવાડા)માં આવેલ ૧૮.૦૦ મી. ટી.પી./ડી.પી. રોડની એલાઈમેન્ટમાં ફેરફાર કરવા સરકારના ટાઉન પ્લાનિંગ એકટ-૧૯૭૬ ની કલમ-૧૯(૧) મુજબ વેરીયેશન દરખાસ્ત કરવાની મંજુરી આપવા અંગે નિર્ણય કરવાનો હતો પરંતુ ભાજપ અને કોંગ્રેસના વિરોધના પગલે આ ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો. 

સાધારણ સભા પૂર્વે બપોરના સમયે ભાજપ કાર્યાલય ખાતે ભાજપની સંકલન બેઠક રાબેતા મુજબ મળી હતી, જેમાં ૧૮.૦૦ મી. ટી.પી./ડી.પી. રોડની એલાઈમેન્ટમાં ફેરફાર કરવાના ઠરાવનો ભાજપના જ મોટાભાગના નગરસેવકોએ વિરોધ કર્યો હતો તેથી મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેને પાર્ટીનો આદેશ છે, ઠરાવ પાસ કરવો પડશે. આ ઉદ્યોગપતી ભાજપને પાર્ટી ફંડ પણ મોટુ આપતા હોવાની ચર્ચા થઈ હતી પરંતુ આ ઠરાવ સાધારણ સભામાં આવશે તો વિરોધ કરશુ તેવી ચીમકી ભાજપના નગરસેવકોએ આપી હતી. ઠરાવ પાસ કરવા મતદાનની વાત પણ થઈ હતી ત્યારે ભાજપના નગરસેવકોએ સંકલનમાં જ મતદાન કરાવી નાખો તેમ કહ્યુ હતું. અમદાવાદ હાઇ-વે બનાવવા માટે ખેડૂતોની જમીન લેવામાં આવી છે અને સીધો રોડ કરવામાં આવ્યો છે ત્યારે એક ઉદ્યોગપતીની જગ્યા માટે સીધો રોડ આડો કરવામાં આવી રહ્યો છે, જે યોગ્ય નથી. નિયમ તમામ માટે એક સરખા હોવા જોઈએ તેમ ભાજપ નગરસેવકોએ સંકલનમાં જ જણાવ્યુ હતું. આ મામલે સંકલનની બેઠકમાં લાંબી અને ઉગ્ર ચર્ચા જામી હતી. 

સાધારણ સભામાં ૧૮.૦૦ મી. ટી.પી./ડી.પી. રોડની એલાઈમેન્ટમાં ફેરફાર કરવાનો ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવતા કોંગ્રેસના નગરસેવકે સવાલ ઉઠાવ્યા હતા પરંતુ મેયરે આ મામલે ચર્ચા કરવાની ના પાડી હતી. સાધારણ સભામાં ઠરાવ આવે અને પેન્ડીંગ રાખવામાં આવે તો તેનુ કારણ આપવુ જોઈએ. મેયરે પુર્તતા બાકી હોવાનુ જણાવ્યુ હતુ ત્યારે કોંગ્રેસ નગરસેવકે જણાવ્યુ હતુ કે, સ્ટેન્ડીંગ કમિટિમાંથી પાસ થઈને ઠરાવ આવ્યો છે અને સાધારણ સભામાં ઠરાવ લાવવામાં આવ્યો છે ત્યારે કંઈ પૂર્તતા બાકી છે ? તેમ કહ્યુ હતુ તેથી મેયરે જવાબ આપવાની ના પાડી હતી અને કોંગ્રેસના નગરસેવકને બેસી જવા જણાવ્યુ હતું. આવી દાદાગીરી ન ચાલે, ઠરાવ પેન્ડીંગ રાખો છો કારણ તો આપવુ જ પડે તેમ કહી ઠરાવની ફાઇલ ફાડી નાખી સ્ટેજ પર કાગળોનો ઘા કર્યો હતો, ત્યારબાદ કોંગ્રેસના નગરસેવકો સભા છોડી નિકળી ગયા હતાં. સાધારણ સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ત્રણ નગરસેવકોએ મેયરની ચેમ્બર સામે ધરણા કર્યા હતા અને એક ઉદ્યોગપતીની જગ્યા કપાતમાં આવે છે તેથી સીધા રોડને બદલે આડો રોડ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસ નગરસેવકોએ કર્યો હતો. મેયર ચેમ્બરની બહાર નિકળતા મેયર હાય હાય ના નારા કોંગ્રેસ નગરસેવકોએ લગાડયા હતાં. મેયર ઓફીસમાંથી નિકળી ગયા બાદ કોંગ્રેસના નગરસેવકો પણ ઉભા થઈ ગયા હતાં. મેયર કોઈની વાત સાંભળતા નથી અને દાદાગીરી કરે છે, આવી રીતે સાધારણ સભા ન ચાલે, કોંગ્રેસના નગરસેવકો પણ ચૂંટાયને આવ્યા છે અને તેનો પણ સાધારણ સભામાં બોલવાનો હક્ક છે તેથી સવાલ ઉઠાવીશુ તેમ કોંગ્રેસ નગરસેવકોએ જણાવ્યુ હતું. 

ફરી ભાજપના નગરસેવકો અને સંગઠન આમને-સામને 

ભાવનગર મહાપાલિકાની સાધારણ સભામાં ઠરાવ પાસ કરવાના મામલે ફરી ભાજપના નગરસેવકો અને ભાજપ સંગઠન આમને-સામને આવી ગયા હતાં. અગાઉ ચિત્રા જીઆઈડીસી પાછળ આવેલ એક જમીન એક ભાજપ અગ્રણીને આપવાનો ઠરાવ લાવવામાં આવ્યો હતો ત્યારે ભાજપના નગરસેવકોએ વિરોધ નોંધાવ્યો હતો અને સવાલ ઉઠાવ્યા હતાં. આ મામલો પ્રદેશ ભાજપ સુધી પહોંચ્યો હતો. આ વાતને હજુ લાંબો સમય થયો નથી ત્યાં આજે ફરી ૧૮.૦૦ મી. ટી.પી./ડી.પી. રોડની એલાઈમેન્ટમાં ફેરફાર કરવાના ઠરાવના મામલે ભાજપના નગરસેવકો અને ભાજપ સંગઠન આમને-સામને આવી ગયા હતાં. આ ઠરાવ પાસ કરવા માટે શહેર ભાજપ સંગઠને જણાવ્યુ હતુ પરંતુ આ ઠરાવનો ભાજપના નગરસેવકોએ સંકલનમાં વિરોધ કર્યો હતો તેથી ના છુટકે આ ઠરાવ સાધારણ સભામાં પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો. ભાજપના નગરસેવકોના વિરોધ વચ્ચે કેટલાક ઠરાવ લાવવામાં આવતા હોવાથી વિવાદ જામતો હોય છે અને નિયમ વિરૂધ્ધ ઠરાવ હોવાથી ભાજપના નગરસેવકો વિરોધ કરતા હોય છે ત્યારે ભાજપની છબી ખરડાતી હોવાનુ ચર્ચાય રહ્યુ છે.  

મહાપાલિકા હસ્કતના શોપીંગ સેન્ટરો જર્જરીત, ફાયર એનઓસી પણ નહીં હોવાથી કોંગ્રેસ સવાલો ઉઠાવ્યા 

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરમાં જર્જરીત બિલ્ડીંગોને સીલ ખાલી કરાવવામાં આવે છે અને ફાયર એનઓસીના મામલે સીલ કરવાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ ભાવનગર મહાપાલિકાના હસ્તકના મોટાભાગના શોપીંગ સેન્ટરો-બિલ્ડીંગો જર્જરીત છે છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી, આ જર્જરીત બિલ્ડીંગ પડશે અને કોઈનુ મોત થશે તો જવાબદાર કોણ ? તેમ કોંગ્રેસના નગરસેવકોએ જણાવ્યુ હતું. આ મામલે અધિકારીએ જવાબ આપ્યા હતા અને વર્ષ ર૦૧પથી આ અંગે બેઠકો કરવામાં આવે છે તેમજ ર૭ર લોકોને નોટિસ આપી હોવાનુ જણાવ્યુ હતું. વર્ષ ર૦૧પથી નોટિસ આપવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી ?. દુકાનની અંદર રીપેરીંગ દુકાનદારે કરાવવાનુ હોય છે અને બહારનુ રીપેરીંગ મહાપાલિકાએ કરાવવાનુ હોય છે પરંતુ આ માટે દુકાનદારોએ દુકાનો ખાલી કરી મહાપાલિકાને સમય આપવો જોઈએ તેમ અધિકારીએ જવાબમાં જણાવ્યુ હતું. જર્જરીત બિલ્ડીંગના મામલે વર્ષ ર૦ર૧માં રૂ. ૮૧ લાખ ફાળવવાની વાત થઈ હતી પરંતુ હજુ કોઈ કામગીરી કરવામાં આવી નથી ત્યારે તત્કાલ યોગ્ય પગલા લેવા કોંગ્રેસ નગરસેવકે માંગણી કરી હતી. મહાપાલિકા હસ્કતના તમામ શોપીંગ સેન્ટરોમાં ફાયર એનઓસી પણ નથી તેથી નોટિસ આપવામાં આવી છે તેમ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ, જેના પગલે કોંગ્રેસ નગરસેવકોએ સવાલ ઉઠાવ્યા હતાં. ખાનગી બિલ્ડીંગોને મહાપાલિકા ફાયર એનઓસીના મામલે સીલ મારે છે, જયારે મહાપાલિકા હસ્તકના બિલ્ડીંગમાં જ ફાયર સેફ્ટી નથી છતાં કોઈ પગલા લેવાતા નથી. નિયમ બધા માટે સરખા હોય છે ત્યારે તત્કાલ કામગીરી કરવા માંગણી કરી હતી. રાજકોટ અગ્નીકાંડ જેવી ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે ? તેવા પ્રશ્ન કર્યા હતાં. આ મામલે ખુબ જ લાંબી ચર્ચા ચાલી હતી પરંતુ મહાપાલિકા કયારે કામગીરી હાથ ધરશે ? તેની રાહ જોવી જ રહી.    


Google NewsGoogle News