રો-રો ફેરીને હજીરા સુધી લંબાવવા ભાવનગર સહિત સુરત ચેમ્બર પણ રજૂઆત કરશે
- ભાવનગરમાં મળેલી ગુજરાત ચેમ્બરની કુલ દસ ચેમ્બરોની રીજીયોનલ કાઉન્સીલની બેઠકમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા
ભાવનગર, તા,13 ઓક્ટોબર 2018, શનિવાર
ભાવનગર ચેમ્બરના યજમાન પદે આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રીજીયોનલ કાઉન્સીલની બેઠક યોજાઇ હતી. જેમાં ભાવનગરના વિકાસ માટે અટકેલ પ્રશ્નો અંગે ચર્ચા યોજાઇ હતી. તો રોરો ફેરી સર્વિસ હજીરા સુધી લંબાવવા ભાવનગરની સાથે સુરત ચેમ્બર પણ પ્રયત્નશીલ બનવા તૈયારી દર્શાવી હતી.
આજરોજ ઈસ્કોન ક્લબ, ભાવનગર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ ડો.જૈમીન વસાની ચેરમેનશીપ હેઠળ રીજીયોનલ કાઉન્સીલની મીટીંગ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના યજમાનપદે યોજાયેલ, જેમા સુરત, વડોદરા, ગાંધીધામ, બનાસકાંઠા, જામનગર, જુનાગઢ, રાજકોટ, ઝાલાવાડ (સુરેન્દ્રનગર) ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો અને પ્રતિનિધિઓ તેમજ ચેમ્બરની મેનેજીંગ કમીટીના સભ્યો, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શીપ રીસાઇકલીંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ભાવનગર પ્લાસ્ટીક મેન્યુ. એસો., સિહોર સ્ટીલ રી રોલીંગ મીલ, ભાવનગર ડીસ્ટ્રીક્ટ સોલ્ટ મેન્યુ., ભાવનગર ડીસ્ટ્રી. ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝ, ચિત્રા ઈન્ડ. એસો., વરતેજ જીઆઇડીસી એસો, બોટાદ જીઆઇડીસી એસો તથા સિહોર, પાલિતાણા અને મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનીધીઓ હાજર રહ્યા હતા. એમએસએમઇ કોન્કલેવ-૨૦૧૯ વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમીટના આયોજન અંગે થયેલ પ્રગતી અંગે તથા વિવિધ ચેમ્બર્સને યોજાનાર એકઝીબીશન અને કોન્ફરન્સના કેવી રીતે સહભાગી બનાવી શકાય તે અંગે ચર્ચા કરેલ. ગુજરાત ચેમ્બર દ્વારા ગ્લોબલ કોન્કલેવ ચેમ્બર્સ અને નેશનલ કોન્કલેવ ઓફ ચેમ્બર્સના ભાગરૂપે થનાર સમીટમાં ગુજરાત સરકારશ્રી સાથે થનાર આયોજન અંગે જાણકારી આપેલ.
ગુજરાત વીગની યુથ કમીટીના પ્રમુખે યુથ વીગની પ્રવૃતી વિશે માહિતી આપેલ અને ભાવનગર યુથ ચેપ્ટરની જાહેરાત કરી તેના ચેરમેન પદે અગ્રગણ્ય ઉદ્યોગપતી શ્રી બૈજુભાઇ મહેતાની વરણી અંગે ઘોષણા કરેલ, ત્યારબાદ ઉપસ્થિત ૯ રીજીયોનલ ચેમ્બરના પ્રમુખશ્રીઓએ તેમના વક્તવ્યમાં પોતાના પ્રશ્નોની વિગતવાર રીતે રજુઆત કરેલ.
જેમા ભાવનગર ચેમ્બરના લાંબા અંતરની ટ્રેન શરૂ કરવા, વોલ્વો બસ શરૂ કરવા, એર બે સર્વિસ શરૂ કરવા, તથા નવી જીઆઇડીસીમાં પ્લોટના ભાવ વ્યાજબી રાખવા તથા રોરો ફેરીને હજીરા સુધી લંબાવવા અંગે પણ રજુઆતો થઇ હતી. જ્યારે ૧૦ ચેમ્બરો મળી જતા રજુઆતથી નાના ઉદ્યોગકારો અને ચેમ્બરના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા પ્રયત્નો હાથ ધરવાનું સંગઠન મજબુત બનાવવા આ પ્રયાસ થયો છે. જે આગામી વાયબ્રન્ટ ગુજરાત ઇવેન્ટમાં દિપી ઉઠશે.