કૌભાંડ સામે બંડના સંસ્કાર ન ચાલ્યા, નાગરિક બેંકમાં સહકાર પેનલ વિજયી
- હિસ્ટ્રી રિપિટ્સ : ચોથા બળવાનો પણ અગાઉના ત્રણ જેવો અંજામ
- મણિયારની પેનલના ૧૧ પરાજિતોને માત્ર ૩૨થી ૩૮ મત, શાસક જૂથનાં ઉમેદવારો ૧૫૦થી ૨૯૦ મત મેળવીને ડિરેક્ટર ચૂંટાયાં
૩૮ શાખાઓ મારફત ૧૦ હજાર કરોડનું ટર્નઓવર અને સાડા ત્રણ લાખ સભાસદો ધરાવતી રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં આમ તો ભાજપ- આરએસએસની ઘરઆંગણાંની પ્રક્રિયાને અનુલક્ષીને સમરસ પ્રકારે ડિરેક્ટરો નિમાતાં હોય છે પરંતુ આ વખતે બેન્કમાં લોન કૌભાંડ મામલે ફરિયાદો- આક્ષેપો કરીને ભાજપ- સંઘના કલ્પક મણિયારે બંડ પોકારીને તેના મામા એવા જ્યોતિન્દ્ર મહેતાનાં જૂથની સહકાર પેનલ સામે સંસ્કાર પેનલ ઉતારી હતી. આમ, ૨૭ વર્ષ બાદ આવી પડેલી ચૂંટણી રસાકસીભરી બની રહેશે એવું પ્રાથમિક ચિત્ર ઉપસ્યું હતું પરંતુ મણિયારની પેનલમાં પૂરતાં ઉમેદવારો ન થતાં બહારગામની પાંચ અને અનામત કેટેગરીની એક એમ કુલ છ બેઠક વર્તમાન શાસક જૂથને બિનહરીફ મળી ગઈ હતી. એ પછી પણ સંસ્કાર પેનલના ચાર ઉમેદવારનાં ફોર્મ રદ્દ થયાં હતાં. રાજકોટ શહેર મતક્ષેત્રની જનરલ કેટેગરીની ૧૩ અને વૂમન કેટેગરીની ૨, એમ કુલ ૧૫ બેઠકો માટે રવિવારે ૩૩૨ પૈકી ૩૨૦ ડેલિગેટ્સ (સભાસદ પ્રતિનિધિઓ)એ મતદાન કર્યું હતું.
ચૂંટણીપાત્ર ૧૫ બેઠકોના સહકાર પેનલનાં ૧૫ વિરૂધ્ધ સંસ્કાર પેનલનાં તમામ ૧૧ ઉમેદવારો જીતે તો જ બેન્કનું સૂકાન ભાજપી બંડખોર જૂથને મળે તેમ હતું. આજે સવારે મતગણતરી હાથ ધરાતાં જે આશ્ચર્યકારક પરિણામ આવ્યું તેમાં સહકાર પેનલનાં જ તમામ ઉમેદવારો ૧૫૦થી માંડીને ૨૯૦ મતો મેળવી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યાં છે, જ્યારે કે પરાજિત સંસ્કાર પેનલનાં ઉમેદવારોને મળેલા મત માત્ર ૩૨થી ૩૮ સુધી સીમિત રહ્યા છે. સહકાર પેનલના સૂત્રધારો અને આગેવાનોએ આ પરિણામને ભાજપ- સંઘનાં ટીમવર્કનો વિજય ગણાવીને ઉમેર્યું કે નિયમિત બોર્ડ મીટિંગ ઉપરાંત સભાસદોના પ્રશ્નોનાં નિવારણ માટે શાખા વિકાસ સમિતિની બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથેની બેઠકો સહિતના વહીવટ પર ડેલિગેટ્સે મુકેલા ભરોસાનું આ પરિણામ છે. હવે ચૂંટાયેલા ડિરેક્ટરોની મીટિંગ મળશે, જેમાં ચેરમેન સહિતના હોદ્દેદારો નક્કી થશે.
નોંધનીય છે કે ૧૯૮૧માં ભાજપમાંથી કોંગ્રેસમાં ભળેલા અગ્રણીની હરીફ પેનલ તેમજ ૧૯૮૮માં ભાજપ છોડીને અપક્ષપણે લડેલા આગેવાનની પેનલ અને ૧૯૯૬માં રાજપા આગેવાનોની પેનલ જે- તે સમયની બેન્કની શાસક ભાજપ- સંઘની સત્તાવાર પેનલ સામે ચૂંટણી લડી ત્યારે પણ તેનો રકાસ થયો હતો, અને આ વખતે કૌભાંડ જેવા સંવેદનશીલ મુદ્દા છતાં પડકાર ફેંકનાર પેનલમાંથી કોઈ ઉમેદવાર ડિરેક્ટર તરીકે ચૂંટાયા નથી!
સહકાર પેનલનાં વિજેતાઓ અને તેમને મળેલા મત
હસમુખ ચંદારાણા- ૧૫૬, માધવ દવે- ૧૫૮, ચંદ્રેશ ધોળકિયા- ૧૫૭, અશોક ગાંધી- ૧૫૨, બ્રિજેશ મલકાણ- ૧૫૦, દેવાંગ માંકડ- ૧૬૦, ડો. એન.જે. મેઘાણી- ૧૫૧, કલ્પેશ પંચાસરા- ૧૫૪, વિક્રમસિંહ પરમાર- ૧૫૧, જીવણ પટેલ- ૧૫૪, દિનેશ પાઠક- ૧૫૪, ચિરાગ રાજકોટિયા- ૧૪૮, ભૌમિક શાહ- ૧૫૦, જ્યોતિબેન ભટ્ટ- ૨૯૦, કિર્તીદાબેન જાદવ- ૨૮૬.
સંસ્કાર પેનલનાં પરાજિતો અને તેમને મળેલા મત
દીપક અગ્રવાલ- ૩૫, જયંત ધોળકિયા- ૩૪, દીપક કારિયા- ૩૫, વિજય કારિયા- ૩૩, પંકજ કોઠારી- ૩૬, વિશાલ મિઠાણી- ૩૨, ડો. ડી.કે. શાહ- ૩૭, નીતાબેન શેઠ- ૩૨, લલિત વડેરિયા- ૩૫, ભાગ્યેશ વોરા- ૩૭, હીનાબેન બોધાણી- ૩૮.
શનિવારે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી
હવે બેન્કના નવા ચેરમેન અને વાઈસ ચેરમેનપદે કોણ- કોણ એ અંગેની અનેકવિધ અટકળો વહેતી થઈ છે એવામાં સરકારી તંત્રના વિશ્વસ્ત સૂત્રોએ જણાવ્યું કે શુક્રવાર- તા.૨૨મીએ આ માટેનાં ઉમેદવારીપત્રકો મગાવાશે અને શનિવારે ડિરેક્ટરો વચ્ચે ચૂંટણીપ્રક્રિયા થશે.