1.786 કિલોગ્રામ ગાંજા સાથે રિક્ષા ચાલક ઝડપાયો
અગાઉ બે વખત માદક પદાર્થ સાથે પકડાયેલો છે
રૂા.૧૦૦ની પડીકી બનાવી છુટક વેચાણ કરતો, રિમાન્ડ પર લેવા તજવીજ
રાજકોટ: ભાવનગર રોડ પરથી એસઓજીએ ૧.૭૮૬ કિલોગ્રામ ગાંજા સાથે હિતેષ ઉર્ફે બન્ટી સવજી બાબરીયા (ઉ.વ.૩પ, રહે. માંડાડુંગરના ઢાળીયા પાસે)ને ઝડપી લીધો હતો. છેલ્લા ઘણાં સમયથી હિતેષ માદક પદાર્થોનો વેપલો કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
એસઓજીના જમાદાર જીજ્ઞોશ અમરેલીયાને મળેલી ચોકકસ બાતમીના આધારે પીઆઈ જે.ડી. ઝાલાએ ભાવનગર રોડ પર ઉભેલા હિતેષ પાસેની થેલીની તલાશી લેતાં તેમાંથી ૧.૭૮૬ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત એસઓજીએ રૂા.૧૭૮૬૦ ગણી રૂા.પ હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો હતો.
આરોપી હિતેષે પોતે રિક્ષા ચલાવતો હોવાનું જણાવ્યું છે. જોકે એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે તે છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થોનો વેપલો કરે છે. ર૦ર૧ અને રરની સાલમાં તે આજી ડેમ અને ભક્તિનગર પોલીસ મથકમાં માદક પદાર્થોના કેસમાં પકડાઈ ચુકયો છે. વાહનચોરી ઉપરાંત દારૂના કેસ પણ નોંધાઈ ચુકયા છે.
પ્રાથમિક પુછપરછમાં મહિસાગર જીલ્લાના સંતરામપુરથી ગાંજો લઈ આવ્યાની કેફિયત આપી છે. જેમાં કેટલું તથ્ય છે તે અંગે હવે પોલીસ તપાસ કરશે. હાલમાં તે રૂા.૧૦૦ની કિંમતની પડીકી બનાવી ગ્રાહકોને વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે.