Get The App

સાવરકુંડલામાં ત્રણ આગેવાનો પરના હુમલાનું આરોપીઓ દ્વારા રિકન્સ્ટ્રક્શન

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
સાવરકુંડલામાં ત્રણ આગેવાનો પરના હુમલાનું આરોપીઓ દ્વારા રિકન્સ્ટ્રક્શન 1 - image


ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ત્રણ હુમલાખોરોને ઘટનાસ્થળે લઇ જવાયા

કોઇ કાંકરીચાળો થવાની સંભાવનાનાં પગલે બીજા દિવસે પણ મુખ્ય વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત યથાવત, અન્ય એક ફરાર આરોપીની શોધખોળ

સાવરકુંડલા: સાવરકુંડલામાં ગઈકાલે લોહાણા મહાજન વાડી પાસે પાકગની જગ્યામાં રેંકડી રાખવા બાબતે બોલાચાલી થતાં ભાજપ મહામંત્રી સહિત ત્રણ વેપારી આગેવાનો પર પિતા-પુત્ર સહિત પાંચ વિધર્મી શખ્સો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. જેના ઘેરા પ્રત્યાઘાત પડતા પોલીસે તાબડતોબ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.   

સાવરકુંડલા શહેરમાં શહેર ભાજપ મહામંત્રી રાજેશ નાગ્રેચા, વેપારી જગદીશ માધવાણી, તેજસ રાઠોડ પર કેબિન મુકવાની બાબતે લોહાણા સમાજની વાડી પાસે બોલાચાલી બાદ કેટલાક શખ્સોએ હુમલો કર્યા હતો. જેને પગલે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે હિન્દૂ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો હતો. ગઈકાલે સાવરકુંડલા સજ્જડ બંધ કરવામાં આવ્યું હતું. બીજી તરફ પોલીસ સ્ટેશનમાં ૫ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી તેમજ એક અજાણ્યા ઈસમની શોધખોળ હાથ ધરી હતી.

સાવરકુંડલા શહેરમાં હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આજે પોલીસે ઘટનાની ગંભીરતા સમજી લોહાણા સમાજવાડી પાસે ઘટના બની તે સ્થળે આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું. સેન્સેટિવ વિસ્તાર હોવાને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપીએ કેવી રીતે હુમલો કર્યો સહિતની માહિતી મેળવી નિવેદન લેવામાં આવ્યા હતા. સાવરકુંડલા એ.એસ.પી. વલય વૈદ્ય, ધારી એ.એસ.પી. જયવીર ગઢવી, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ. અને ટીમ, સાવરકુંડલા ટાઉન અને રુલર પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

આ તકે એ.એસ.પી. વલય વૈદ્યે જણાવ્યું કે, કોઈપણ ગુનો બનતો હોય છે, તેની તપાસ માટે રિકન્ટ્રક્શન કરવામાં આવે છે. તેમાં હથિયારનો ઉપયોગ કર્યો છે તો તે ક્યાં સંતાડવામાં આવ્યા હતા ? તે પણ શોધી કાઢ્યા હતાં.કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.


Google NewsGoogle News