ઔષધીય ગુણોથી ભરપુર રાવણા જાંબુની બાળકોમાં ભારે માંગ
ટૌટે વાવાઝોડામાં જાંબુના વૃક્ષોને ભારે નુકશાન થયું
- સ્વાદમાં મીઠા અને મધુપ્રમેહ માટે અકસીર દવા સમા જાંબુનું ફળ બજારમાં ધૂમ વેચાણ
ભાવનગર : પ્રવર્તમાન કોરોનાની મહામારી દરમિયાન ઈમ્યુનિટી પાવર વધારતા ફળોની સ્થાનિક મુખ્ય શાકમાર્કેટમાં માંગ વધી રહી છે. ત્યારે ઔષધીય ગુણોથી ભરપૂર સ્વાદમાં મીઠા જુનાગઢી રાવણાની પણ ગ્રાહકોમાં માંગ વધી રહી હોય ફ્રુટ માર્કેટમાં રાવણા જાંબુનું ધૂમ વેચાણ થઈ રહેલ છે.
જો કે, આ વર્ષે તાજેતરમાં ફૂંકાયેલા ટૌટે વાવાઝોડાના કારણે જાંબુના વૃક્ષોને પણ ભારે નુકશાન થતા ગત વર્ષોની તુલનામાં તેની આવકમાં ઘટાડો નોંધાયો છે.ડાયાબીટીસ સહિતના અનેક રોગ માટે ફાયદાકારક મનાતા રાવણા જાંબુના ઝાડ સૌથી વધારે જુનાગઢ નજીકના સોડવદર,ધૂડવદર અને વિજાપુર સહિતના વિસ્તારોમાં છે. રાવણા જાંબુ દર વર્ષે ઉનાળાના આખરી તબકકામાં અને ચોમાસામાં મુખ્ય શાકમાર્કેટમાં વેચાતા જોવા મળે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, જુનાગઢ સાઈડના આ રાવણા જાંબુની ફકત ભાવનગર જ નહિ બલકે દિલ્હી,મુંબઈ અને બેંગ્લોર સહિતના પ્રાંતોમાં નોંધપાત્ર પ્રમાણમાં માંગ રહે છે. આરોગ્ય અને સ્વરોજગારી માટે મહત્વના બનેલા રાવણા જાંબુના ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની પ્રક્રિયામાં અસંખ્ય મહેનતકશ શ્રમિકો સંકળાયેલા છે. શહેરની શાકમાર્કેટ, રૂપમચોક તેમજ ખાસ કરીને સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ શ્રમિક મહિલાઓ દ્વારા તેનુ વેચાણ થાય છે તેથી આ રાવણા જાંબુ સૌ કોઈ માટે રોજગારીનું સાધન બનેલ છે.