રથયાત્રા : સુર્યા સોસા.ની મહિલાઓનો પ્રસાદીના ચણા સાફ કરવાનો સેવાયજ્ઞા

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
રથયાત્રા : સુર્યા સોસા.ની મહિલાઓનો પ્રસાદીના ચણા સાફ કરવાનો સેવાયજ્ઞા 1 - image


- 'ભગવાનની સેવાનો અવસર' રથયાત્રામાં 3 ટન ચણાની પ્રસાદીનું વિતરણ થશે

- રથયાત્રાની શરૂઆતથી સોંપવામાં આવેલી જવાબદારીઓ મહિલાઓના સમુહ દ્વારા છેલ્લા 39 વર્ષથી નિઃસ્વાર્થભાવે નિભાવવામાં આવી રહી છે

ભાવનગર : ભાવનગરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પ્રસાદી તરીકે ચણાનું વિતરણ કરવામાં આવે છે. ૧૭ કિમીના રૂટમાં લાખો લોકોને ૩ ટન ચણાની પ્રસાદી વિતરણ કરવામાં આવશે. ચણાની પ્રસાદી માટે આવતા ચણા સાફ કરવાનું કામ વર્ષોથી સુર્યા સોસાયટીની બહેનો સંભાળે છે. રથયાત્રામાં પ્રારંભથી સોંપવામાં આવેલી આ જવાબદારી આ બહેનો દ્વારા નિઃસ્વાર્થભાવે નિભાવવામાં આવી રહી છે.

આગામી રવિવારના રોજ ભાવનગરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રથયાત્રામાં પ્રસાદી તરીકે ચણાનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે રથયાત્રાના ૧૭ કિમીના રૂટમાં આખો દિવસ લાખો લોકોને ચણાની પ્રસાદી વિતરણ કરવામાં આવશે. રથયાત્રા સમિતિ દ્વારા ૩ ટન ચણાની પ્રસાદીનું વિતરણ થાય છે અને તેના માટે શહેરના ઘણાં શ્રેષ્ઠીઓ દ્વારા દ્વારા પ્રસાદી માટેના ચણા દાનમાં આપવામાં આવે છે તેમજ બાકીના રથયાત્રા સમિતિ દ્વારા પુરા પાડવામાં આવે છે. પ્રસાદીમાં ઉપયોગમાં લેવામાં આવનારા ચણાને સાફ કરવા માટે શહેરના ચાવડી ગેટ નજીક આવેલી સુર્યા સોસાયટીની મહિલાઓ દ્વારા સેવાયજ્ઞા કરવામાં આવે છે. રથયાત્રાના પ્રારંભથી સોંપવામાં આવેલી આ જવાબદારી છેલ્લા ૩૯ વર્ષથી આ મહિલાઓ દ્વારા નિઃસ્વાર્થભાવે નિભાવવામાં આવી રહી છે. શરૂઆતમાં ૧૦થી ૧૫ મહિલાઓ દ્વારા આ સેવા આપવામાં આવતી હતી. શરૂઆતમાં ચણા સાફ કરવામાં સમય વધારે લાગતો હતો પરંતુ હવે ખુબ ઓછો સમય લાગે છે. બે દિવસથી શહેરમાં વરસાદે વિરામ લેતા આજે એક દિવસમાં ૨૦ મહિલાઓ દ્વારા ચણા સાફ કરી દેવામાં આવ્યા છે. ૧૮ વર્ષની દિકરીઓથી લઈ ૭૦ વર્ષના વૃદ્ધાઓ પણ આ સેવાયજ્ઞામાં જોડાય છે. સુર્યા સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષના ચંદ્રાબા અને વિનુબા છેલ્લા ૩૯ વર્ષથી આ સેવામાં જોડાય છે અને સોસાયટીની નાની દિકરીઓને પણ આ સેવામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે. 'ભગવાનની સેવાનો અવસર' હોય અને ઘરે પ્રસંગ હોય એ રીતે નિઃસ્વાર્થભાવે આ સેવા કરવામાં આવી રહી છે. સોસાયટીની દરેક ગૃહિણીઓ પોતાના અનુકુળ સમયમાં આવીને સેવામાં જોડાઈ શકેે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સેવા છે અને ભગવાન અમારું ધ્યાન રાખે છે

ચણા સાફ કરવાની વ્યવસ્થા સંભળતા રંભાબેન રંઘોળીયોએ જણાવ્યું કે, વર્ષોથી આ સેવા કરીએ છીએ એમાં કોઈને કહેવાનું ના હોય. આ ભગવાનની સેવા છે શરૂઆતથી જોડાયેલા છીએ અને આ સેવા કરીએ એટલે ભગવાન અમારું ધ્યાન રાખે છે. તેની કૃપાથી જ છે આ બધુ.


Google NewsGoogle News