ગામડાઓના લોકોને સહાયની ચૂકવણીમાં હળાહળ અન્યાય
- સરકારે ગ્રામ્ય વિસ્તાર પ્રત્યે ભેદભાવ ન રાખવો જોઈએ
- ભાવનગર જિલ્લાના ગામડાઓના નાગરીકોને થતા અન્યાયના વિરોધમાં સરપંચો દ્વારા ન્યાયિક રજુઆત
ભાવનગર જિલ્લામાં રાજય સરકારની મનસ્વી નીતિરીતિ સામે ગ્રામજનોમાં સવાલો ઉઠી રહ્યા છે કે, એક ને ગોળ અને એકને ખોળ.આવી નીતિ ગામડાના લોકો સાથે અન્યાયકર્તા છે. રૂા એક લાખ વીસ હજારની સહાયની લાલચમાં ગામડાનો માણસ રૂા બે લાખ રૂપિયા વ્યાજે લઈ દેવામાં ડૂબતો જાય છે કારણ કે, ગામડામાં ગરીબી રેખા હેઠળ વધારે લોકો જીવી રહ્યા છે તો ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજારની રકમમાં માત્ર મકાનના પાયાથી લઈને પ્લીન્થ સુધી કામગીરી થઈ શકે તેમ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ખર્ચની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તાર કરતા પડતર કિંમત વધારે પડે છે. જેમ કે, ટ્રાન્સપોર્ટ ખર્ચ, સિમેન્ટ, કપચી, રેતી,ઈંટો વગેરે બાબતોનોશહેર કરતાં વધારે ખર્ચ લાગે છે તો વળી ગ્રામ્ય વિસ્તારમાં રૂા એક લાખ વીસ હજારની રકમ અને શહેરી વિસ્તારમાં રૂા સાડા ત્રણ લાખ શા માટે આ બાબતથી ગોહિલવાડના તમામ ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ હળાહળ અન્યાય થઈ રહ્યો છે તેમ સરપંચ પરિષદના પ્રમુખ ઘનશ્યામભાઈ મોરીએ આક્રોશભેર જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, સરકાર માટે શહેર અને ગામડાંના નાગરીકો એક સમાન હોવા જોઇએ આવો ભેદભાવ ના રાખવો જોઈએ.આ બાબતે સરકાર દ્વારા વહેલી તકે જે સહાય શહેરી વિસ્તારમાં આપવામાં આવે છે તે જ સહાય ગ્રામ્ય વિસ્તારમાં પણ આપવામાં આવે તો જ પુરતો ન્યાય મળે તેમ છે અને ગામડાના લોકો પાકા મકાનમાં રહી શકે તેમ છે. તેમ તેઓએ અંતમાં ઉમેર્યુ હતુ.