રાજુલાનાં મજાદર સહિતનાં ગામોમાંથી બેફામ રીતે ગેરકાયદે માટી ખનન
- ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે એજન્સી દ્વારા
- સ્થાનિક અધિકારીઓએ તપાસ ન કરતાં જાગૃત નાગરિકે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઓનલાઇન અરજી કરી
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગેરકાયદેસર માટી ખનન કરેલા ટ્રકો ઓવરલોડ ભરીને બેકાબૂ રીતે ચલાવવામાં આવી રહ્યા છે જેનાં કારણે માનવ જિંદગી પણ જોખમમાં મૂકી રહ્યા છે. તેમજ ઘણા સ્થળોએ પરમિટની મર્યાદાથી વધુ માટી ખનન કરી સરકારની રોયલ્ટીનું નુકસાન કરાયેલ છે. આ નેશનલ હાઇવે એજન્સી દ્વારા સરકારની આંખમાં ધૂળ નાખી નેશનલ હાઇવે ફોરલેન માટે ઉપયોગમાં લેવામાં આવતી અલગ-અલગ માટીનાં સેમ્પલ લેવામાં આવે તે જરૂરી છે. ગેરકાયદેસર ખનન કરેલ માટીનો રોડમાં ઉપયોગ કરવામાં આવે છે તેમજ કથીવદર, વિસળીયા અને મજાદર જેવાં ગામો દરિયાથી એકદમ નજીક આવેલા છે જેથી તેની માટી સોઈલ ટેસ્ટમાં જ રિજેક્ટ થતી હોય છે આમ ક્ષારયુક્ત માટીનો નેશનલ હાઇવે એજન્સી દ્વારા આ ફોરલેન રોડના કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમ છતાં સ્થાનિક વહિવટી તંત્ર આંખ આડા કાન કરીને આડકતરી રીતે આ એજન્સીને બચાવવાનો પ્રયત્ન કરતા હોય તેમ લાગી રહ્યું છે. વિકટરનાં જાગૃત નાગરિક દ્વારા પ્રાંત ઓફિસમાં રૂબરૂ લેખિત અરજી અપાઈ હતી અને કમિશ્નર, ભૂસ્તર વિજ્ઞાાન અને ખનીજ ગાંધીનગર, કલેકટર અમરેલી, જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી, અમરેલી સહિતનાં અધિકારીઓને ઈમેલ કરાયા હતા તેમ છતાં ૧૫ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં અંતે જાગૃત નાગરિકને પ્રધાનમંત્રી કાર્યાલયમાં ઓનલાઇન અરજી કરવાની ફરજ પડી હતી. આમ હવે આગામી દિવસોમાં પ્રધાનમંત્રી કાર્યાલયનાં આદેશ બાદ સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે.