Get The App

ફરાબાદના દરિયાકાંઠે મેન્ગ્રોવ વનસ્પતિનું બેફામ થતું નિકંદન

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
ફરાબાદના દરિયાકાંઠે મેન્ગ્રોવ વનસ્પતિનું બેફામ થતું નિકંદન 1 - image


- મેન્ગ્રોવ સંરક્ષણ અને વિકાસને રાજ્યમાં ઘણું મહત્ત્વ છતાં અધિકારીઓના પાપે તત્ત્વો બેફામ

- ખાડીની જમીન ઉપર બિનઅધિકૃત પાળા બાંધનારા સામે કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં જાહેરહિત્ની અરજી દાખલ કરાશે

રાજુલા : અમરેલી જિલ્લાના જાફરાબાદ ૫થકના દરિયાકાંઠે કુદરતની અદ્ભૂત દેન મેન્ગ્રોવ (ચેર)ના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. તેમ છતાં તંત્ર મુકપ્રક્ષેક બની કુદરતી સંપદાને નુકશાન પહોંચાડનાર સામે પગલા ભરવામાં વામણું પૂરવાર થઈ રહ્યું છે.

જાફરાબાદ પંથકના દરિયાકાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ (ચેર)ના વૃક્ષોથી દરિયાઈ જીવસૃષ્ટિ અને સમુદ્રમાં વસતા જીવોનું રક્ષણ અને સંરક્ષણ કરવા માટે રાજ્ય સરકાર સમયાંતરે જરૂરી નીતિવિષયક નિર્ણયો લેતી રહે છે. હાલમાં વિશ્વના દેશો ગ્લોબલ વોમગની અસરોનો સામનો કરી રહ્યા છે. ત્યારે પર્યાવરણ અને દરિયાકાંઠો બચાવવાનાં ભાગરૂપે દરિયાઇ સુરક્ષા પાળા તરીકે કામ કરતા ચેરના વૃક્ષોનું કેટલાક તત્ત્વો દ્વારા નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. ચેરના ઝાડ માટે અગાઉ થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે પણ આ વૃક્ષોને કાપવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. તેમ છતાં જાફરાબાદમાં હાઈકોર્ટના હુકમ ન ગણકારી મોટા પ્રમાણમાં ચેર નામની વનસ્પતિનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. તેમ છતાં સ્થાનિક વન વિભાગ અને રેવન્યુ વિભાગ સહિતના જવાબદાર અધિકારીઓ હાથ ઉપર હાથ ધરીને બેઠા રહી આવા તત્ત્વો સામે પગલા ભરવામાં ધુ્રજી રહ્યા છે. ત્યારે દરિયાઈ ખાડીની જમીન ઉપર બિનઅધિકૃત પાળા બાંધતા તત્ત્વો ઉપર શું તંત્ર ગંભીરતા દાખવી પગલા લેશે ? તેવા સવાલો ઉભા થયા છે. આ બાબતે સ્થાનિક જાફરાબાદના સામાજિક કાર્યકર અને એડવોકેટ હરેશભાઈ બાંભણિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાર્યવાહી નહીં કરાઈ તો હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવાની તૈયારી દર્શાવી છે.

દરિયાઈ આફતો સામે ઢાલ બનીને રક્ષણ કરતા મેન્ગુ્રવના વૃક્ષો

મેન્ગ્રોવ (ચેર) ઉષ્ણ કટિબંધીય અને પેટા  ઉષ્ણ કટિબંધીય હદના આંતર ભરતી દરિયાઈ વિસ્તારમાં જોવા મળે છે. તે ભરતી-ઓટ સમયે દરિયાના મોજાને આગળ વધતા અટકાવવા અને ભારે સમુદ્રી તોફાનો, જોશીલા જળ પ્રવાહોથી દરિયા કિનારાનું ધોવાણ થતા અટકાવે છે. મેન્ગ્રોવ કુદરતી આફતો જેવી કે દરિયાઈ તોફાન અને સુનામીની અસર સામે રક્ષણ પૂરૂં પાડે છે. સમુદ્રી કિનારાના વિસ્તારો અને આંતર ભરતી દરિયાઇ વિસ્તારમાં મેન્ગ્રોવ વનસ્પતિ સૌથી મહત્ત્વની કાર્બન સિન્કસ (કાર્બન શોષક) પૈકીના એક છે. શિયાળા દરમિયાન આવતા વિદેશી યાયાવર પક્ષીઓ તેના પર આશ્રય લે છે. દરિયાઈ જીવસૃષ્ટિ અને સજીવસૃષ્ટિ આ વનસ્પિતમાં પોતાના ઈંડા મુકી બચ્ચાને ઉછેરે છે.


Google NewsGoogle News