રાળગોન ગામે રૂા. 7.12 લાખના દારૂ સાથે શખ્સ ઝબ્બે, એક ફરાર
- વાડીના રહેણાંક મકાનમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડયો
- દૂરનો માસિયાઈ ભાઈ રૂપિયા વાપરવાની લાલચ આપી બે દિવસ માટે દારૂનો મસમોટો જથ્થો સાચવવા મુકી ગયો, અંગ્રેજી દારૂની 2160 બોટલ, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લેવાયો
બનાવની મળતી વિગત અનુસાર તળાજા તાલુકાના રાળગોન ગામે કેરાળગોણથી દુદાણા તરફના રસ્તે આવેલી સુરેશ શાંતિભાઈ લાધવાની વાડીના રહેણાંક મકાનમાં વિલાયતી દારૂનો મસમોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલીંગમાં રહેલી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી તપાસ કરતા નિરાવ રાખવા માટેના રૂમમાં છુપાવેલી ડેનીમ-૩૦ ગ્રીન વોડકાની ૭૫૦ એમ.એલ.ની ૨,૧૬૦ બોટલ (પેટી નં.૧૮૦) (કિ.રૂા.૭,૧૨,૮૦૦) મળી આવતા એલસીબીએ સુરેશ શાંતિભાઈ લાધવા (રહે, રાળગોન, તા.તળાજા)ની વિદેશી દારૂના મસમોટા જથ્થા, એક મોબાઈલ ફોન, લાઈટબીલ સહિતના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો પાલિતાણાના ઠાડચ ગામે રહેતો તેનો દૂરનો માસિયાઈ ભાઈ આદિત્ય લાભશંકર જોષી નામનો બુટલેગર બે દિવસ પહેલા તેના રહેણાંક મકાને વાપરવાના રૂપિયા આપવાનું કહીં બે દિવસ પૂરતો સાચવી રાખવા માટે મુકી ગયાની કબૂલાત આપી હતી. જેના આધારે એલસીબીએ બન્ને શખ્સ સામે બગદાણા પોલીસમાં પ્રોહિ. એક્ટની કલમ ૬૫ (એ), ૬૫ (લ), ૧૧૬-બી, ૮૧, ૮૩ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.