તમારા જીવની કોઈ કિંમત નથી, રાજકોટની આગમાં અમે મત થકી આપેલો સરકાર પરનો વિશ્વાસ પણ સળગી ગયો

Updated: May 26th, 2024


Google NewsGoogle News
તમારા જીવની કોઈ કિંમત નથી,  રાજકોટની આગમાં અમે મત થકી આપેલો સરકાર પરનો વિશ્વાસ પણ સળગી ગયો 1 - image


આજે રવિવાર છે. રવિવારે તમારે કદાચ રજા હશે. તમારા સંતાનોને વેકેશન ચાલતું હશે અને ઘરે રજાની મજા કરતા હશે. પણ રજા છે એટલે બાળકોને લઈને કોઈ થિએટર, કોઈ મોલ કે કોઈ ગેમઝોનમાં જવાનું વિચારતા હોવ તો જરાક ઊભા રહેજો. બે વખત વિચારજો. કારણ કે હવે એ સાબિત થઈ ગયું છે કે તમારા જીવની કોઈને ચિંતા નથી. તમારા જીવની ચિંતા તમારે પોતાને જ કરવી પડશે. તમારા સ્વજનોની ચિંતા પણ માત્ર અને માત્ર તમારે જ કરવાની છે. કોઈ તંત્ર નથી, કોઈ રખેવાળ નથી, કોઈ પૂછવાવાળું નથી. જૉ હોત તો એકાદ ઘટના બન્યા પછી વારંવાર આવી ઘટનાઓ ન બની હોત. ભૂલ થઈ શકે. તંત્રમાં, વ્યવસ્થામાં ખામી હોય શકે. પણ ભૂલ કે ખામી તો સુધારી શકાય ને. આ હવે સ્વભાવ થઈ ગયો છે. 

રાજકોટનાં ગેમઝોનમાં આગ લાગી. 32 લોકો ભુંજાઈને ભડથું થઈ ગયા. મૃતકોને વળતરના વાયદા થઈ ગયા અને તપાસ સમિતિઓની રચના પણ થઈ ગઈ. હંમેશની જેમ તંત્રને ભરી ભરીને ગાળો અપાઈ ગઈ. પણ આ તંત્ર કોણ છે? એ તો ડીફાઈન કરવું પડશે ને? તંત્ર કોઈ ભૂત છે? તંત્રનું અંગ્રેજી ભાષાંતર થાય સિસ્ટમ. ક્યાં છે સિસ્ટમ? કોઈ સિસ્ટમ હોય તો આવી ઘટનાઓ વારંવાર બને? હું ફરીથી કહું છું કોઈ તંત્ર નથી, કોઈ રખેવાળ નથી. અને જો હોય તો સ્પષ્ટ બોલવું જોઈએ કે તંત્ર એટલે સરકારી એજન્સીઓ. તંત્ર એટલે મ્યુનસિપાલિટી, કોર્પોરેશન. એમાં કામ કરતા કર્મચારીઓ અને આપણે ચુંટીને મોકલેલા નેતાઓ. હા, શરમ નહીં રાખવાની, સાચું બોલવાનું. તંત્ર એટલે સરકાર પણ. જેની જવાબદારી છે દેશનાં નાગરિકો સ્વસ્થ અને સુરક્ષિત રહે. 

 નેતાઓ પરથી યાદ આવ્યું. ભાજપનાં એક ધારાસભ્યને કાલે મીડીયાએ સવાલ પૂછ્યો તો એ હસતા હતા. શું એમનો પોતાનો દીકરો એ આગમાં જીવતો સળગી ગયો હોત તો પણ એ હસતા હોત? એવું લાગે છે કે અમુક લોકો માટે મોત પણ મજાક બની ગયું છે. 

વિદેશ જતા રહેતા ઘણા યુવાનો આ કારણ પણ આપે છે. હા, દુનિયાનાં વિકસિત દેશોમાં પણ આવી ઘટનાઓ બને છે. એવું નથી કે ત્યાં બધું એકદમ સરસ જ હોય છે. પણ આટલી બધી વખત? પોતાને વિકસિત દેશનાં વિકસિત રાજ્ય ગણાવતા ગુજરાતમાં એક પછી એક એક પછી એક એવી ઘટનાઓ બનતી જ જાય છે. આ છે વિકાસ મોડલ? આ ડેવલપમેન્ટનું મોડલ છે કે ડિસ્ટ્રક્શનનું? 

ચૂંટણીમાં તમને કાલ્પનિક શત્રુઓનો ભય બતાવવામાં આવે છે. એ શત્રુઓથી તમને બચાવી લેવાનાં વાયદા કરવામાં આવે છે. પણ ખરેખર તમારા જીવનાં છુપા દુશ્મનો તમારી સામે જ હોય છે. જે NOC વગરના કોઈ બાંધકામને ચાલવા દે છે. અથવા તો યોગ્ય ચકાસણી વગર NOC આપી દે છે. જે નબળી ગુણવત્તાની દવાઓ વેચે છે અને વેચવા દે છે. જે કટકી અને હપ્તાઓ ખાઈને લોલમલોલ ચાલવા દે છે. 

વિદેશમાં ચાલતા યુદ્ધમાંથી લોકોને બચાવી લેવાના દાવા થાય છે. અહીં ઘરમાં આગ લાગે બાળકોને બચાવી નથી શકાતા. ભડભડ બળતાં બાળકોની ચીસો, એમની માતાઓનું આક્રંદ નથી સંભળાતું. નેતાજી કહે છે, 'હવે એમાં તો હું શું કરું.' અરે શું કરું શું. હવે એ પણ અમે શીખવાડીએ? કાલે જ નીકળો એસી ચેમ્બરની બહાર. તપાસ કરો કે કયાંય NOC વગરનું નિર્માણ તો નથી ને. એનાં સંબંધિત એજન્સીઓને દોડાવો. ચેક કરો કે મારા મતવિસ્તારનાં લોકો ડહોળું/ ગંદુ પાણી તો નથી પી રહ્યા ને ? જ્યાં ક્ષતિ હોય ત્યાં બરડા ફાટી જાય એવો દંડ કરો. બાળકોનો અભ્યાસક્રમ બદલવાની બહુ ખુજલી હોય તો એમાં એટલું એડ કરાવો કે લાઈફ જેકેટ પહેર્યા વગર ખુદ પેરેન્ટ્સ કહે તો પણ બોટમાં નહીં બેસવાનું. નાગરિકોને સાચું શિક્ષણ મળે અને બચાવ માટે પ્રશિક્ષણ મળે એવી વ્યવસ્થા કરો. તક્ષશિલાથી લઇ મોરબીથી લઇ હરણી સુધીની ઘટનાઓના ગુનેગારોને એવી સજા કરો કે કોઈ ઍવી ભૂલ કરતા પહેલા કાંપી ઉઠે. એમને જામીન મેળવીને બિન્દાસ્ત ફરતા અને તમારી આબરૂ લૂંટતા અટકાવો. અરે સારું છે કોઈ ચુંટણી નજીકમાં નથી. બાકી આમાંથી એકાદ ગુનેગાર તો ચુંટણી ફંડ જમાં કરાવીને આરોપનામાંમાથી નામ ગાયબ કરાવી દેત. અને જો બધું જાહેર થઈ જ ગયું હોત તો થોડા વધારે રૂપિયાનો ચાંદલો લખાવીને તપાસમાં ગલ્લા તલ્લા કરાવી દેત. 

એટલે જ કહું છું. તમારા જીવની ચિંતા તમારે જ કરવાની છે. તમે સજાગ રહો. સવાલ પૂછો. અહીં લાઇફ જેકેટ કેમ નથી? અહીં ફાયર સેફ્ટી છે કે નહીં? કેમ કે જો આપણે સવાલ નહીં પૂછીએ ને, તો બીજું તો કોઈ નથી. કોઈ અમિરઝાદો કચડીને જતો રહેશે, કોઈ બોગસ બ્રિજ તુટી પડશે, કોઈ ગેરકાયદેસર હોર્ડિંગ ધરાશાયી થશે, કોઈ NOC વગરનું નિર્માણ સળગી જશે... 4 લાખનું વળતર જાહેર થશે. આટલી જ કિંમત છે આપણા જીવની. કિંમત વધારે એની હોય જે રેર હોય. જેની તંગી હોય. અછત હોય ને તો કદર વધારે થાય. પણ જેનું અબન્ડન્સ હોય, જ્યારે વસ્તુ પુષ્કળ હોય ને ત્યારે કદર ન હોય. પથ્થરોની જેમ એની કોઈ કિંમત ન હોય. કમનસીબે આ દેશમાં માણસો પુષ્કળ છે. 


Google NewsGoogle News