રાજકોટ જળબંબોળઃ માર્ગો પર તળાવ વાહનો ફસાવાથી ઠેર- ઠેર ટ્રાફિકજામ
મનપાનાં પાપે ફરી હેરાનગતિ ભોગવવી પડયાનો શહેરમાં ધૂંધવાટ
મહિલા કોલેજ અન્ડર પાસ બંધ કરાયો, પોપટપરા નાલું પણ નકામું ઃ દોઢ- સો ફૂટ રિંગ રોડ પાણી- પાણી
જૂના રાજકોટમાં એક તરફ જ્યાં મીલપરા, લક્ષ્મીનગર, વિજય પ્લોટ, પ્રહલાદ પ્લોટ, કેનાલ રોડ
આસપાસનો વિસ્તાર, પેલેસ
રોડ તરફની શેરીઓ, મનગર
પ્લોટ, રામકૃષ્ણ
નગર (વેસ્ટ) વગેરે સ્થળે નીચાણવાળા માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા ત્યાં રેલવે
સ્ટેશન નજીકના વિસ્તારોની તો માઠી થઈ ગઈ હતી. પોપટપરા અન્ડર બ્રિજમાં પાણીનો ભરાવો
થઈ પડતાં જેલથી પોપટપરા, રેલનગર
રસ્તો બંધ થઈ ગયો હતો. દોઢ- સોફૂટ રિંગ રોડ- ગાંધીગ્રામ- ભોમેશ્વર પ્લોટ તરફથી
આવતાં પાણીને લીધે પોપટપરા નાલાંમાં પૂર જેવી હાલત થતાં બેરિકેડ લગાવીને વાહનોની
અવરજવર રોકાવડાવી દેવી પડી હતી. શાસ્ત્રીનગર સામે કેટલાંક મકાનોમાં પાણી ઘૂસી ગયું
હતું.
શહેરના ભદ્ર વિસ્તારો એવા ઈન્દ્રપ્રસ્થ નગર, પંચવટી પ્લોટ, અમીન માર્ગ પર પણ
ગોઠણડૂબ પાણીને લીધે આખો દિવસ વાહન વ્યવહાર ખોડંગાતો ચાલ્યો અને નાનાં- મોટાં
સંખ્યાબંધ વાહનો બંધ પડી ગયા હતા. એસ્ટ્રોન નાલાં પાસે ભારે ટ્રાફિક થઈ પડયો હતો.
મહિલા કોલેજ અન્ડર પાસમાંથી પાણીનો નિકાલ થતો નહોતો છતાં મનપા કે પોલીસે કોટેચા
ચોક અને એલઆઈસી પાસેથી જ વાહનોને અનુક્રમે સોરાષ્ટ્ર હાઈસ્કૂલ તથા કિસાનપરા ચોક
તરફ ડાયવર્ટ કરાવી દેવાની તસદી ન લેતાં ઓટો રિક્ષાથી માંડીને એસટી બસ, સિટી બસ પણ અન્ડર
પાસમાં ફસાઈ ગયા હતા, તેમજ છેક
બ્રિજના છેડા સુધી પહોંચ્યા પછી મોટાં વાહનોને પાછાં વાળવાનો કોઈ વિકલ્પ ખુલ્લો
રહેતો નહોતો તેથી ટ્રાફિકજામ થઈ ગયો હતો.
બીજી તરફ, નવાં રાજકોટની પણ અવદશા થઈ જવા પામી હતી. પ્રેમ મંદિર, રવિ પાર્ક, લોટસ એવન્યુ તરફના માર્ગ પાણી- પાણી થઈ ગયા હતા. દોઢ- સો ફૂટ રિંગ રોડ પર તો પાણીની સતત આવક વચ્ચે મુખ્ય માર્ગ જ નદી બની જતાં વાહનોને બીઆરટી ટ્રેક પરથી હંકારવાની ફરજ પડી હતી અને વિશાળ- લાંબા માર્ગ પર ભારે ટ્રાફિકજામ થતો રહ્યો હતો. જામનગર, મોરબી, અમદાવાદ તરફથી આવતાં વાહનોને માધાપર ચોકડી તરફથી શહેરમાં જવા માટે દોઢ- સો ફૂટ રિંગ રોડ પર પ્રવેશવા દઈ શકાય તેમ ન હોવાથી અને સિવિલ હોસ્પિટલ તરફના માર્ગે સાંઢિયા પુલ હાલ બંધ હોવાથી ફરી- ફરીને નવા રિંગ રોડ પરથી શહેરમાં આવવું પડયું હતું. માધાપર ચોકડી ખાતે ટ્રાફિક ક્લિયર કરાવતા પોલીસનાં નાકે દમ આવી ગયો હતો. નવા રિંગ રોડ પર ટ્રાફિક વધી ગયો હતો અને અટલ સરોવર તેમજ સ્માર્ટ સિટી ફરતે પણ જળબંબાકાર થઈ જતાં વાહનચાલકો વૈકલ્પિક માર્ગ કાઢવામાં હેરાન થઈ પડયા હતા. ભારે વરસાદને કારણે મહાપાલિકાએ આજે રાતે સોરઢિયાવાડી વિસ્તારમાં આયોજિત લોકડાયરો રદ્દ કર્યો હતો.