રાજકોટ અગ્નિકાંડ : ભાવનગરના એડવોકેટનું મોત, અન્ય યુવાન લાપતા
- ડીએનએના આધારે ભાવનગરના મૃતક યુવાન એડવોકેટની ઓળખ થઈ
- યુવાનના મૃતદેહને ભાવનગર લવાયો : સમગ્ર પંથક આઘાત અને શોકમાં ગરકાવ, ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો જેસરના રબારીકા ગામનો યુવાન હજુ લાપતા
સરકારી તંત્ર પાસેથી મળતી વિગતો અનુસાર, રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટેલ પાસે બનેલા ટીઆરપી ગેમઝોનમાં ગત શનિવારે સાંજના સમયે અગ્નિકાંડની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી, જેમાં બાળકો સહિત ર૮ લોકો ભડથું થઈ જતા અરેરાટી મચી જવા પામી હતી. મૃતકોની ઓળખ થાય તેમ ન હોવાથી તેઓના ડીએનએના આધારે મૃતકની ઓળખ કરવામાં આવી રહી છે. આ ગેમ ઝોનમાં ભાવનગર શહેર અને જિલ્લાના બે યુવાન હતા, જેમાં વકીલ ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (આશરે ઉ. ૩૪ રહે. શાંતીનગર, કાળીયાબીડ, ભાવનગર) અને કલ્પેશ પ્રવીણભાઈ બગડા (આશરે ઉ. ર૦ રહે. રબારીકા ગામ, તા. જેસર, જિ. ભાવનગર)નો સમાવેશ થાય છે. આ બંને યુવાનનો સંપર્ક નહીં થતા તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં ઓમદેવસિંહ ગોહિલના મૃતદેહની ડીએનએના આધારે ઓળખ થઈ હતી. સમગ્ર પંથક આઘાત અને શોકમાં ગરકાવ થઇ ગયેલ છે. રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં મૃતક ઓમદેવસિંહ સહિત તેના પાંચ સગા-સંબંધીઓના પણ મૃત્યુ થયા હોવાનુ સુત્રો પાસેથી જાણવા મળેલ છે. ઓમદેવસિંહના મૃતદેહને આજે સોમવારે સાંજે ૮.૩૦ કલાકે ભાવનગર તેના ઘરે લાવવામાં આવ્યો હતો.
જેસર તાલુકાના રબારીકા ગામના કલ્પેશ બગડા ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતા હતા અને તેઓ હાલ રાજકોટ ખાતે રહેતા હતા પરંતુ તેઓનો પણ સંપર્ક થતો નથી તેમ ભાવનગર જિલ્લા કલેક્ટરના ડિઝાસ્ટર વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે અને લોકો સરકારની ટીકા કરી રહ્યા છે. આ ઘટનાના જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.