પ્રિ-મોનસૂન એક્ટિવિટિને પગલે ભાવનગરમાં વરસાદની આગાહી
- શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની હાજરીથી ગરમીમાં રાહત
- મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી ઘટયું, રાતનું તાપમાન 29.6 ડિગ્રીએ સ્થિર રહ્યું, 5 દિવસમાં 3.5 ડિગ્રી તાપમાન ઘટયું
ઉનાળાની વિદાયની સાથે ચોમાસાના આગમનની તૈયારી વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટિના પગલે ભાવનગરમાં આગામી ૮મી જુનને શનિવારથી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આમ તો ભાવનગરમાં જુનના અંત કે જુલાઈના પ્રારંભથી વિધિવત્ ચોમાસું બેસે છે પરંતુ પ્રિ-મોનસૂન એક્ટિવિટિને પગલે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઋતુ પરિવર્તનની પરિસ્થિતિ વચ્ચે આજે ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની હાજરીથી ગરમીમાં રાહત મળી હતી. છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાન ૧.૪ ડિગ્રીના ઘટાડા સાથે ૩૭.૪ ડિગ્રી નોંધાયું છે તથા લઘુતમ તાપમાન આજે પણ ૨૯.૬ ડિગ્રીએ સ્થિર રહ્યું છે. ભાવનગરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા હતું જે દિવસ દરમિયાન ઘટીને ૫૦ ટકા રહ્યું હતું. જ્યારે સવારે પવનની ગતિ ૧૦ કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી જે દિવસ દરમિયાન વધીને ૩૦ કિમી પ્રતિ કલાકની રહી હતી. ગઈકાલે મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૯.૬ ડિગ્રી નોંધાયું હતું. ૧લી જુનથી છેલ્લા પાંચ દિવસોમાં ગરમીનો પારો ૩.૫ ડિગ્રી સુધી ગગડયો છે. ૧લી જુને મહત્તમ તાપમાન ૪૦.૯ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮.૬ ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો ૪૦ ડિગ્રીની નીચે જ રહ્યો છે અને બીજી તરફ હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે આગામી દિવસોમાં તાપમાન ઘટવાની સંભાવના છે.
છેલ્લા 5 દિવસનું ભાવનગરનું તાપમાન
તારીખ |
મહત્તમ |
લઘુતમ |
૦૧-૦૬ |
૪૦.૯ |
૨૮.૬ |
૦૨-૦૬ |
૩૭.૫ |
૨૭.૬ |
૦૩-૦૬ |
૩૮.૨ |
૩૦ |
૦૪-૦૬ |
૩૮.૯ |
૨૯.૬ |
૦૫-૦૬ |
૩૭.૪ |
૨૯.૬ |