વરસાદ ઇફેક્ટ : ભાવનગર શહેર અને જિલ્લામાં અઢી ગણી વધારે વીજ ફોલ્ટની ફરિયાદો
- છેલ્લા 48 કલાક માં 600 થી વધારે વીજ ફોલ્ટની ફરિયાદો ઉઠી, ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ
- ભાવનગર શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ સાથે પવનના લીધે સામાન્ય દિવસોની સરખામણીએ ગુરૂવારે વીજ કચેરીના ફોન સતત રણકતા રહ્યા
નૈત્યનું ચોમાસું પાછું ખેંચાતા ભાવનગર સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને અનુરૂપ ગુરુવારે ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બુધવારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ ગુરુવારે મોડી રાત સુધી વરસતા સામાન્ય જનજીવન પર પણ તેની અસર જોવા મળી હતી. વરસાદના પગલે શહેર જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તા પર પાણી ભરાયાં હતા. આ ઉપરાંત વરસાદની સ્થિતિને લીધે શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. વરસાદની સ્થિતિને પગલે પીજીવીસીએલને સામાન્ય દિવસોની સરખામણીએ ગુરુવારના દિવસે વીજ ફોલ્ટ અઢી ગણી વધારે ફરિયાદો મળી હતી. શહેર જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદના લીધે સામાન્ય દિવસોની સરખામણીએ ગુરુવારે વીજ કચેરીના ફોન સતત રણકતા રહ્યા હતા. છેલ્લા ૪૮ કલાક માં પીજીવીસીએલને ૬૦૦ થી વધારે ફરિયાદો મળી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયા અંગેની ફરિયાદો સૌથી વધારે હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વીજલાઈન પર વૃક્ષો પાડવા, ફ્યુજ બળી જવાથી વીજ ફોલ્ટ સર્જાયાની ફરિયાદો મળી હતી. જ્યારે બીજી તરફ ભાવનગર શહેરમાં પણ વરસાદી વાતાવરણના લીધે જુદા-જુદા વિસ્તારોમાં વારે વારે વીજ પુરવઠો ખોરવાયો હતી અને તેના લીધે સામાન્ય લોકોને મુશ્કેલી વેઠવી પડી હતી. વરસાદી માહોલમાં વીજ ધાંધિયાથી પરેશાન લોકો સોશ્યલ મીડિયા પર વીજ કંપની સામે રોષ ઠાલવતા જોવા મળ્યા હતા. વીજતંત્ર પાસેથી મળેલા આંકડાઓ અનુસાર ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં પીજીવીસીએલને ૬૬૫ વીજ ફોલ્ટની ફરિયાદ મળી હતી. જેમાંથી ૪૮૫ ફરિયાદો તો માત્ર ગુરુવારે એક દિવસમાં જ મળી હતી એટલે કે ગુરુવારના દિવસે દર ત્રણ મિનિટે એક વીજફોલ્ટની ફરિયાદ પીજીવીસીએલના કોલ સેન્ટર કે કચેરીને મળતી હતી. આમ, ગુરુવારનો દિવસ પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટર માટે ભારે વ્યસ્ત દિવસ રહ્યો હતો. જોકે વીજતંત્ર દ્વારા આ બધી જ ફરિયાદોનું નિવારણ લાવી દેવાયું હતું. ગુરુવારે એક દિવસ બાદ આજે શુક્રવારે વીજ ફોલ્ટની ફરિયાદો સામાન્ય દિવસો જેટલી થઈ જતાં વીજતંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.