પીડબલ્યુડી, અશક્ત, સગર્ભા મતદારોને પીક-અપ, ડ્રોપ કરવા 140 કોલ મળ્યા
- લોકસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન કંટ્રોલ રૂમને
- જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમ દ્વારા વાહન વ્યવસ્થા પૂરી પાડવા કાર્યવાહી કરાઈ
આકાશમાંથી અગનજ્વાળાઓ વરસતી હોય અને આકરી ગરમી હોય તો પણ પીડબલ્યુડી (દિવ્યાંગ) મતદારો, અશક્ત મતદારો અને સગર્ભા મતદારો મતદાન કરી લોકશાહીનું મહાપર્વ ઉજવી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા આપવાનો નિર્ણય લેવાયો હતો. જે મુજબ પીડબલ્યુડી અને અશક્ત મતદારોને મદદ માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો હતો.
દરમિયાનમાં, આજે લોકસભાની ચૂંટણીમાં મતદાન દરમિયાન કંટ્રોલ રૂમને પીક-અપ અને ડ્રોપ માટે ૧૪૦ કોલ મળ્યા હતા. જેમાં મહુવા વિધાનસભા મત વિભાગમાં આવતા વિસ્તારોમાંથી ૧૦, તળાજા વિધાનસભા મત વિભાગમાં ૨૦, ગારિયાધાર મત વિભાગમાં ૧૬, પાલિતાણા મત વિભાગમાં ૧૨, ભાવનગર ગ્રામ્ય મત વિભાગમાં ૩૪, ભાવનગર પૂર્વ મત વિભાગમાં ૧૮ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિભાગમાં ૩૦ કોલનો સમાવેશ થાય છે. જેને અનુલક્ષીને ચૂંટણી તંત્ર દ્વારા પીડબલ્યુડી, અશક્ત અને સગર્ભા મતદારો માટે વાહન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. તેમ વર્તુળોએ જણાવ્યું હતું.
6 મૂક-બધિર મતદારને વીડિયો કોલ દ્વારા સમજ અપાઈ
મૂક-બધિર મતદારને મદદરૂપ થઈ શકાય તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમમાં બે સ્પેશિયલ ટીચરની નિમણૂક કરવામાં આવેલ હતી. તેઓ દ્વારા ૬ મૂક-બધિર મતદારને વીડિયો કોલ કરી સાઈન લેંગ્વેજ દ્વારા મતદાન કરવા માટે આવશ્યક આધાર અંગેની સમજ અપાઈ હતી. તેમ વર્તુળોએ ઉમેર્યું હતું.