mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ભાવનગર-અલંગ યાર્ડ-મહુવાને જોડતી રેલવે યોજના અમલમાં મૂકવા રજૂઆત

Updated: Jun 25th, 2024

ભાવનગર-અલંગ યાર્ડ-મહુવાને જોડતી રેલવે યોજના અમલમાં મૂકવા રજૂઆત 1 - image


- કેન્દ્રએ વર્ષ 2022-23 ના બજેટમાં રૂા. 5000 કરોડની જાહેરાત કરી છે ત્યારે

- આલ્કોક એશડાઉન પુનઃ કાર્યરત કરવા, શહેર-જિલ્લાને બે-ત્રણ મોટા ઉદ્યોગ ફાળવવાની રજૂઆત કરતા ભાજપ અગ્રણી

ભાવનગર : કેન્દ્રએ વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં રૂા. ૫૦૦૦ કરોડની જાહેરાત કરી છે ત્યારે સાગળમાળા અંતર્ગત ભાવનગર, ઘોઘા, અલંગ શિપ યાર્ડ, ગોપનાથ, તળાજા અને  મહુવાને જોડતી રેલવે યોજના અમલમાં મૂકવાની રજૂઆત કરવામાં આવેલ છે. 

ભાવનગરના વિકાસ માટે જરૂરી જુદીજુદી માગણી અંગે વડાપ્રધાન, રાજ્યના મુખ્યમંત્રી, કેન્દ્રિય ગૃહમંત્રી અને રેલવે મંત્રીને વિસ્તૃત રજૂઆત કરતા જિલ્લા ભાજપ અગ્રણી અને વંદે માતરમ્ સેવા સંઘના પ્રમુખ કિશોરભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, ડીએમઆઈસી સાગરમાળાનો ૨૦૧૮ના રેલવે બજેટમાં ભાવનગર, અધેલાઈ, ધોલેરા, ખંભાત, ભરૂચનો સમાવેશ હોય તે ઝડપી અમલી થાય તેવું ભાવનગર મહારાજાનું સ્વપ્ન હતું અને ભાવનગરની જનતાની પ્રબળ આકાંક્ષા છે તે ઝડપભેર સાકાર થાય તે જરૂરી છે. 

 ભાવનગર, તળાજા, મહુવા (બી.એમ.ટી.) નેરોગેજ રેલવે યોજના વર્ષ ૧૯૮૩-૮૪માં બંધ કરી દેવાતાભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા સુધીના તાલુકા રેલવે સુવિધાથી વંચિત છે. જે સાગરમાળા અંતર્ગત ભાવનગર, ઘોઘા, અલંગ શિપ યાર્ડ, ગોપનાથ, તળાજા, મહુવા, સોમનાથ સુધી રેલવે સુવિધા પ્રદાન થાય તે માટે બજેટ વર્ષ ૨૦૨૨-૨૩માં ભારત સરકારે રૂા. ૫૦૦૦ કરોડ બંદરગાહ માટે જાહેરાત કરી હતી તે અમલી બને તે જરૂરી છે.  આ ઝડપથી થાય તે એટલા માટે આવશ્યક છે કારણ કે, આ તાલુકા ખેતી પેદાશ સમૃદ્ધ છે અને એશિયાનું પ્રથમ શિપ યાર્ડ રેલવે યોજનાથી નવી ક્ષિતિજો સાથે રેલવેથી સ્થિર વિકાસને નવો આયામ મળે તેમ છે. આ રેલવે લાઈનથી દરિયાકિનારે આવેલ પવિત્ર યાત્રાધામો કુડાગીરી, નિષ્કલંક મહાદેવ, મોટા ગોપનાથ, મહુવામાં ભવાની મંદિર, સોમનાથ મહાદેવ મંદિર દર્શનનો યાત્રીઓને મોટી સંખ્યામાં લાભ મળી શકશે. 

 રજૂઆતમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, બોટાદ, પાળિયાદ, જસદણ, ગોંડલ રેલવે યોજના જે વર્ષ ૧૯૮૩-૮૪માં બંધ થઈ તે પુનઃ શરૂ કરવી જોઈએ. એ જ રીતે ભાવનગરમાં જૂના બંદર રોડ પર આવેલ આલ્કોક એશડાઉન કંપની જે નેવી, પ્રવાસી બોટ, વેસેલના નિર્માણ માટે પ્રખ્યાત હતી. ગુજરાત સરકાર હસ્તકની આ કંપનીમાં સમયાંતરે આશરે ૩૦૦ કર્મચારીઓ કરતા હતા. આ એકમ ઓર્ડર હોવા છતાં વર્ષ ૨૦૧૮માં બંધ કરવામાં આવ્યું હતું તેને ભારત સરકાર પુનઃ કાર્યરત કરે તેવી માગ કરી છે. 

 આ ઉપરાંત, ભાવનગર શહેર-જિલ્લાને બે-ત્રણ મોટા ઉદ્યોગો ફાળવાય, ભાવનગરને મરિન યુનિવર્સિટી ફાળવવામાં આવે અને કલા-સંસ્કૃતિનું નગર હોય ટીવી દૂરદર્શનનું કેન્દ્ર મળે તેવી પણ રજૂઆતમાં તેમણે ભારપૂર્વક માગ કરી છે.

Gujarat