આરટીઓ કચેરીમાં અનઅધિકૃત્ત વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિંબધ : જાહેરનામું પ્રસિદ્ધ
- અરજદારોને છેતરતી ટોળકી સક્રિય થયાની ફરિયાદના આધારે કાર્યવાહી
- સરકારી કામ આવતાં વાહનચાલકો, અરજદારો સિવાયના લોકો કચેરીમાં પ્રવેશ કરી શકશે નહીં
ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટે્રેટે તા.૨૦ સપ્ટેમ્બરની અસરથી અમલી બને તે રીતે બહાર પાડેલાં જાહેરનામામાં વિગતે જણાવ્યું કે,ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર (આર.ટી.ઓ.)કચેરી ખાતે રોજ મોટા પ્રમાણમાં જાહેર જનતા પોતાના કામ માટે આવતી હોય છે.તાજેતરમાં કચેરીની આસપાસ તથા નજીકના સ્થળે કેટલાક ઈસમો એકલા અથવા ટોળી બનાવીને અરજદારોને કામ કરી આપવાની લાલચ આપી તેમની સાથે છેતરપીંડી આચરતાં હોવાની અથવા તો ગેરકાયદેસરની પ્રવૃતિઓ કરી ઉલટી-સીધી વાતો કરી ભોળવી ગેરકાયદે પ્રવૃતિ કરતાં હોવાની ફરિયાદો તંત્રને મળી હતી. આ તકે, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ પણ પત્ર લખી જાહેર જનતા ગેરમાર્ગે ન દોરાય તે હેતુથી જાહેરનામું બહાર પાડવા રજૂઆત કરી હતી. જેના આધારે ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.)માં પોતાના સરકારી કામ માટે આવતાં વાહનચાલકો, અરજદારોે સિવાયના અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળીના કચેરીમાં પ્રવેશ પર જાહેરનામાં મારફતે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. તેમ પણ જાહેરનામાંમાં જણાવાયું છે.