સિહોરની કંસારા બજારમાં પેવર બ્લોક તૂટીને ઉખડી જતા મુશ્કેલી
- ખાડા-ખાબોચિયાના કારણે ગંદકીનું સામ્રાજ્ય
- ભાજપ-કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ પાંચ વર્ષ સુધી શાસન કર્યું છતાં બ્લોકના કામ કરવામાં કોઈએ રસ ન લીધો, પાલિકાની ચૂંટણીમાં મતદારો જવાબ આપશે
સિહોર શહેર વોર્ડ નં.૮માં આવેલ કંસારી બજાર વિસ્તારમાં મુખ્ય બજાર અને રહેણાંક વિસ્તાર આવેલો છે. અહીં માજી સભ્ય મહેશભાઈ લાલાણીએ સાત-આઠ વર્ષ પૂર્વે પેવર બ્લોક નખાવ્યા બાદ સમય જતાં પેવર બ્લોક તૂટી જતાં આખી બજારમાં ખાડા પડી ગયા છે. જેના કારણે વેપારીઓ-મજૂરો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત હનુમાન ધારા મંદિરે દર્શનાર્થે જતાં શ્રધ્ધાળુઓને પણ ખાડામાં પાણી ભરાઈ રહેવાથી ગંદકીનું સામ્રાજ્ય રહેતું હોય, ગંદકીમાંથી ફરજીયાત પસાર થવું પડે છે. ગળિયારાવાસથી સુરકાના દરવાજા સુધી ગટરના કાયમી પાણી ભરાઈ રહેતા હોવાથી લોકોને મોઢે ડૂંચો દઈને પસાર થવું પડે છે. ઘણાં સમયથી સમસ્યાઓ હોવા છતાં પણ કોંગ્રેસ-ભાજપના ચૂંટાયેલા સભ્યોએ પ્રશ્નનો હલ કરવામાં કંઈ ઉકાળ્યું ન હતું. જેના કારણે લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સિહોર નગરપાલિકામાં પાંચ વર્ષનું શાસન પૂરૂ થયું અને વહીવટી શાસન આવી ગયું છે, ત્યારે આગામી ચૂંટણીમાં આ મુદ્દે ભાજપ-કોંગ્રેસ પક્ષના સભ્યોના મત ઉપર તેની ચોક્કસથી અસર પડશે તેવું નાગરિકો અને વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે.