Get The App

ભાવનગરમાં ખાનગી શાળાઓના રૂ. 5 કરોડના બાકી વેરાના મામલે સવાલો ઉઠયા

Updated: Sep 23rd, 2022


Google NewsGoogle News
ભાવનગરમાં ખાનગી શાળાઓના રૂ. 5 કરોડના બાકી વેરાના મામલે સવાલો ઉઠયા 1 - image


- મહાપાલિકાની સાધારણ સભામાં 7 ઠરાવ સર્વાનુમતે મંજુર 

- શાસક સભ્યોએ આંગણવાડી, નંદ ઘર અંગેના સવાલો વારંવાર પુછતા વિપક્ષે વાહીયાત સવાલ કરી સમય પસાર ના કરો તેમ કહેતા દેકારો મચ્યો 

ભાવનગર : ભાવનગર શહેરમાં ખાનગી શાળાઓના રૂ. પ કરોડના બાકી વેરાના મામલે આજે ગુરૂવારે મહાપાલિકાની સાધારણ સભામાં વિપક્ષે સવાલ ઉઠાવ્યા હતા અને શાસક પક્ષને ભીંસમાં લીધો હતો. શાસક સભ્યોએ આંગણવાડી, નંદ ઘર અંગેના સવાલો વારંવાર પુછતા વિપક્ષે વાહીયાત સવાલ કરી સમય પસાર ના કરો તેમ કહેતા દેકારો મચ્યો હતો. મહાપાલિકાની સાધારણ સભામાં ૭ ઠરાવ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતાં. 

મહાપાલિકાની સાધારણ સભા આજે ગુરૂવારે મેયરના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં શરૂઆતમાં પ્રશ્નોત્તરીના એક કલાક દરમિયાન આંગણવાડી, નંદ ઘરની ચર્ચા ચાલી હતી અને શાસક તેમજ વિપક્ષના કેટલાક સભ્યોએ સવાલો ઉઠાવી માહિતી મેળવી હતી. પ્રશ્નોત્તરીમાં મોટાભાગે વિપક્ષના સભ્યો સવાલ કરી શાસક ભાજપ તેમજ અધિકારીઓને ભીંસમાં લેતા હોય છે પરંતુ છેલ્લી બે સામાન્ય સભાથી ભાજપના સભ્યો સવાલ ઉઠાવી રહ્યા છે. આજે આંગણવાડી અને નંદ ઘરના સવાલો ઉઠાવી શાસક ભાજપના સભ્યોએ એક કલાકનો સમય પૂર્ણ કરતા વિપક્ષના નગરસેવક જયદિપસિંહ ગોહિલ રોષે ભરાયા હતા અને વાહીયાત સવાલો કરી સમય પસાર ના કરો, ભાવનગરના અગત્યના પ્રશ્નોની ચર્ચાથી ડરો છો તેમ કહેતા ભાજપના સભ્યોએ દેકારો મચાવ્યો હતો. થોડીવાર સામસામે ગંભીર આક્ષેપ થયા હતા અને લોકોની ચિંતા કરી છીએ તેથી પ્રશ્ન ઉઠાવીએ છીએ તેમ ભાજપના સભ્યોએ જણાવ્યુ હતું. આંગણવાડી, નંદ ઘરના પ્રશ્ને તત્કાલ યોગ્ય પગલા લેવા મેયરે અધિકારીઓને જણાવ્યુ હતું.  

મનપાની પ્રશ્નોત્તરીમાં સવાલ ઉઠાવવાનો વારો નહી આવતા વિપક્ષના નગરસેવક જયદિપસિંહે રહેણાંકીય લીઝપટ્ટાના ઠરાવ દરમિયાન કેટલો વેરો અરજદારે ભર્યો છે તેમ કહી તેઓએ ખાનગી શાળાના વેરાનો પ્રશ્ન રજુ કર્યો હતો. નાના માણસોને રૂ. પ હજારના વેરા ભરાવવામાં આવે છે અને વેરો ના ભરે તો મનપા મિલ્કત સીલ મારી દે છે, જયારે ખાનગી શાળાઓના રૂ. પ કરોડના વેરા બાકી છે છતા કડક પગલા લેવામાં આવતા નથી. ફેકટર ફેરવી શાળાઓનો દોઢ કરોડનો વેરો ઓછો કરવામાં આવ્યો છે છતા ઘણી શાળાઓના મોટા વેરા બાકી છે. શાળાઓને શુ કામ છાવરવામાં આવે છે ?. કેમ કડક પગલા લેવામાં આવતા નથી ?. શાળાઓ પાસેથી વેરા ઉઘરાવી આંગણવાડી, નંદ ઘર સારા બનાવો. શિક્ષણ મંત્રી ભાવનગરના છે ત્યારે વિદ્યાર્થીઓની ફી ઘટાડી તેમ વિપક્ષ નેતાએ જણાવ્યુ હતું. આ અંગે જવાબ આપતા અધિકારીએ જણાવ્યુ હતુ કે, વેરાના મામલે કેટલીક શાળાઓના કોર્ટ કેસ ચાલે છે તેથી વેરા બાકી છે. અન્ય શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મનપાની સાધારણ સભામાં ૭ ઠરાવને સર્વાનુમતે મંજુર કરી દેવામાં આવ્યા હતાં. સ્પોર્ટસ કાર્નિવલમાં અધિકારી-પદાધિકારીઓને જવાનુ હોવાથી ફટાફટ સાધારણ સભા પૂર્ણ કરી નાખવામાં આવી હોવાનુ ચર્ચાય રહ્યુ હતું. 

સ્ટેન્ડીંગના 2 સભ્યની નિમણુંકનો મામલો ગરમાયો 

ભાવનગર મહાપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટિના બે સભ્ય પંકજસિંહ ગોહિલ અને કુલદિપ પંડયાએ રાજીનામા આપ્યા હતા તેથી નવા બે સભ્યની આજે સાધારણ સભામાં નિમણુંક કરવાની હતી, જેમાં ભાજપે મુદ્દલાબેન પરમાર અને અશોક બારૈયાના નામ જાહેર કર્યા હતા પરંતુ કોંગ્રેસે પણ બે નામની દરખાસ્ત કરતા મતદાન કરવામાં આવ્યુ હતું. ૩૮-૬ મતથી કોંગ્રેસની દરખાસ્ત ફગાવી દેવામાં આવી હતી અને ભાજપના બે સભ્યની નિમણુંક કરવામાં આવી હતી. આ દરમિયાન વિપક્ષના નગરસેવક જીતુભાઈએ સ્ટેન્ડીંગના બે પૂર્વ નગરસેવક સામે ગંભીર આક્ષેપ થયા હતા તે મુદ્દે ચર્ચા કરવાની વાત કરતા ભાજપના નગરસેવકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે થોડીવાર માટે હોહા થઈ હતી અને ત્યારબાદ મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો. 

અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યાના વિપક્ષના નેતાના આક્ષેપ ખોટા પડયા 

મહાપાલિકાની ગત સાધારણ સભામાં વિપક્ષના નેતા ભરત બુધેલીયાએ એક ઓડીયો સંભળાવી એક અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા અને ઓડીયો-વિડીયોના પુરાવાના આધારે મનપાના અધિકારીએ તપાસ કરી હતી. આ અંગે આજે સાધારણ સભામાં ભાજપના નગરસેવક રાજુ રાબડીયાએ સવાલ ઉઠાવ્યો હતો અને આક્ષેપ સાચા કે ખોટા ? તેમ પુછયુ હતું. આ અંગે મહાપાલિકાના કમિશનર ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે, પુરાવાના આધારે તપાસ કરવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચારની કોઈ બાબત વિડીયોમાં સાબીત થતી નથી તેથી આક્ષેપમાં કોઈ તથ્ય નથી. વિપક્ષના નેતા આજે કોઈ કારણસર સાધારણ સભામાં હાજર ના હતા તેથી આ મામલે કોઈ ચર્ચા થઈ નથી. અધિકારીનુ નામ વિપક્ષના નેતા કે તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ નથી. હાલ મહાપાલિકાએ તપાસ બાદ અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો નથી તેવુ સાબીત કર્યુ છે અને વિપક્ષના નેતા ખોટા સાબીત થયા છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં વિપક્ષના નેતા શુ કરે છે ? તેની રાહ જોવી જ રહી. 


Google NewsGoogle News