ભાવનગરમાં જગન્નાથજી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાયો
- નીલચક્ર, કળશ તથા હનુમાનજી મહારાજનું સ્થાપન
- ભગવાન જગન્નાથજીની પારંપારિક રીતે નેત્રોત્સવ વિધિ યોજાઈ,જય જય શ્રીરામ, જય જગન્નાથના નારા ગૂંજયા
આગામી તા.૨૦ જુનને મંગળવારે ભગવાન જગન્નાથજીની પૌરાણિક અને પારંપારિક ૩૮ મી રથયાત્રા નિકળશે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી આબાલવૃધ્ધ ભાવિકોની વિશાળ ઉપસ્થિતીમાં નગરચર્યાએ નિકળવાના હોય તેના પગલે શ્રધ્ધાળુઓનો ઉત્સાહ આ વર્ષે પણ ચરમ સીમાએ છે. ભગવાન જગન્નાથજીની ૩૮ મી રથયાત્રાની તૈયારીઓ નીજમંદિરમાં પુરજોશમાં થઈ રહી હોય ઘરઆંગણે માંગલિક પ્રસંગ હોય તેમ સૌ કોઈ સતત પ્રવૃત્ત જોવા મળી રહ્યા છે. ધર્મશાસ્ત્રોમાં દર્શાવાયા મુજબ મામાના ઘરેથી પરત આવ્યા બાદ જગન્નાથજીને આંખો આવી હોય તેઓને આંખે પાટા બાંધવાની વિધિ કરાય છે જે પરંપરા મુજબ શહેરના સુભાષનગરના જગન્નાથજીના મંદિરે રવિવારે નેત્રોત્સવ વિધિ શાસ્ત્રોકત રીતે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે હાથ ધરાઈ હતી. બાદ ભગવાનના રથના શિખર પર નીલચક્ર તથા રથના ઘુમ્મટ પર કળશ તથા રથના આગળના ભાગે હનુમાનજી મહારાજનું શાસ્ત્રોકત વિધિથી વિધિવત સ્થાપન કરાયુ હતુ. તેમજ રથમાં આસોપાલવના તોરણ, ફુલહાર લગાવાયા હતા. શ્રીફળ વધેરી, પ્રસાદ વિતરણ બાદ કાર્યકર્તાઓએ હનુમાન ચાલીસાના પાઠ કરી જયશ્રીરામ અને જય જગન્નાથજીના નારા લગાવ્યા હતા.
રથયાત્રાના રૂટમાં 25 હજાર ધજાઓ શોભાયમાન
સત્યનારાયણ રોડ પરના કાર્યાલયમાં કાર્યકર્તાઓ દ્વારા એકાદ માસ અગાઉ ધજાઓ બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ભાવેણામાં કેસરીયો માહોલ જામે તે માટે દર વર્ષે સમિતિની ટીમના ૨૫૦ આસપાસ કાર્યકર્તાઓએ અંદાજે ૨૫ હજાર ધજાઓ બનાવી શહેરના રથયાત્રાના માર્ગો પર લગાવાઈ છે. જે શોભાયમાન થઈ રહેલ છે. આ ધજાના કાર્ય માટે અંદાજે પાંચેક હજાર મીટર કેસરીયા (તાકા)કાપડનો ઉપયોગ કરાયો હતો.
રથયાત્રાના માર્ગ પર 125 થી વધુ ઈન્સ્ટન્ટ રંગોળીઓ આકર્ષણ જમાવશે
ભગવાન જગન્નાથજીનો રથ પસાર થાય તે પુર્વે શહેરના રથયાત્રાના નિયત રૂટ પર તત્કાળ રંગોળીઓ દોરવામાં આવશે. ભાવનગરના કલાકાર શૈલેષભાઈ કે. શાહના પરિવારના આઠેક સભ્યો દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી રંગોળી દોરવાની સેવા બજાવાય છે. ૨૦૦૯ માં રથયાત્રા સમિતીના સંપર્કમાં આવ્યા ત્યારથી રથયાત્રા આગળ તત્કાળ રંગોળી દોરવાનું નકકી કરાયુ હતુ. તેમના પરિવારના સભ્યો કાર તથા છોટાહાથીમાં માલસામાન લઈને દિવસ દરમિયાન રૂટના માર્ગો પરના ૧૨૫ પોઈન્ટસ પર મનોહર ઈન્સ્ટન્ટ રંગોળી બનાવે છે.સૌ પ્રથમ જગન્નાથ મંદિરેથી શરૂ કરીને એક એકથી ચડીયાતી રંગોળી તૈયાર કરવામાં તેમની ટીમ દ્વારા અંદાજે ૨૫૦ કિલો વિવિધ રંગની ચિરોડીનો ઉપયોગ કરાશે.
મહુવામાં ભવાની ગેટથી રથયાત્રા નિકળશે
મહુવામાં તા. ૨૦ ને મંગળવારે અષાઢી બીજે ભગવાન જગન્નાથના રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયેલ છે. મહુવામાં ભવાની ગેટથી સવારે ૯ કલાકે રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. જે ગાંધીબાગ, ખીમનાથ મંદિર, હોસ્પિટલ રોડ, રામ પાસરા મંદિર સહિતના વિસ્તારોમાં વાજતે ગાજતે ફરશે. માર્ગમાં જય જગન્નાથના જય ઘોષ સાથે ભાવિક ભક્તો, સંતો, મહંતો અને રાજકીય આગેવાનો પણ જોડાશે. આ રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે.