ગોહિલવાડમાં ગણેશોત્સવની તૈયારીને આખરી ઓપ અપાયો

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News
ગોહિલવાડમાં ગણેશોત્સવની તૈયારીને આખરી ઓપ અપાયો 1 - image


- સામુહિક આયોજનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો

- આયોજકો દ્વારા મૂર્તિની પસંદગી એડવાન્સમાં કરાઈ, તહેવારને અનુરૂપ ચીજવસ્તુઓની ખરીદીનો ધમધમાટ જામ્યો 

ભાવનગર : ગોહિલવાડમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિઘ્નહર્તા ગણેશજીની આરાધનાના મહાપર્વ ગણેશ ઉત્સવની તા.૧૯ ને મંગળવારથી અત્ર, તત્ર અને સર્વત્ર પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે. ગણેશોત્સવ આડે હવે ગણત્રીના કલાકો જ બાકી રહ્યા હોય શેરી,મહોલ્લાઓમાં તેમજ સાર્વજનિક ગણેશોત્સવના આયોજકો તથા કાર્યકર્તાઓ દ્વારા તે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ઉત્સવને અનુરૂપ ચીજવસ્તુઓની ખરીદીનો ધમધમાટ જામ્યો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે પણ વિવિધ મંડળો દ્વારા તા.૧૯,૯ ને મંગળવારથી ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાશે. તેને અનુલક્ષીને શહેરના જવાહર મેદાન, વાઘાવાડી રોડ, તળાજા રોડ, રાજકોટ રોડ સહિતના વિસ્તારોમાં ગણેશજીની મૂર્તિઓને રંગરોગાન સહિત ફાયનલ ફીનીશીંગ કાર્ય અને વેચાણકાર્ય પુરજોશમાં ધમધમી રહ્યુ છે. હવે ઈકો ફ્રેન્ડલી અને ગોબરમાંથી બનેલી મૂર્તિના સ્થાપન પ્રત્યે પણ જાગૃતિ વધી રહી છે. આયોજકો દ્વારા એડવાન્સમાં મૂર્તિની પસંદગી કરી તેના વાજતે ગાજતે સ્વાગત સામૈયા બાદ ઉત્સવની રૂપરેખા, સહિતના તબકકાવાર આયોજનો ઘડાઈ રહ્યા છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ભાવનગર શહેર અને જિલ્લામાં વ્યકિતગત કરતા સામુહિક ગણેશ ઉત્સવના આયોજનો નોંધપાત્ર પ્રમાણમાં કરાયા છે. ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર કેસરી મિત્ર મંડળ પ્રેરિત સમિતિ દ્વારા પટેલ બોર્ડિંગની બાજુમાં કાઠીયાવાડ મોઢ વિદ્યાર્થીગૃહના મેદાનમાં વાઘાવાડી ચા રાજા ઉત્સવ ઉજવાશે. આ અવસરે પ્રસિધ્ધ શ્રીમંત દગડુ  શેઠની મૂર્તિના કેન્દ્રસ્થાને પ્રથમ ગણેશોત્સવ ઉજવાશે. આવતીકાલ તા.૧૮ ને સોમવારે રાત્રે ૭,૩૦ કલાકે કાળુભા રોડ ખાતેથી સ્થાપન યાત્રા નિકળશે. ઘોઘાસર્કલ મિત્રમંડળ દ્વારા આ વર્ષે સર પટ્ટણી રોડ પર એચ.સી.જી. હોસ્પિટલ સામે, કળશ ફલેટ પાસે ૧૫ મો સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવાશે. તેની સ્થાપન યાત્રા આવતીકાલ તા.૧૮,૯ ને સોમવારે રાત્રે ૯ કલાકે વાજતે ગાજતે નિકળશે. વડવા પાદર દેવકી યુવક મિત્ર મંડળ દ્વારા તા.૧૯ થી ૨૮ સપ્ટે.દરમિયાન પાદર દેવકી ચોકમાં સિધ્ધિ વિનાયક ધામમાં વડવા કા દાદા બેનર તળે ગણેશોત્સવ ઉજવાશે. તેની આવતીકાલે સોમવારે સાંજે ૭,૩૦ કલાકે શોભાયાત્રા નિકળશે. શહેરના કાળીયાબીડમાં રિધ્ધિ સિધ્ધિ મિત્ર મંડળ દ્વારા લખુભા હોલ પાસેના તુલસીચોકમાં ગણેશોત્સવ ઉજવાશે. તા.૧૯ ને મંગળવારે બપોરે ૩ કલાકે શોભાયાત્રા, રાત્રે ૭,૩૦ કલાકે મહાઆરતી, શુભમ કલાવૃંદના સથવારે આરતી થશે. દરરોજ રાત્રે ૮,૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. તા.૨૮મીએ સવારે મૂર્તિનું વિસર્જન કરાશે. તમામ કાર્યક્રમોમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

ભાવનગર કા રાજા ગણેશ મહોત્સવ આકર્ષણ જમાવશે

નારાયણ સેવા ટ્રસ્ટના ઉપક્રમે શહેરના જવાહર મેદાનમાં તા.૧૯ ને મંગળવારથી આગામી તા.૨૮,૯ ને ગુરૂવાર સુધી ભાવનગર કા રાજાના બેનર તળે ભવ્ય ગણેશ મહોત્સવ ઉજવાશે.તા.૧૯મીએ બપોરે ૩ કલાકે તપસ્વીબાપુની વાડી, ભગીની મંડળ પાસે, વાઘાવાડી રોડ)ખાતેથી વિશાળ અને રંગદર્શી શોભાયાત્રા નિકળશે. તા.૨૦મીએ સત્યનારાયણ ભગવાનની કથા, તા.૨૧મીએ મારૂતિ રામદરબાર, તા.૨૨મીએ ૧૦૦૧ રોપાઓનું વિતરણ, તા.૨૩મીએ ભકિત સંગીત, તા.૨૪મીએ ચિત્ર સ્પર્ધા, તા.૨૫મીએ સાંસ્કૃતિક કાર્યક્રમ, તા.૨૬મીએ આયુર્વેદ ફ્રી કેમ્પ, તા.૨૭મીએ વિધવાબહેનોને સાડી અને અનાજની કિટનું વિતરણ કરાશે. તા.૨૮મીએ વિસર્જનયાત્રા નિકળશે.


Google NewsGoogle News