મહુવાના મોટા ખુંટવડા નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વીજધાંધિયા
- રાત્રિના સમયે વીજ પુરવઠામાં અનિયમિતતાથી લોકોને હાલાકી
- વીજતંત્ર તરફથી અસંતોષકારક જવાબો મળી રહ્યાં હોવાથી સ્થાનિક રહીશોમાં ભારે રોષ
મહુવા તાલુકાના મોટા ખુંટવડા ૬૬ કે.વી. સબ સ્ટેશન હેઠળ આવતા અનેક ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ ધાંધિયાથી સ્થાનિક ગ્રામજનો પરેશાન થઈ રહ્યાં છે. આ પંથકમાં સતત રાત્રિના સમયે વીજ પુરવઠામાં અનિયમિતતાના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. ચોમાસાની સિઝન દરમિયાન, ખાસ કરીને રાત્રિના સમયે, કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતો હોવાથી નાના બાળકો, વૃદ્ધોને વધારે હાલાકી પડી રહી છે. ઉપરાંત સ્થાનિક રહીશો પીજીવીસીએલ કચેરીમાં ફોન કરે તો ગ્રાહકોને ઉડાઉ અને અસંતોષકારક જવાબો ફરજ પરના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે. જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ ચોમાસાની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે અને આ વિસ્તારમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે. આ પરિસ્થિતિ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓને વેગ આપે છે ત્યારે આ વિસ્તારમાં લોકોને નિયમિત વીજ પુરવઠો મળી રહે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.