For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બટેટાના ભાવમાં સેન્સેક્સ જેવો ઉછાળો, પ્રતિ કિલોનો ભાવ રૂા.50 એ પહોંચ્યો

Updated: Apr 27th, 2024

બટેટાના ભાવમાં સેન્સેક્સ જેવો ઉછાળો, પ્રતિ કિલોનો ભાવ રૂા.50 એ પહોંચ્યો

- કોલ્ડ સ્ટોરેજના સ્ટોકમાં પણ થઈ રહેલો ઘટાડો

- બટેટાના વિકલ્પમાં અન્ય શાકભાજીનું વેચાણ વધ્યુ : છેલ્લા એક માસથી ધીમી પણ મક્કમ ગતિએ સતત વધી રહેલા બટેટાના ભાવને લઇ ગૃહિણીઓમાં દેકારો

ભાવનગર : લીલા શાકભાજીના રાજા ગણાતા બટેટા ભાવ છેલ્લા સપ્તાહથી સડસડાટ રીતે આસમાનને આંબેલા રહેતા મધ્યમવર્ગીય ગૃહિણીઓમાં દેકારો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા સહિત રાજયના કેટલાક સ્થળોએ આ વર્ષે માવઠાની આગાહી વચ્ચે બટેટાનું નબળુ ઉત્પાદન થતા તેને લઈને તેનો સ્ટોક પણ પ્રમાણમાં દિન પ્રતિદિન ઘટતો જતા હાલ બટેટા મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે. 

છેલ્લા એકાદ મહિનામાં ભાવનગર શહેરની મુખ્ય શાકમાર્કેટ ઉપરાંત પરા વિસ્તારોની શાક માર્કેટમાં બટેટાના ભાવમાં અંદાજે ૩૦ થી ૫૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. છુટક માર્કેટમાં બટેટા રૂા ૩૫ થી લઈને રૂા ૫૦ ના પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.બટેટાના ભાવનો સ્ટોક ક્રમશ ઘટી રહ્યો હોય નજીકના ભવિષ્યમાં હજુ પણ બટેટાના ભાવમાં ઉછાળો આવે તેવી સ્થાનિક વિક્રેતાઓએ શકયતા દર્શાવી છે. આ વર્ષે માવઠાની આગાહી વચ્ચે ગુજરાત રાજયમાં બટેટાની ખેંચ પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આજથી થોડા સમય અગાઉ રોગચાળાને લઈને બટેટાના પાકનો  ઉતારો નબળો રહ્યો હતો.પાલનપુર અને બનાસકાંઠા અને ડિસા સહિતના પંથકમાં સુકારો અને રોગચાળાને લઈને બટેટાના પાકમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. તેથી જ ગત વર્ષ કરતા આ વખતે  સૌરાષ્ટ્રના કોલ્ડ સ્ટોરેજના સ્ટોકમાં પણ બટેટાના સ્ટોકમાં હજજારો કટ્ટા માલ ઓછો નોંધાઈ રહ્યો છે. એટલે તેની અસર આગામી દિવસોમાં બજારમાં જણાશે. સીધા વપરાશમાં લઈ શકાય તેવા બાદશાહ અને પુખરાજ સહિતની વેરાયટીઓનો સ્ટોક ઓછો થઈ રહ્યો છે. જે ભવિષ્યમાં બટેટાની અછતની અનુભૂતિ કરાવશે. ભાવનગરની બજારોમાં બટેટાના ભાવમાં તેજી આવી ગયેલ છે. સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટીંગ યાર્ડોમાં જથ્થાબંધના ભાવે અગાઉ કિલોએ રૂા ૧૦ થી ૨૫ માં વેચાતા બટેટાના ભાવ અત્યારે રૂા ૨૦ થી ૩૦ આસપાસ થઈ ગયા છે જયારે છુટક બજારમાં બટેટા કિલોએ રૂા ૩૦ થી ૫૦  વચ્ચે પહોંચી જતા મધ્યમવર્ગીય ગૃહિણીઓના કિચન બજેટ ખોરવાઈ ગયા છે. બટેટા મોંઘાદાટ થતા ગૃહિણીઓ હાલ પૂરતુ તેની ખરીદી ટાળી અન્ય સસ્તા શાકભાજી તરફ વળી રહેલ છે. સામાન્ય રીતે બટેટાનો જંગી જથ્થો શાકભાજી ઉપરાંત ચિપ્સ, વેફર તેમજ તીખા બટેટા સહિતના ફાસ્ટફૂડમાં વપરાય છે. બટેટાના ભાવ આસમાનને આંબી જતા ભાવનગરમાં તીખા બટેટાના ભાવમાં પણ વધારો થયો છે.

બટેટાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

લગભગ તમામ શાકભાજીને મિકસ કરીને બટેટાનું શાક તૈયાર કરી શકાય છે. વિટામીન બી કોમ્પ્લેક્ષ અને સી તથા મિનરલ્સથી ભરપૂર એવા રોગ પ્રતિકારક શકિતથી ભરપુર બટેટામાં કાર્બોહાઈડ્રેટસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આર્યન, ઝીંક, સોડિયમ, કેલ્શિયમ, વિટામીન સી અને ફાયબર જેવા તત્વો હોય છે જે સ્વાસ્થ્ય અને ત્વચા બંનેની દ્રષ્ટિએ ખુબ જ ફાયદાકારક છે. 

Gujarat