પાણી સાવ સુકાઇ જતાં પોરબંદરનું પક્ષી અભયારણ્ય રણમાં પરિવર્તિત
- મોટી સંખ્યામાં રહેતા પક્ષીઓના અસ્તિત્વ પર જોખમ
- નર્મદાનાં પાણીથી અભયારણ્ય ભરવા તથા બીમાર પક્ષીઓનો શ્વાન દ્વારા શિકાર થતા હોવાથી ફેન્સિંગ બાંધવા માંગ
પોરબંદર : પોરબંદરની મધ્યમાં પક્ષી અભયારણ્ય આવેલું છે. તેમાં સતત પાણી ભરેલું રહેતા શિયાળામાં પક્ષીઓ નિવાસ માટે આવે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક પક્ષીઓનો પણ ત્યાં વસવાટ છે. પરંતુ, હાલ અહીં પાણી સાવ સૂકાઇ જતા પક્ષી અભયારણ્ય રણમાં પરિવર્તિત થઇ જવાથી પક્ષીઓને રહેવા ઉપર જોખમ સર્જાયું છે. અભયારણ્ય તાકિદે નર્મદા નીરથી ભરવા માંગ કરાઇ છે.
પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણી દ્વારા કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરની મધ્યમાં આવેલ પોરબંદર પક્ષી અભયારણ્ય જેમાં પાણીનું લેવલ ઘટી જતું હોય અને અગાઉ ગટરના પાણીથી સતત પક્ષી અભયારણ્ય પાણીથી ભરેલ રહેલું. હાલ ભૂગર્ભ ગટર યોજના કાર્યન્વિત થઇ જતા પાણીનું લેવલ ઓછું રહે છે અને ઉનાળા દરમિયાન સાવ નહીંવત થઇ જાય છે તથા મોટા ભાગનો વિસ્તાર પાણી વગરનો સુકા રણ જેવો થઇ જતો હોવાથી અમુક સંખ્યામાં રોકાઇ જતા યાયાવર પક્ષીઓ તથા ઘાયલ યાયાવર પક્ષીઓ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક પક્ષીઓનો નિવાસ સ્થાનનો તેમજ નિર્વાહનો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે, પક્ષીઓને ખુબ જ હેરાનગતિ ભોગવવી પડે છે, તેના અસ્તિત્વનો પ્રશ્ન ઉભો થાય છે તેમજ ઉપસ્થિત ઘાયલ પક્ષીઓ કે જે ઉડી શકતા નથી તેનો કુતરાઓ આસાનીથી શિકાર કર્યાના બનાવો બન્યા છે.
અમદાવાદ બાજુ આવેલ થોળ પક્ષી અભયારણ્ય, પરીએજ વેટલેન્ડ તેમજ કચ્છના નાના રણમાં નર્મદાનું પાણી છોડવામાં આવતું હોવાથી ત્યાં પક્ષીઓ સતત જોવા મળતાં હોય છે. પોરબંદર પક્ષી અભયારણ્યમાં પણ જો નર્મદાનું પાણી ભરવામાં આવે તો પક્ષીઓને રહેવાની સમસ્યા તો હલ થશે તેમજ પક્ષી અભયારણ્યની આજુબાજુમાં જમીનનાં તળ જે ખારાશવાળા હોય તે જમીન જળના સ્તર સુધરી અને મીઠા થઇ શકે છે અને આજુબાજુના લોકોને પીવાના પાણીનો પ્રશ્ન પણ દૂર થયે પોતાના બોરના પાણીનો પીવામાં તથા ઘરમાં વપરાશમાં ઉપયોગ કરી શકે. આ અંગે રજૂઆત કરાઇ છે તથા અભયારણ્યમાં શ્વાનો પક્ષીઓના શિકાર કરતા હોવાથી અભયારણ્ય ફરતે ફેન્સીંગ બાંધવા પણ માંગ કરાઇ છે.