થર્ટી ફર્સ્ટને લઈને ગોહિલવાડમાંથી પર્યટન સ્થળોએ યાત્રિકોનો પ્રવાહ વહ્યો
- ખાણી પીણીના એકમોના સ્થળોએ ભારે તડાકો
- નેટ કનેકશનધારકોએ બહોળી સંખ્યામાં વોટસએપ અને મેસેન્જર પર શુભેચ્છાની આપ-લે કરી
વર્ષના આખરી દિવસને યાદગાર બનાવવા માટે અસંખ્ય યુવાનો, નવવિવાહિતો સમવયસ્ક મિત્ર વર્તુળ સાથે પ્રાકૃતિક અને પર્યટન સ્થળોએ મીની સહેલગાહે જવા નિકળી ગયા હતા. નાતાલના મીની વેકેશનની રજાઓમાં મોજ માણવાની સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ગોહિલવાડમાંથી યુવાનોમાં સૌરાષ્ટ્ર જ નહિ બલકે રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશ તરફ જવાનો ધસારો વધુ રહ્યો હતો તેમ ખાનગી ટુર ટ્રાવેલર્સ એજન્સીમાંથી જાણવા મળ્યુ હતુ. યાત્રિકોની ભારે ભીડના કારણે દ્વારકા, ખોડલધામ, વિરપુર, ગોંડલ,સોમનાથ સહિતના યાત્રાધામોના નિવાસગૃહો, હોટલોમાં મોટા પાયે એડવાન્સમાં બુકીંગ થઈ ગયા હોવાથી અનેક યાત્રિકોને અગવડતાઓ પણ વેઠવાનો વખત આવ્યો હતો. એટલુ જ નહિ પર્યટન સ્થળોએથી પરત અવરજવર માટે ખાનગી ટ્રાવેલર્સ દ્વારા પણ રીતસરના ઉંચા ભાડા વસૂલાયા હોવાનું અસરગ્રસ્ત પરિવારો પાસેથી જાણવા મળ્યુ હતુ.જયારે પ્રવર્તમાન કમ્મરતોડ મોંઘવારી, બેકારીના માહોલને વિસરી જઈને ઈસુના ૨૦૨૩ ના વર્ષને સન્માનભેર વિદાયમાન આપીને ૨૦૨૪ ના નૂતન વર્ષના આગમનને ભારે હર્ષોલ્લાસભેર વધાવવા અને આવકારવા માટે ગોહિલવાડના યુવા મોબાઈલધારકોએ તેમના મનપસંદ ગૃપમાં ૩૧ ડિસેમ્બરને રવિવારથી વોટસએપ, મેસેન્જર પર તેમજ ઈમેઈલ પર એક એકથી ચડીયાતી ડિઝીટલ ઈમેજ,ટેક્ષ્ટ મેસેજ, વીડીયો રીલ સાથે રીતસરનો ધોધ વહાવ્યો હતો. એક અંદાજ મુજબ તા.૩૦,૩૧ ડિસેમ્બર દરમિયાન લાખ્ખો એસ.એમ.એસ. થયા હતા. આ મેસેજની વર્ષા હજુ આગામી બેથી ત્રણ દિવસ શરૂ રહેશે. આ ઉપરાંત ભાવનગર શહેરની હોટલ, ગાર્ડન રેસ્ટોરન્ટ,ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ ખાણી પીણી માટે તડાકો જોવા મળ્યો હતો.
એક જમાનામાં ટેલીવીઝનમાં 31 ડિસેમ્બરનો ભારે ક્રેઝ હતો
આજથી વર્ષો પુર્વે ગોહિલવાડમાં ૩૧ ડિસેમ્બરે ટેલીવીઝન પરની ખાનગી ચેનલો નિહાળવાનો સૌ કોઈમાં ભારે ક્રેઝ જોવા મળતો હતો. જે તે સમયે આ ખાનગી ચેનલોમાં ૩૧ મીની સાંજથી જ ધૂમ ધડાકાભેર અભિનેતાઓ, અભિનેત્રીઓના લાઈવ શો, સ્ટારનાઈટ, એવોર્ડ સેરીમની શો તેમજ મીમીક્રી સહિતના આકર્ષણો જમાવટ કરતા હતા.ત્યારે પરિવારજનો ઘરબેઠા મનોરંજક શો માણતા હતા.