Get The App

ધોમ ધખતા તાપમાં પણ શીતળા માતાજીના મંદિરે પદયાત્રિકો ઉમટયા

Updated: Apr 29th, 2024


Google NewsGoogle News
ધોમ ધખતા તાપમાં પણ શીતળા માતાજીના મંદિરે પદયાત્રિકો ઉમટયા 1 - image


- ચૈત્ર માસમાં દેવદર્શન અને પદયાત્રાનું વિશેષ મહત્વ

- રાજાશાહી વખતથી ચૈત્ર મહિનાના ચારેય રવિવાર શીતળામાતાજીના સાનિધ્યમાં ભરાતો ભાતીગળ લોકમેળો

ભાવનગર : ભાવનગરના છેવાડે ઘોઘા રોડ પર આવેલા અસંખ્ય માઈભકતોની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન શીતળા માતાજીના મંદિરે ચૈત્ર માસના રવિવારને લઈને ધોમ ધખતા આકરા તાપમાં પણ શહેરના કુંભારવાડા અને કરચલીયા પરા ઉપરાંત અકવાડા સહિત આસપાસના અનેક વિસ્તારોના માઈભકતોના પદયાત્રા સંઘ વાજતે ગાજતે માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા હતા આ સાથે જય માતાજીનો જયઘોષ ગુંજી ઉઠયો હતો.માતાજી સન્મુખ માઈભકતો કિર્તનભકિતમાં રીતસરના ઝુમી ઉઠયા હતા.

હિન્દુ કેલેન્ડરમાં પ્રથમ આવતા ચૈત્ર મહિનાનું વિશેષ મહત્વ હોય ગોહિલવાડમાં ચોમેર ચૈત્ર માસને લઈને શ્રીમદ ભાગવત સપ્તાહ, શ્રીરામચરિત માનસ જ્ઞાાનયજ્ઞા,દેવી ભાગવત કથા, શિવકથા,હોમ, હવન, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પાટોત્સવ ઉપરાંત અખંડ હનુમાન ચાલીસાના પાઠ, સ્વામિનારાયણ ધૂન, આનંદના ગરબાની અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યોનો ધમધમાટ વધી રહ્યો છે. ચૈત્રી માસમાં ધર્મસ્થાનકોના દેવદર્શન, પદયાત્રાનું વિશેષ મહત્વ હોય ચૈત્રી માસમાં ગોહિલવાડના માઈમંદિરોમાં ધર્મકાર્યોનો ધમધમાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ચૈત્રી માસની પ્રણાલિકા મુજબ  પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ઘોઘા રોડ પરના શ્રધ્ધેય નગરદેવી શીતળા માતાજીના મંદિરે રવિવારે વહેલી સવારથી ભાતીગળ મેની મેળાનો માહોલ દ્રશ્યમાન થયો હતો.અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, રાજાશાહી વખતથી શહેરના ઘોઘા રોડ પરના શીતળા માતાજીના મંદિરે વર્ષ દરમિયાન ચૈત્રી માસના ચારેય રવિવાર દુર દુરથી માઈભકતોના પદયાત્રા સંઘ કિર્તનની રમઝટ સાથે વાજતે ગાજતે આવતા હોય છે જે મુજબ રવિવારે શહેરના કરચલીયા પરા, કુંભારવાડા, ખેડ્તવાસ, નારી સહિતના દૂર દૂરના સ્થળોએથી ભાવિકોના નાના અને મોટા સંઘ માતાજીની માંડવી, માતાજીનો રથ માઈભકતો માથે મુકી હાથમાં ધજા સાથે ડીજેના સંગાથે ઉમટી પડયા હતા.  પદયાત્રિકોના માર્ગમાં માધવ દર્શનથી લઈને ઘોઘા રોડ સહિતના અનેક સ્થળોએ ધાર્મિક મંડળો દ્વારા પદયાત્રિકો માટે ઠંડા પાણી, સરબત, આઈસક્રીમ તેમજ અલ્પાહારના કાઉન્ટર ઉભા કરાયા હતા.રવિવારે અંદાજે ૧૦ થી વધુ માઈ ભકતોના સંઘ શીતળા માતાજીના મંદિરે આવી પહોંચતા સમગ્ર મંદિરનું કેમ્પસ ઉપરાંત હાઈવે પર બંને સાઈડ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. માઈભકતોએ માતાજીને ભાવભેર કુલેર, ખીર સહિતની વાનગીઓ ધરી, શ્રીફળ, ચુંદડી, માતાજીનો શણગાર ધરી ધન્યતા અનુભવી હતી.વહેલી સવારે એક માઈભકત શિવાજી સર્કલથી દડતા દડતા પણ દર્શનાર્થે આવ્યા હતા. આ સાથે શીતળા માતાજીના સાનિધ્યમાં મીની ભાતીગળ લોકમેળાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ભાવિકોની વિશાળ ઉપસ્થિતીને લઈને પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો.આ અવસરે અનેક પરિવારો દ્વારા માનતા અર્થે સાકર તુલા વિધિ પણ કરાય છે. 

અન્ય ધર્મસ્થાનકોમાં પણ પદયાત્રિકોની સંખ્યા વધી

ચૈત્ર માસમાં ફકત શીતળા માતાજીના મંદિરે જ નહિ બલકે રાજપરા ખોડિયાર, નાગધણીબા ખોડિયાર ઉપરાંત બોટાદથી દર શનિવારે યાત્રાધામ સાળંગપુર માટેના પદયાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થતો હોય છે.


Google NewsGoogle News